ઈલેક્ટોરલ બોન્ડ : યુનિક નંબર જાહેર કરવા મામલે સુપ્રીમની ફરી SBIને ફટકાર 

  • March 18, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીફ જસ્ટિસએ આપ્યો ઠપકો કહ્યું, “અમારે જ બધું કહેવું પડશે ?”,  એસબીઆઈની સોશિયલ મીડિયામાં ખોટી છબી બનાવવામાં આવી રહી હોવાની હરીશ સાલ્વેની ફરિયાદ 

 

આજે સુપ્રીમ કોર્ટમાં ફરી ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુનાવણી થઈ હતી. કોર્ટની બંધારણીય ખંડપીઠે, ચૂંટણી બોન્ડના યુનિક નંબરના ખુલાસા મામલે સુનાવણી દરમિયાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે એસબીઆઈએ દરેક જરૂરી માહિતી આપવી પડશે. તેના પર બેંકે કહ્યું કે તેની બદનામી થઈ રહી છે. જ્યારે છેલ્લી વખત ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારે કોર્ટે બોન્ડના યુનિક નંબરને જાહેર ન કરવા બદલ એસબીઆઈને સવાલ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એસબીઆઈએ યુનિક નંબર જાહેર કરવો જોઈએ, કારણ કે તે આવું કરવા માટે બંધાયેલી છે. બોન્ડના યુનિક નંબર દ્વારા, તે જાણી શકાય છે કે કઈ વ્યક્તિ કે કંપની દ્વારા એ દાન કયા રાજકીય પક્ષને આપવામાં આવ્યું છે.


મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બંધારણીય બેન્ચે ઈલેક્ટોરલ બોન્ડની યુનિક નંબરના મુદ્દા પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એસબીઆઈ વતી હાજર રહેલા વકીલ હરીશ સાલ્વેને કહ્યું કે અમે સંપૂર્ણ વિગતો આપવાનું કહ્યું હતું, પરંતુ એસબીઆઈએ પસંદગીની માહિતી આપી છે. તેઓ આમ ન કરી શકે. આ અંગે સાલ્વેએ કહ્યું કે અમે તમામ માહિતી આપવા તૈયાર છીએ. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "તમે દરેક બાબત માટે અમારા આદેશની રાહ જોઈ શકતા નથી કે કોર્ટ જે કહેશે તે જ અમે કરીશું. તમારે આદેશ સમજવો જોઈતો હતો." આના પર હરીશ સાલ્વેએ કહ્યું, "એસબીઆઈ વિશે ખોટી છબી બનાવવામાં આવી રહી છે. અમે ઓર્ડરમાં શું લખ્યું છે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ. અમે સમજી ગયા કે બોન્ડની તારીખ, બોન્ડ ખરીદનાર વ્યક્તિનું નામ, રકમ અને જે વ્યક્તિએ તે રોકડ મેળવ્યું હતું તે તમામ વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે.


સુનાવણી દરમિયાન સાલ્વેએ કહ્યું, "રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને જણાવવું પડ્યું હતું કે કોણે તેમને કેટલું દાન આપ્યું છે અને આ માહિતી સીલબંધ કવરમાં કોર્ટને પણ આપવામાં આવી હતી, તેથી આ માહિતી બહાર આવવાની જ હતી." તેણે કહ્યું કે જો બોન્ડ નંબર આપવાનો હશે તો ચોક્કસ આપીશું, અમને આમાં કોઈ સમસ્યા નથી. સીજેઆઈએ હરીશ સાલ્વેને પૂછ્યું, "અમને કહો કે તમારી પાસે કયા ફોર્મમાં ડેટા હતો." સાલ્વેએ જવાબ આપ્યો, "પહેલાં ગોપનીયતાની શરત હતી, તેથી તેને અલગથી રાખવામાં આવ્યો હતો." તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, "પહેલા તમે બે અલગ-અલગ જગ્યાએ ડેટા રાખ્યા હતા. હવે લાગે છે કે ડેટા ત્રણ જગ્યાએ હતો." તેના પણ સાલ્વેએ જવાબ આપતા કહ્યું હતું કે, "ના, ડેટા માત્ર બે જગ્યાએ હતો."


મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું, "તો પછી આલ્ફા ન્યુમેરિક યુનિક નંબરનો ઉપયોગ શું હતો? કેશિયરે બ્રાન્ચ નંબર સાથે મેચ કરીને પેમેન્ટ નથી કર્યું?" સાલ્વેએ કહ્યું, "ના, તે પણ કેવાયસીના આધારે રોકડ કરવામાં આવી હતી." આના પર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "ઠીક છે. અમે હવે આદેશ આપીએ છીએ કે એસવીઆઈ બોન્ડ નંબર જાહેર કરે અને અન્ય કોઈ માહિતી પણ માત્ર પોતાની પાસે ન રાખતા બધું જ જાહેર કરે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News