રાજ્યની ૧૦૧ કોલેજોને ૧૦ ટકા હંગામી ફી વધારવા મંજુરી આપતી એફઆરસી

  • August 10, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે



રાજ્યની એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અગાઉ રાજ્યની 500 ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે 101 જેટલી કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી એફઆરસી(ફી રેગ્યુલેટર કમિટી) દ્વારા આ મામલે વિચારણા ચાલી રહી છે. ત્યારેએફઆરસીએ 101 કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરી છે. ફાઈનલ ફીમાં વિલંબ થતાં એફઆરસીએ પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે. એફઆરસીએ ટેકનિકલ કોલેજોને 10 ટકા સુધીનો ફી વધારો આપ્યો છે. હાલ પ્રોવિઝનલ ફીના આધારે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે.



આ મામલે ફી રેગ્યુલેટર કમિટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ (કામચલાઉ) ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં એફઆરસી દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે જ કોલેજો ફી વસૂલી શકશે. જો આ ફી પ્રોવિઝનલ ફી કરતા વધારે હશે તો વાલીઓએ ઉપરની ફી કોલેજોમાં જમાં કરાવવાની રહેશે, જ્યારે ઓછી હશે તો કોલેજ ફીમાં વધધટ સરભર કરી આપશે.



આપને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી હતી. રાજ્યની કુલ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો.



કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તમામ ટેકનિકલ કોલેજોએ ફીમાં વધારો કર્યો નહોતો, એટલે કે ફી યથાવત રાખી હતી. આ બ્લોક (2020-21, 2021-22 અને 2022-23)ની ફી જાહેર કરાઈ નહોતી. જેથી એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજોની 2025-26 સુધીનું ફી માળખું નક્કી કરવા માટે ગત માર્ચ મહિનામાં દરખાસ્ત માંગવામાં આવી હતી. આ કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો નોશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો, તેને ધ્યાને લઈને સમિતિએ આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. 500 કોલેજોએ 5 ટકાનો વધારો માંગતા તેમની મંજૂરી અપાઈ છે. જ્યારે 76 કોલેજોએ કોઈ વધારો માંગ્યો નથી. તો 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે નિર્ણય લેવામાં આવ્યો નહોતો.


જ્યારે 110 કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાથી ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા આ કોલેજો પાસે ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે. હાલ FRC દ્વારા આ કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરાઈ છે. 10 કોલેજની પ્રોવિઝનલ ફી 1 લાખ કરતાં વધુ મંજૂર થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application