શહેરમાં રૂ.૯૨ કરોડના ખર્ચે નલ સે જલ અભિયાન ઝડપી બનાવવા નિર્ણય

  • February 16, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકાના ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં રૂ.૯૨ કરોડના ખચે નલ સે જલ અભિયાન ઝડપી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે, સરકારના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા યોજનામાં શહેરના ૧૩૨ કિ.મી. વિસ્તારમાં ઝડપી અને ચોખુ પાણી મળી રહે તે માટે રૂા.૯૨ કરોડનો ખર્ચ સરકારે મંજુર કરી દીધો છે, જો કે તેમાં રૂ.૫૦.૭૮ કરોડના કામો પ્રગતિમાં છે પરંતુ નગરસીમ અને અન્ય વિસ્તારોમાં પ્રોજેકટ ઝડપી બનાવીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા કોર્પોરેશને અભિયાન હાથ ધર્યુ છે. આ માટે ૨૧ કિ.મી.ની ડીઆઇ પાઇપલાઇન મંજુર થઇ છે, ૧૫માં નાણાપંચની ટાઇડ ગ્રાન્ટ હેઠળ રૂ.૯.૮૩ કરોડના કામો પણ મંજુર થઇ ચૂકયા છે, પમ્પહાઉસનું રિપેરીંગ કામ પુરજોશમાં ચાલું છે અને રણજીતસાગર ડેમના સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેશનના કામનું આયોજન કરાયું છે.





ખાસ કરીને સીટી વોટર બેલેન્સ પ્લાન-૨૦૨૫ અમૃત યોજના હેઠળ સરકાર દ્વારા રૂા.૨૧૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. 
સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાની ટીમે જામનગરમાં વોટર ડ્રેનેજ ભુર્ગભ અને લાઇટના કામો વધુને વધુ વિસ્તારમાં થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે અને આ માટે બજેટમાં પણ સુચવવામાં આવ્યું છે, ખાસ કરીને લાલપુર બાયપાસ ચોકડી, મારૂ કંસારા સમાજની વાડી વિસ્તારમાં રૂ.૧૬.૭૭ કરોડના ખર્ચે શિવર કલેકશન પાઇપલાઇનનું કામ પ્રગતિમાં છે, ઉપરાંત હૈયાત પમ્પીંગ સ્ટેશનના ઓગ્મેન્ટેશનના રૂ.૧૪.૧૭ કરોડના કામો, મોરકંડા રોડ ઉપર રૂ.૧૨.૧૭ કરોડના કામો, જુદા-જુદા વિસ્તારમાં ૧ કરોડના કામ અને અમૃત યોજનામાં પાણી માટે હાપા મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી, ઢીચડા વિસ્તારના કામો મંજુર થઇ ગયા છે. 


મહાપાલિકા દ્વારા આંતરમાળખાકીય કામો ઝડપથી કરવાની જરૂર છે, ૯૬ કરોડના ખર્ચે ત્રણ બ્રિજમાં બે ઓવરબ્રિજ અને એક ઓવરબ્રિજ મંજુર કરાયા છે, રૂ.૩૫ કરોડના ખર્ચે ત્રણ નવા દવાખાના પણ આ બજેટમાં કરાવાશે તેમ જણાવાયું છે અને રણજીતસાગર ડેમ પાસે હૈયાત એનીમલ સેન્ટર હોમ એકસ્પાન્સ કરવાનું કામ પણ પૂર્ણતાની આરે છે, ખાસ કરીને ખુદ મહાપાલિકાના સભ્યો બેસી શકે તે માટે આધુનિક રૂ.૮.૧૪ કરોડના ખર્ચે જનરલ બોર્ડનું બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે તેમજ તળાવની પાળે રૂ.૧૨.૫૦ કરોડના ખર્ચે સાયન્સ નોલેજ પાર્ક બનવાનું છે, કોલેજ કમ્પાઉન્ડ પાસે મહારાણા પ્રતાપનું ઘોડા સાથે બ્રોન્ઝ સ્ટેચ્યુ, ત્રણ દરવાજા રેસ્ટોરેશન, રણમલ તળાવ પેરીફેરીમાં ઝરૂખા અને શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલને રૂ.૪.૦૮ કરોડના ખર્ચે રિનોવેશન કરવાનું બજેટમાં દર્શાવાયું છે. 


જો કે ઘણીવખત એવું પણ બને છે કે, બજેટમાં દર્શાવેલા કામો નાણાના અભાવે અટકી પડે છે, ભુજીયો કોઠો રેસ્ટોરેશનનું કામ ૧૦ ટકા જ બાકી છે અને શહેરને રૂ.૨૩.૪૧ કરોડના ખર્ચે એક આધુનિક ભુજીયો કોઠો પણ મળશે, ખાસ કરીને શહેરની હદ વધતા નવા ભળેલા વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ, ગટર અને પાણીની સુવિધા પણ ઝડપથી થાય તે માટે અમૃત યોજના હેઠળ રૂ.૨૧૦ કરોડના કામો ઝડપથી થવા લાગે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. 


કોર્પોરેશન સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને મહાપ્રભુજીની બેઠક પાસે અદ્યતન ટાગોર હોલ હજુ સુધી બનાવી શકયું નથી, ઉપરાંત ભુર્ગભ ગટરનું કામ પણ કાચબાની ગતિએ ચાલી રહ્યું છે, અત્યારે રૂ.૧૯૬ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીનો ફલાય ઓવરબ્રિજ પણ બની રહ્યો છે તે બની ગયા બાદ શહેરની ટ્રાફિક સમસ્યામાં પણ સારો એવો ઘટાડો થશે, જામનગરની મહત્વની ટીપી સ્કીમો પણ પાસ થઇ ચૂકી છે, ગયા જનરલ બોર્ડમાં એકીસાથે ૫ ટીમી સ્કીમને પાસ કરી દેવામાં આવી છે, ત્યારે હવે છ મહીના બાદ સરકારી તમામ મંજુરી મળી ગયા બાદ શહેરના વિકાસને એક નવી ગતિ પણ મળશે તેમ મનાય છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application