મેહુલ રૂપાણી અધ્યાપક નથી: કુલપતિ હું આજની તારીખે પણ અધ્યાપક છું: મેહુલ

  • August 08, 2023 02:28 PM 




સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની અલગ અલગ ફેકલ્ટીની થોડા થોડા સમયના અંતરે યોજાય રહેલી ચૂંટણીમાં મતદાર યાદી સુધારણાની કામગીરી પણ સાથો સાથ થઈ રહી છે. અધ્યાપક માટેની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે અને તેમાં ભૂતકાળમાં અત્યાર સુધી ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ સભ્ય જેવા મહત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા મેહુલ રૂપાણી પ્રોફેસરની લાયકાત જ ધરાવતા નથી તેવું રુલિંગ આપીને મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરી નાખવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.


આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશભાઈ ભીમાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ અધ્યાપક તરીકે ફરજ બજાવતો હોય તો તેને પગાર મળતો હોય છે. પગારની આવક દર્શાવવા માટે ઇન્કમટેક્સમાં 16 એ મુજબનું ફોર્મ ભરવાનું હોય છે. મેહુલભાઈ રૂપાણીના કિસ્સામાં તેમણે આવું ફોર્મ યુનિવર્સિટીમાં રજૂ કર્યું ન હોવાથી તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.



આ બાબતે મેહુલભાઈ રૂપાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હું 2009 થી આજ દિવસ સુધી અધ્યાપક છું. ફોર્મ નંબર 16 એ રજૂ કર્યું છે કે નહીં તે યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં જોવા માટેનો મુદ્દો નથી. પરંતુ વર્તમાન વિવાદાસ્પદ વાતાવરણથી દૂર રહેવા માટે મેં ચૂંટણીનું ફોર્મ ભર્યું નથી. પરંતુ હું ભૂતકાળમાં મારા કાકા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ન હતા તે વખતથી સેનેટ સિન્ડિકેટનો સભ્ય છું અને અધ્યાપક પણ છું.








મેહુલભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં મેં જ્યારે ચૂંટણી માટેના ફોર્મ ભર્યા છે ત્યારે તેમાં હું અધ્યાપક છું તે મતલબના આધાર પુરાવા અને પ્રમાણપત્રો પણ રજૂ કર્યા છે. આ તો ખોટે ખોટો વિવાદ ઉભો કરવામાં આવતો હોય એવું લાગે છે.



પૂર્વ સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણી મામલે કોંગ્રેસ નેતા નિદત બારોટે નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ અધ્યાપકની નિમણુંક કરતા પહેલા ઈન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે. પગાર લેતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે. થોડા સમય પહેલા કેટલાક લોકો અવસાન પામ્યા હોય છતાં નામ બોલતું હોવાનું સામે આવ્યું હતું. તે સમયે જ મેં પોતે 16Aનું ફોર્મ લેવા માટે રજૂઆતો કરી હતી. મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા અધ્યાપક નથી તેવું સાબીત થઈ રહ્યું છે. સેનેટની ચૂંટણી માટે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું છે. અધ્યાપક તરીકે લાયકાત છે કે નહીં તે અંગે યુનિવર્સિટીએ જાહેર કરવું જોઈએ.



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ CMના ભત્રીજાના હોદ્દા વિવાદને લઇને કુલપતિ ગિરીશ ભિમાણીનું નિવેદન સામે આવ્યું છે. ૨૦૧૭ બાદ પ્રથમ વખત મતદાર યાદી સુધારણા કરવામાં આવી છે. નવી મતદાર યાદીમાં ૩૦૦ જેટલા પ્રોફેસરોને નવી મતદાર યાદીમાં સ્થાન મળ્યું નથી. જે કોલેજોના પ્રોફેસરોએ પોતાના ફોર્મ ૧૬ (એ) રજૂ કર્યા નથી તેવી કોલેજોમાં જોડાણ વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવશે. કોલેજોમાં ડમી પ્રોફેસરો રજૂ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application