જિ. પં.ની વર્તમાન બોડીની મુદત પૂરી થવામાં: મોટી મોટી વાતો પણ પરિણામમાં મીંડું

  • July 12, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુકાનોના ભાડા વધારાની, દબાણ દૂર કરવાની અને નવા બિલ્ડીંગની વાતો હવામાં લટકતી




રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની અઢી વર્ષની ટર્મ પૂરી થવા આડે હવે માત્ર બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. જવાબદારી સંભાળી ત્યારે અનેક મોટી મોટી વાતો કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની વાતોમાં પરિણામ શૂન્ય આવ્યું છે. હવે બાકીના દિવસોમાં નક્કર પરિણામ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.



જિલ્લા પંચાયતના અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત બિલ્ડીંગની આગળના ભાગે યાજ્ઞીક રોડ પર સોનાની લગડી જેવી દુકાન 9 દુકાન ભાડે આપી છે. વર્તમાન બજાર કિંમત મુજબ તેનું માસિક ભાડું રૂપિયા 50,000 આસપાસ ગણાય પરંતુ જિલ્લા પંચાયતને અત્યારે દુકાન દીઠ દર મહિને માત્ર રૂપિયા પણ રુ.500 નું ભાડું મળે છે.



ભાડામાં વધારો કરવાની દરખાસ્ત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં અને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારે તાત્કાલિક આ બધું થઈ જશે તેવી વાતો કરવામાં આવી હતી. પરંતુ અઢી વર્ષની ટર્મ પૂરી થવાના આરે છે છતાં આમાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. જ્યારે આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો ત્યારે એવી પણ ચોકાવનારી વાત ખુલવા પામી હતી કે જે વ્યક્તિ સાથે ભાડા કરાર કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગના કિસ્સામાં મૂળ માલિકો ફરી ગયા છે અને પેટા ભાડુતો આ દુકાનનો ઉપયોગ કરી રહ્યા છે.



આવી જ બીજી વાત સદર બજારમાં આવેલી સોનાની લગડી જેવી અને અત્યારે જેની કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે તેવી પશુ દવાખાનાવાળી અંદાજે 4000 મીટર જેટલી જગ્યામાં દબાણ થઈ ગયું છે. આ દબાણ ફટાફટ દૂર થઈ જશે એવા હાકલા પડકાર થયા હતા પરંતુ આજ સુધી તેની એક ઈંટ પણ કોઈ હલાવી શક્યું નથી.


આવી ત્રીજી મહત્વની વાત જિલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવવાની લગતી હતી. આશરે 40 વર્ષ જૂના જિલ્લા પંચાયતના વર્તમાન બિલ્ડીંગના સ્થાને 23 કરોડના ખર્ચે નવું અધ્યતન સાધન સુવિધા સભર બિલ્ડીંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ડિઝાઇન પણ ફાઈનલ થઈ ગઈ છે. પરંતુ સરકારમાંથી હજુ મંજૂરી મળી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application