ગોંડલના મોટી ખીલોરીમાં ખેડૂતના ઘરમાંથી પાંચ કિલો ગાંજો ઝડપાયો

  • March 17, 2023 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતી કામ કરનાર શખસના મકાનમાં એસોજીની ટીમે દરોડો પાડતા અહીંથી ૫ કિલો ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા ૫૨ હજારની કિંમતનો ગાંજાનો આ જથ્થો કબજે કરી પકડાયેલા શખસની પૂછપરછ કરતા તે સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું રટણ કર્યું હતું. આ શખસ પોતે બંધાણી હોય પહેલા પોતાના પીવા માટે ગાંજો લાવતો હતો બાદમાં ખર્ચો કાઢવા માટે ગાંજાનો વેપલો શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસોજીના પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.સી.મિયાત્રા અને કે.એમ.ચાવડા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે, મોટી ખીલોરી ગામે રામજી મંદિર ચોક પાછળ રહેતા અરજણ બાબરીયા નામના શખસે પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો છે.આ બાતમીના આધારે એસઓજીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં મકાનમાં તપાસ કરતા મકાનમાંથી પાંચ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે અહીં રહેતા અરજણ રણછોડભાઈ બાબરીયા (ઉ.વ ૬૨) સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
​​​​​​​
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અરજણ બાબરીયા ખેતી કામ કરે છે પરંતુ પોતે નશાનો બંધાણી હોવાથી પ્રથમ પોતાના પીવા માટે ગાંજો લાવતો હતો બાદમાં ખર્ચો કાઢવા માટે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવી તેનું વેચાણ પણ શરૂ કરી દીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસ ગાંજાનો આ જથ્થો સુરતમાં રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તાર પાસેથી લાવ્યો હોવાનું રટણ કર્યું હતું. આ મામલે વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની આ કામગીરીમાં પીએસઆઇ બી.સી.મીયાત્રા, કે.એમ. ચાવડાની રાહબરીમાં ટીમના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, અમિતભાઈ કનેરિયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઈ ધાંધલ, કાળુભાઈ ધાંધલ, અમિતભાઈ સુરુ અને નરશીભાઈ બાવળિયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application