વીજચોરો સામે લાલ આંખ: ગીરસોમનાથ જિલ્લાનાં વીજ દરોડા, રૂ.૯ લાખનો દંડ

  • March 14, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી ગીર સોમનાથ જીલ્લાના તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચોરી અંગે વ્યાપક દરોડા પાડી ૨૭ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવતા ૩૬૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવતા ૬૮ વીજજોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂા.૯.૯ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવેલ છે.


પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે.  પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે. આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની પ્રભાસ પાટણ, સુત્રાપાડા તેમજ પ્રાંચી પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની ૨૭ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૬૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા જે પૈકી ૬૮ વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.૯.૯ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. 
​​​​​​​
અત્રે નોંધનીય છે કે એપ્રિલ-૨૨ થી જાન્યુઆરી-૨૩ ના સમયગાળા દરમ્યાન જુનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે જેમાંથી કુલ ૨૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂા.૭૫૧.૧૨ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમ્યાન કુલ ૫,૬૯,૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭,૫૮૪ વીજ જોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂા.૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્યાં છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application