સીરિઝ કબ્જે કર્યા બાદ ઈમોશનલ થયો હાર્દિક પંડ્યા : ખેલાડીઓને આપ્યો જીતનો શ્રેય

  • February 02, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પર્ફોર્મ કરી સીરિઝ પોતાના નામે કરી



બુધવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવીને ટી20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત જ્યારે ન્યૂઝીલેન્ડની આ સૌથી મોટી હાર હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ખેલાડીઓએ 4 વિકેટ પર 234 રન ખડક્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી અને 66 રનમાં ટીમ સમેટાઈ ગઈ હતી. જીતની આ ક્ષણ હાર્દિક પંડ્યા માટે સૌથી વધારે ખાસ હતી, કારણ કે આ તેના માટે એક 'ઘર વાપસી' સમાન હતી. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં ગત વર્ષે તેણે પોતાની આગેવાનીમાં IPLની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી. વડોદરામાં જન્મેલો અને ઉછરેલો પંડ્યા પ્રેઝન્ટેશન સેરેમની વખતે ઈમોશનલ થયો હતો.




હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન માટે 'મેન ઓફ ધ સીરિઝ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે કહ્યું હતું કે 'મને 'મેન ઓફ ધ સીરિઝ' એવોર્ડ જીતવામાં કોઈ તકલીફ નથી, પરંતુ અહીંયા કેટલાક એવો પર્ફોર્મન્સ જોવા મળ્યા, જે અસાધારણ હતા. આ ટાઈટલ અને ટ્રોફી સમગ્ર સ્ટાફને આપું છું. હું તમામ માટે ખુશ છું. હું હંમેશા ગેમને કંઈક અલગ અંદાજમાં રમવાનો પ્રયાસ કરું છું. હું હંમેશા તે શોધવાનો પ્રયાસ કરું છું કે શું જરૂરી છે, પહેલાથી કંઈક વિચારીને રાખતો નથી. હું જે પણ નિર્ણય લઉ છું તે સમય અને સ્થિતિ પર નિર્ભર હોય છે. હું તેને સરળ રાખવા માગું છું અને આ હિંમત હંમેશા રહે તેમ ઈચ્છું છું. મારો એક સીધો નિયમ છે- જો હું નીચે જાઉ છું, તો પોતાની શરતોથી નીચે જઈશ. અમે પડકારોને લેવાની વાત કરી છે. જ્યારે અમે આઈપીએલની ફાઈનલ રમ્યા ત્યારે અમને લાગ્યું કે બીજી ઈનિંગ વધારે મસાલેદાર છે. પરંતુ આજે હું મેચને સામાન્ય બનાવવા માગતો હતો કારણ કે તે નિર્ણયાક હતી. તેથી, અમે પહેલા બેટિંગ કરી. અમે આગળ પણ આવું જ પર્ફોર્મન્સ યથાવત્ રાખી શકીશું તેવી મને આશા છે'.




ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝની ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. પરંતુ ટી20 સીરિઝની પહેલી મેચમાં હારનો સામનો કર્યો હતો અને બાકી બે મેચમાં ખેલાડીઓએ જોરદાર કમબેક કર્યું હતું. ટી20 વર્લ્ડ કપ ખતમ થયો ત્યારબાદથી અત્યારસુધી રમાયેલી આ ફોર્મેટની દરેક સીરિઝની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે અને તેમાંથી મોટાભાગમાં જીત મેળવી છે. હાર્દિક પંડ્યા જે રીતે ટીમને સંભાળી રહ્યો છે તે જોતા આગામી સમયમાં વનડે ફોર્મેટમાં પણ તેને કેપ્ટન બનાવી દેવાશે તેવી શક્યતાઓ કેટલાક દિગ્ગજો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકને તેનામાં ધોનીની ઝલક જોવા મળી રહી છે, જે જીત બાદ ટ્રોફી હંમેશા પોતાના હાથમાં રાખવાના બદલે સાથી ખેલાડીઓને આપી દેતો હતો. પંડ્યા પણ આમ જ કંઈક કરી રહ્યો છે. બુધવારે પણ તેણે ટ્રોફી પૃથ્વી શૉને પકડાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application