તહેવારોની મોસમ: દિવાળી બોનસથી બજારોમાં ઉત્સાહ, 3.5 લાખ કરોડનું થશે વેચાણ  

  • November 04, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૫૮% મેન્યુફેક્ચરિંગ અને ૮૦% ખાનગી કંપનીઓ કર્મચારીઓને ૧૨% થી ૨૦% સુધીનું બોનસ આપશે : સર્વે



દિવાળીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. આવી સ્થિતિમાં સરકારી અને ખાનગી કંપનીઓએ તેમના કર્મચારીઓને બોનસ આપવાનું શરૂ કરી દીધું છે. બજારોમાં દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ટ્રેડર્સ ઓર્ગેનાઈઝેશન કેટએ જણાવ્યું હતું કે, આ વર્ષની તહેવારોની સિઝનમાં દેશભરમાં ૩.૫ લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની અપેક્ષા છે. કેટએ કહ્યું કે, સરકારી અને ખાનગી કંપનીઓએ કર્મચારીઓને બોનસની જાહેરાત કરી છે. તેનાથી તહેવારોમાં ખરીદી વધશે. નવેમ્બરની શરૂઆતમાં દિવાળી આવી રહી હોવાથી, ગ્રાહકોના ખિસ્સામાં તહેવારો પર ખર્ચ કરવા માટે પૂરતા પૈસા હશે, જેનાથી ખરીદીમાં વધારો થશે.


રિપોર્ટ અનુસાર, સરકારી કંપનીઓની સાથે લગભગ ૮૦% ખાનગી કંપનીઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે. સ્ટાફિંગ ફર્મના સર્વે અનુસાર, આ વર્ષે મેન્યુફેક્ચરિંગ અને એફએમસીજી સેક્ટરની ૫૮% કંપનીઓએ કહ્યું કે તેઓ તેમના કર્મચારીઓને બોનસ આપવાની તૈયારી કરી રહી છે.




રેન્ડસ્ટેન્ડ ઈન્ડિયા અનુસાર, આ વર્ષે એફએમસીજી, રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ તેમના કર્મચારીઓને માસિક પગારના ૧૨% થી ૨૦% સુધીનું બોનસ આપી શકે છે. જીનિયસ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટરે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં બેંક કર્મચારીઓને ૧૨% બોનસ મળવાની આશા છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાને જોતાં આ વર્ષે આઈટી સેક્ટરને ઓછું બોનસ મળી શકે છે. આ વર્ષે કંપનીઓ કર્મચારીઓને સરેરાશ ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું બોનસ આપી શકે છે.


દિવાળી બોનસ માટે હાલમાં તમિલનાડુના નીલગિરિસમાં રહેતા પી શિવકુમાર હાલ ચર્ચામાં છે, ટીના એસ્ટેટના માલિકે, સ્ટોરકીપર્સ, ફીલ્ડ સ્ટાફ અને ડ્રાઇવરો સહિત તેમના ૧૫ કર્મચારીઓને રૂ. ૨ લાખની કિંમતની બાઇક ભેટમાં આપી.




૨૦% ખર્ચ ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રીકલ, હાર્ડવેર, રમકડાં, પેકિંગ ક્ષેત્ર પર થવાનો અંદાજ


કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું તું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતા દિવાળી બોનસને કારણે બજારની તહેવારોની માંગ ચોક્કસપણે વધશે. પ્રાઈવેટ સેક્ટરમાં પણ કર્મચારીઓને દિવાળી બોનસ અને અન્ય પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, જેનાથી આ સેગમેન્ટના લોકોની તહેવારની ખરીદીમાં વધારો થશે. તહેવારોની મોસમનો ૨૦% ખર્ચ ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રીકલ, હાર્ડવેર, રમકડાં, પેકિંગ ક્ષેત્ર પર થવાનો અંદાજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application