તે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો

  • April 04, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લક્ષ્મીનગર મેઈન રોડ પર ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી યુવકને પડોશમાં રહેતી મહિલાના પતિ, પુત્ર, જેઠ, ભત્રીજો, અને પિતા સહિતનાએ પ્લાસ્ટિકની નળી અને ઢીકાપાટુનો બેફામ મારમારી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. યુવકને મૂંઢ ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો. યુવકને પડોસી મહિલા સાથે પ્રેમ સબંધ હોય અને મહિલાની દીકરીની સગાઇ મહિનાઓ પહેલા જ થઇ હતી જે તૂટી જતા તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ પરથી છ શખસો સામે ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગર મેઈન રોડ પર નંદકિશોર સોસાયટી-1 ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ બ્લોક નં-બી.603માં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા સતીષ મહેન્દ્રભાઈ ધામેલીયા (ઉ.વ.35)ના યુવકને ઘર નજીક પડોશમાં રહેતા મહિલાના પતિ મહેન્દ્ર જાની, પુત્ર હર્ષ જાની, ભત્રીજો કમલેશ જાની, જેઠ ભરત જાની, જમાઈ કેવિન ઠાકર તેના પિતા ચંદ્રેશભાઇ ઠાકર સહિતનાએ ભેગા મળી રબ્બરની નળી અને ઢીકાપાટુનો બેફામમાર મારમારી યુવકને લોહીલુહાણ કર્યો હતો. સાથે મળી આજે તો આને પેટ્રોલ છાંટી સગળાવી દેવો છે કેહતા યુવકે દેકારો મચાવતા લોકોના ટોળા એકઠા થતા બધા ભાગી ગયા હતા અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધ્યું હતું.

યુવકે જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર શેરી નં-5 રહેતા દિવ્યાબેન સાથે મારે 14 વર્ષથી પ્રેમ સબંધ છે, દિવ્યાબેનના પતિ અલગ રહે છે. ગઈકાલે હું મારી એક્ટિવા લઇ મહાદેવવાળી મેઈન રોડથી મારા ઘરે જતો હતો ત્યારે ઘરના ખૂણા પાસે દિવ્યાબેનનો દીકરો હર્ષ સામે મળ્યો હતો અને મને ઉભો રાખી તે કેમ મારી બહેનની સગાઇ તોડાવી નાખી છે કહી હાથમાં રહેલી રબ્બરની નળી મોઢામાં મારી હતી. આ દરમિયાન દિવ્યાબેનનો ભત્રીજો કમલેશ જાની, દિવ્યાબેનના પતિ મહેન્દ્રભાઈ જાની, જેઠ ભરત જાની, જમાઈ કેવિન ઠાકર તેના પિતા ચંદ્રેશભાઇ ઠાકર બધા આવી ગયા હતા અને આડેધડ ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. ભરતભાઈ જાનીએ તને આજે પેટ્રોલ છાંટી સળગાવી દેવો છે તેમ ધમકી આપતા ઝપાઝપી થઇ હતી. આ વચ્ચે મારી પત્ની અને પુત્ર આવી જતા મને બચાવી ઘર પાસે લઇ ગયા હતા અને માણસો ભેગા થઇ જતા આ લોકો ભાગી ગયા હતા અને મને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ પરથી તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application