થેલેસેમિયાગ્રસ્ત યુવાનોની ખુદ્દારી ઉપર બનેલી ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રથમ વિજેતા

  • February 27, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીમારી, બેકારીથી નાસીપાસ યુવાનોને જિંદગીની પ્રેરણા આપતી
ગંભીર અસાધ્ય રોગથી હતાશ થયા વગર યુવાને કટારીયા ચોકડીએ ઘુઘરા વેચી પગભર થયો અને બીજાને પણ રોજી આપી: ૨૪ કલાકમાં બનેલી ફિલ્મ વિજેતા




બિમારી અને બેરોજગારીથી કંટાળીને આપઘાતના કિસ્સાઓ રોજબરોજ વાંચવા, સાંભળવા મળે છે, પરંતુ રાજકોટમાં બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષના અભિષેક વ્યાસ મેજર થેલેસેમિયાની ગંભીર બીમારી અને મધ્યમવર્ગી પરિવાર, છતાં હિંમત હાર્યા વગર મુસીબતના પહાડને હરાવી રહ્યો છે. આ સત્ય કહાનીથી પ્રેરિત થઇને રાજકોટના સિવિલ એન્જિનિયર ભાર્ગવ પરમાર અને એમબીએ રોનક ફળદુએ સૌ.યુનિ. દ્રારા રાજયકક્ષાની આયોજિત ફિલ્મ મેકીંગ સ્પર્ધામાં આ યુવાન ઉપર ૫ મિનિટ ૧૯ સેકન્ડની બનાવેલી દસ્તાવેજી ફિલ્મને જયુરી સહિત સૌની મુકત કંઠે પ્રશંસા સાથે તેને પ્રથમ પારિતોષિક મળ્યું છે.





સ્પર્ધકોએ માત્ર ૨૪ કલાકમાં પ્રેરક સંદેશો આપતી ફિલ્મ બનાવવાની સ્પર્ધા હતી. જેમાં કાલ્પિનિક વિષયવસ્તુને બદલે આ યુવાનોએ થેલેસેમિયાપીડીત યુવાનને શોધી તેના પર આંખને ભીની કરી દેતી દસ્તાવેજી ટૂંકી ફિલ્મ બનાવી ત્યારે પ્રથમ નંબરની સ્પર્ધાત્મક ભાવના નહીં, પણ સમાજને સત્ય ઘટનાથી પ્રેરણા આપવાની ભાવના હતી.





અભિષેકને દર બાર દિવસે લોહી બદલાવવું પડે છે, છ માસની ઉંમરે મેજર થેલેસેમિયાનું નિદાન થયું. છતાં પિતા પર ઘરનો બોજ ઘટાડવા મોટામવા સ્માશાન પાછળ, રેઇન્બો સીટી એપાર્ટમેન્ટમાં સપરિવાર રહેતા આ યુવાને બિમારીથી નાસીપાસ થયા વગર માત્ર માતાપિતા જ સંતાનો માટે ઝઝુમે તે યોગ્ય નથી, સંતાનોની પણ ફરજ છે તે વિચાર સાથે નોકરી માટે કે કોઇની દયા પર નિર્ભર રહેવાને બદલે તેણે રાજકોટના રીંગ રોડ–૨ ઉપર કટારિયા ચોકડી પાસે ઘુઘરા વેચવાની લારી શરૂ કરી. આર્થિક પગભર થયો અને શ્રમજીવી મહિલાને પણ રોજી આપી.




પાંચ મિનિટની આ પ્રેરક ફિલ્મ યુટયુબ ઉપર 'ગ્લોસન પ્રોડકશન્સ' નામની ચેનલ પર જોઇ શકાશે. ફિલ્માં વિષયવસ્તુ, કથા, સંવાદ, અભિનય ભાર્ગવ પરમાર, દિગ્દર્શન, કેમેરા, એડીટીંગ રોનક ફળદુએ કયુ છે. ઉપરાંત ટીમમાં ગુજરાતમાંથી નૈનેશ વાઘેલા, કુલદિપ પઢિયારે, દિલીપ વાઘેલા, પ્રેમ પરમાર, પ્રણવ શ્રીમલી, મુકેશ મકવાણા વગેરેએ યોગદાન આપ્યું હતું. પાંચ વર્ષ અગાઉ ભાર્ગવ પરમારે પોતે એકલાએ મોબાઇલના વ્યસનથી મુકત થવા માટે બનાવેલી ફિલ્મને પણ ત્રીજુ પારિણોષિક મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application