દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના ભવ્ય સમુહલગ્ન યોજાયા

  • February 18, 2023 07:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકાના ક્ષત્રિય વાઘેર સમાજના ૧૧૧ નવદંપતિઓના સમુહ લગ્નના ઐતિહાસિક મેળાવડામાં દીપ પ્રાગટય કરી લગ્નોત્સવનો પ્રારંભ રાજયસભાના સાંસદ પરીમલભાઇ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મોટાભાઇ, સંતગણ, ઉદ્યોગપતિઓએ કરાવ્યો હતો. 


વિશાળ જનમેદની વચ્ચે પરીમલભાઇ નથવાણીએ તેમના પ્રેરણાદાય ઉદબોધનમાં સમાજના ઉત્કર્ષની વાત કરતા કહ્યું હતું કે, દ્વારકા યાત્રાધામ એ મારા જીવનનું ખુબ ઉચ્ચકક્ષાના સ્થાને બિરાજમાન છે અને હું દ્વારકાધીશજીની કૃપા ભકિતથી આજે જે કાંઇ છું તેને મારી જાતને ખુબ જ ધન્ય અને ગૌરવ અનુભવું છું, દેવભુમિ દ્વારકા જિલ્લાના જ વતની નથવાણીએ પબુભા માણેક અને પુનમબેન માડમને સાથે રાખીને ભવિષ્યમાં દ્વારકા ક્ષેત્રની રોજગારી વધારવા નવા ઔદ્યોગિકરણ અને યાત્રાધામના વિકાસ માટે સઘન પ્રયાસો કરવાનું તમન્ના પણ વ્યકત કરી હતી. 


દ્વારકાના યાત્રાળુઓને સંબંધીત મુખ્ય પ્રશ્ર્ન સુદામા સેતુ જે હાલ મોરબીની ઘટના પછી બંધ કરવામાં આવ્યો છે તેને રાજય સરકાર અને જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરી પુન: શરૂ કરવાની ખાતરી તેઓએ પબુભાને આપી હતી, સમુહ લગ્નોત્સવ જેવા ઉમદા કાર્યો કરવા માટે પબુભા માણેકને ‘શિવ’ના ઉદગાર સાથે નથવાણીએ બિરદાવતા કહ્યું હતું કે, દ્વારકા વિસ્તારના સમાજના ઉત્કર્ષ માટે પબુભાએ હંમેશા નોંધનીય સેવાઓ કરી છે.


સમુહ લગ્નોત્સવમાં પબુભાના પુત્રો નિલેશભા માણેક, સહદેવસિંહ માણેક અને માણેક પરિવારના સભ્યોએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યુ હતું, સાંસદ પૂનમબેન માડમે પણ સમુહ લગ્નોત્સવના નવ દંપતિઓને શુભેચ્છા પાઠવી હતી. 


આ પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના ગોવિંદ સ્વામી, દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ), ડીએસપી પાંડે, જયોતિબેન સામાણી, બચુભાઇ વિઠલાણીલ, ડી.એલ.પરમાર, મેરામણભાઇ પરમાર, પત્રામલભા સુભણીયા, ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, રસીકભાઇ દાવડા, દાસભાઇ, નિલેશ કાનાણી, ધવલભા વાઢેર, નારણભાઇ કરંગીયા, અશ્ર્વિનભાઇ પુરોહીત, અનુપમભાઇ બારાઇ, લુણાભા, ચંદુભાઇ બારાઇ, મુકુંદભાઇ ભાયાણી, દિલીપભાઇ કોટેચા, દામભાઇ દાવડા, નંગાભાઇ વાધેર, મુરૂભાઇ વારોતરીયા તેમજ આરએસપીએલ અને ટાટા કંપનીના અધિકારીઓ, દ્વારકા પુજારી પરીવાર મંગલમ આશ્રમના મહંત સાધુ-સંતો સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application