પિતા સરબજીતના હત્યારાની હત્યા થતાં પુત્રી સ્વપનદીપે પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

  • April 15, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહ્યું 'આ ન્યાય નથી, પાકિસ્તાન સરકારે પુરાવાનો નાશ કરવા માટે આ કાવતરું ઘડ્યું’, ગતરોજ અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હતી હત્યા


પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની ગતરોજ (14 એપ્રિલ) લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. પિતાના હત્યારાની હત્યા પર પુત્રી સ્વપનદીપ કૌરનું કહેવું છે કે આ ન્યાય નથી. પાકિસ્તાન પર આરોપ લગાવતા તેણે કહ્યું કે આ હત્યા પુરાવાનો નાશ કરવા માટે કરવામાં આવી છે.

    
તેણીએ કહ્યું કે, “પહેલાં તો મને સંતોષ થયો, પણ પછી મને લાગ્યું કે આ ન્યાય નથી. અમે જાણવા માગીએ છીએ કે મારા પિતાની હત્યા શા માટે કરવામાં આવી, તેમની હત્યા પાછળ કોણ હતા. સ્વપ્નદીપે વધુમાં આરોપ લગાવ્યો કે સરબજીત અને તાંબા બંનેની હત્યા પાછળ પાકિસ્તાન સરકારનો હાથ છે. તેણે કહ્યું, "જો મારા પિતાની હત્યામાં ત્રણ કે ચાર લોકો સામેલ હતા, તો પાકિસ્તાન સરકાર જ તે સમયે ઘડાયેલા કાવતરાને છુપાવવા માટે તે વ્યક્તિ (તાંબા)ની હત્યા કરીને તેને ઢાંકી રહી છે."

સરબજીતને આતંકવાદ અને જાસૂસીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 26 એપ્રિલ, 2013ના રોજ લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓએ તેના પર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને 1 મેના રોજ બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું. વર્ષ 2018માં કોર્ટે આરોપી અમીર સરફરાઝ તાંબા અને મુદસ્સરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પછી, રવિવારે લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તાંબાની હત્યા કરવામાં આવી હતી. આ અંગે બ્રિટનના ધ ગાર્ડિયનના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાનની ધરતી પર આવી અનેક હત્યાઓ સાથે ભારતને જોડવામાં આવ્યું હતું. જ્યારે ભારતે આ અહેવાલને ફગાવી દીધો છે.

સરબજીતની બહેન દલજીત કૌરે તેની મુક્તિ માટે મોટા પાયે અભિયાન ચલાવ્યું હતું. દલજીત કૌરનું જૂન 2022માં અવસાન થયું હતું. જ્યારે સ્વપનદીપ અને પૂનમ સરબજીતની દીકરીઓ છે. આ અંગે એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જેમાં રણદીપ હુડ્ડાએ સરબજીતનો રોલ કર્યો હતો અને ઐશ્વર્યા રાયે દલજીત કૌરનો રોલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application