છોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વ નિમિતે રંગેચંગે શિવ શોભાયાત્રા નિકળશે

  • February 16, 2023 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા ૪૧ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રા આ વખતે પણ નિકળશે, સિઘ્ધનાથ મંદિરથી બપોરે ૪ વાગ્યે તા.૧૮ના રોજ મહા શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનો પ્રારંભ થશે એ પહેલા સવારે પૂજન વિધી પણ કરવામાં આવશે જેમાં અનેક મહાનુભાવો જોડાશે. મોડી રાત્રે ૧૨ વાગ્યે ભીડ ભંજન મંદિરે પૂર્ણ થશે.


શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે બેતાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે અને શનિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૩ સંસ્થાના ૨૭ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે શોભાયાત્રા પુરી થયા બાદ મહાઆરતી યોજાશે.


જામનગર શહેર ’છોટી કાશી" ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે, અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે. અને આ વખતે બેતાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


 શિવશોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ શનિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનની પૂજા શહેરના ૧૧ અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન, અર્ચન, દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.


 સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલા એક સરખા ઝભ્ભા ધારણ કરશે અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application