પીડીએમ ફાટકે ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવવા વિચારણા

  • July 04, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢેબર રોડ ઉપર વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ પૂર્ણ થાય ત્યાંથી બ્રિજ શરૂ થશે: પીડીએમ કોલેજ સામેના હાઇરાઇઝ બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે




રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૭ના ઢેબર રોડ સાઉથ અને વોર્ડ નં.૧૩ના ગોંડલ રોડની બરાબર વચ્ચે આવેલા પી.ડી.માલવીયા કોલેજના રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા માટેનું આયોજન આગળ ધપી રહ્યું છે. તાજેતરમાં જ કપાતનો સર્વે પૂર્ણ થયા બાદ ડિઝાઇનની પ્રક્રિયા આગળ ધપી છે જેમાં પીડીએમ ફાટકે ઝેડ આકારનો અન્ડરબ્રિજ બનાવવા પ્રાથમિક વિચારણા હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.



મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઢેબર રોડ ઉપર વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ પૂર્ણ થાય ત્યાંથી આગળથી બ્રિજ શરૂ થશે અને પીડીએમ કોલેજ સામેના હાઇરાઇઝ બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે તેવું પ્રાથમિક આયોજન છે. હવે આ મામલે સ્થાનિક સ્તરે બેઠક યોજાશે ત્યારબાદ બધું વધુ સુનિશ્ચિત થશે. અહીં અંડર બ્રિજ બનાવવો કે ઓવરબ્રિજ તે પણ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ વિસ્તારની ભૂગોળ જોતા અહીં અન્ડર બ્રિજ વધુ ફિઝિબલ રહે તેવો મત છે. ટૂંક સમયમાં આ અંગે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અને કન્સલ્ટન્ટ એજન્સીને પત્ર પાઠવવામાં આવશે.


વિશેષમાં સુત્રોએ ઉમેર્યું હતું કે ગોંડલ રોડ અને ઢેબર રોડ તરફની અનેક રહેણાંક અને વાણિજ્યક મિલકતો કપાત કરાય તો જ બ્રિજ નિર્માણ શક્ય બને તેમ છે. બીજી બાજુ ઢેબર રોડ અને ગોંડલ રોડ ઉપર સતત વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઇ ભવિષ્યની કલ્પના કરી અહીં બ્રિજ બનાવવો જરૂરી છે.કપાતના વળતર સ્વરૂપે અસરગ્રસ્તોને ત્રણ વિકલ્પ અપાશે જેમાં કપાતમાં જતી મિલકત સામે રોકડ રકમનું વળતર, જમીન સામે જમીન અથવા એફએસઆઇ અપાશે. કપાતના અસરગ્રસ્તોએ આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે પીડીએમ ફાટકે બ્રિજ પ્રોજેકટમાં અમુક મિલકતો અંશતઃ તો અમુક અડધી તો અમુક સંપૂર્ણ કપાત થાય તેમ છે. અંદાજે ૫૦થી ૬૦ મિલકતો કપાત થાય તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application