બોમ્બની ધમકી અફવા: વિમાન ગોવા જવા રવાના

  • January 10, 2023 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોસ્કોથી ગોવા જતાં વિમાનને જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું: તંત્રના રાત ઉજાગરા બાદ સબ સલામત: વિમાન તેમજ તમામનો સામાન ચેક કરાયો પરંતુ કાંઈ વાંધાજનક ન મળતા હાશકારો: ઉચ્ચ અધિકારીઓ એનએસજી કમાન્ડો, બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો દોડી ગયો




મોસ્કોથી ગોવા તરફ આવતી ચાર્ટર ફલાઇટમાં બોમ્બની ધમકી મળતા અચાનક જામનગરના એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું, આ અંગેના મેસેજ લગત તંત્રને આપવામાં આવતા ભારે દોડધામ મચી ગઇ હતી, અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ, જીલ્લા કલેકટર, આઇજી, એસપી સહિતનો કાફલો તાબડતોબ તપાસમાં લાગ્યો હતો અને યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ફલાઇટમાં સવાર ૨૩૬ વિદેશી નાગરીકો અને ૮ ક્રુ મેમ્બરનું રેસ્કયુ કરી સલામત સ્થળે શીફટ કરવામાં આવ્યા હતા, જયારે બોમ્બ સ્કવોટ અને એનએસજીની ટીમ દ્રારા જીણવટભરી તપાસની પ્રક્રિયા કરી હતી, કલાકોની જહેમત બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા તત્રં સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો.





રશિયાના મોસ્કોથી ગોવા જતી ચાર્ટર ફલાઇટમાં બોમ્બ હોવાની માહિતીના પગલે વિમાનનું જામનગરના એરપોર્ટ ખાતે રાત્રીના ઇમરજન્સી લેન્ડીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો જેના કારણે સ્થાનીક તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી, તાકીદે જુદી–જુદી ટુકડીઓ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇમરજન્સી લેન્ડીંગના કારણે નજીકનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો, તેમજ જુદી જુદી ૯ બસોમાં તાકીદની અસરથી પ્લેનમાં સવાર ૨૩૬ વિદેશી નાગરીક અને ક્રુ મેમ્બરો મળી ૨૪૪ને સલામત રીતે બહાર કાઢીને અન્યત્ર શીફટ કરાયા હતા.





જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ અને એરફોર્સના અધિકારીઓ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્કવોડ, એરફોર્સની ટીમ, ૧૦૮, એલસીબી, એસઓજી અને અન્ય પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો, સધન તપાસ આદરવામાં આવી હતી, અંદાજે ગત રાત્રે ૯–૩૬ કલાકે ફલાઇટ હવાઇ પટ્ટી પર સફળતાપૂર્વક લેન્ડીંગ થઇ હતી, યુધ્ધના ધોરણે જુદી જુદી ટુકડીઓએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને તમામ પ્રવાસીઓને નીચે ઉતારવાનું શરૂ કરી અલગ અલગ બસો મારફત વિમાનથી દુર ખસેડી લેવાયા હતા અને તમામ મુસાફરોના માલ–સામાનની ચકાસણી હાથ ધરી હતી.





બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની ટુકડીઓ દ્રારા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સધન ચેકીંગ હાથ ધર્યુ હતું, કલાકો સુધી ચેકીંગની પ્રક્રિયા ચાલી હતી, જેમાં પ્લેનની જીણવટભરી તપાસમાં કઇં મળ્યું ન હતું દરમ્યાનમાં એનએસજીની મદદ લેવામાં આવી હતી, બોમ્બ ડીસ્પ્લોઝ સ્કવોડના ચુનંદા અધિકારી સ્ટાફે સામાનનું ચેકીંગ બારીકાઇ પૂર્વક હાથ ધર્યુ હતું, પ્લેનને પણ દુરના સલામત સ્થળે એરફોર્સના બેઝ સ્ટેશન નજીક લઇ જવાયું હતું, બીજી બાજુ જામનગર પોલીસ, ફાયરના જવાનો સ્ટેન્ડ–ટુ રહ્યા હતા અને તકેદારીના ભાગરૂપે જામનગરની જી.જી. હોસ્પીટલમાં પણ સ્ટાફ ખડેપગે રહી વ્યવસ્થાના ભાગરૂપે સંપુર્ણ તૈયારીઓ કરી રાખી હતી, અલગ–અલગ વિભાગને સાબદા રહેવાની જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી હોવાથી અન્ય મેડીકલ સ્ટાફ પણ તૈનાત કરાયો હતો.





વિદેશી ફલાઇટમાં બોમ્બની અફવા અને અચાનક જામનગર ખાતે લેન્ડીંગના કારણે મોડી રાત સુધી ભારે ધમધમાટ જોવા મળ્યો હતો અને બોમ્બની ધમકીના પગલે અફડા તફડી સાથે સનસનાટી મચી ગઇ હતી, ૧૦૮ની જુદી જુદી ૭ જેટલી એમ્બ્યુલન્સ, ફાયરના વાહનો વિગેરેની સાયરનોની ગુંજ સતત સંભળાતી હતી, એરપોર્ટ ખાતે મોડી રાત સુધી વાહનો અને ઉચ્ચ અધિકારીઓની અવર જવરના કારણે સતત ધમધમાટ જોવા મળ્યો હતો, વિગતો મળતા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ પણ તાબડતોબ દોડી આવ્યા હતા, તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને લગત સ્ટાફ દ્રારા તાકીદની અસરથી કાર્યવાહી કરી હતી, બીજી બાજુ શહેરમાં પણ ફલાઇટમાં બોમ્બની અફવાના પગલે ભારે ચહલ પહલ અને ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળ્યુ હતું, એક તબકકે શરૂઆતની કલાકોમાં ભય જેવો માહોલ સર્જાયો હતો.





રાત્રીના ૧૧–૩૦ની આસપાસ જામનગર જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્રારા એક ઓડીયો કિલપ જાહેર કરવામાં આવી હતી, જેમાં લેન્ડીંગ બાબતે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વિમાનના તમામ પેસેન્જરોને હેમખેમ ઉતારી લઇ જુદી જુદ સ્કવોડ દ્રારા બોમ્બ બાબતે વિસ્તૃત જીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, તેવું સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.





એનએસજી, બોમ્બ સ્કવોડ સહિતની ટુકડીઓ દ્રારા સધન ચેકીંગ કરાયું હતું અને કલાકોના ચેકીંગ બાદ તપાસમાં કઇં શંકાસ્પદ નહીં મળતા તત્રં સહિતનાઓએ હાંશકારો અનુભવ્યો હતો, ઉપરાંત એરપોર્ટ ઓથોરીટી દ્રારા સવારે ૧૦–૦૦ પછી જામનગરથી આ ફલાઇટ ઉડાન ભરશે એવી પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. બીજી બાજુ ફલાઇટમાં બોમ્બ અંગેની ધમકીના ઇ–મેલ બાબતે જે તે વિભાગ દ્રારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.



એનએસજી, બોમ્બ સ્કવોડ દ્રારા સઘન ચેકિંગ
ઇન્ટરનેશનલ ફલાઇટમાં બોમ્બની આશંકાના પગલે જુદી જુદી ટુકડીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી, દરમ્યાનમાં મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા બાદ બોમ્બ સ્કવોડ સહિતની ટુકડીઓએ પ્લેનનું ચેકીંગ કર્યુ હતું, તાકીદે એનએસજીની ટીમ દોડી આવી હતી અને તમામ ટુકડીઓ દ્રારા ફલાઇટનું કલાકો સુધી ચેકીંગ કર્યુ હતું, માલ–સામાનના ચેકીંગની કાર્યવાહી કરાઇ હતી અને કોઇ વાંધાજનક વસ્તુ મળી નહીં આવતા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર, એરપોર્ટ ઓથોરીટી, પેસેન્જરો સહિતનાઓમાં રાહતની લાગણી હતી.




તંત્રની કાબીલેદાદ કામગીરી
મોસ્કોની ફલાઇટમાં બોમ્બની વાત બહાર આવતા તાકીદે જામનગરના હવાઇમથક પર ઇમરજન્સી લેન્ડીંગ અને તેના પગલે જુદી જુદી ટુકડીઓ દ્રારા બંદોબસ્ત તથા સધન તપાસના અંતે કઇં વાંધાજનક હાથ નહીં લાગતા નિરાંતનો દમ લેવાયો હતો, બીજી બાજુ કલેકટર, એસપી, જુદા જુદા અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતનાઓએ આખી રાત ઉજાગરા કર્યા હતા અને સફળતાપૂર્વકની કામગીરી જોવા મળી હતી, એમ્બ્યુલન્સ, ૧૦૮ને સ્ટેન્ડ ટુ રખાયા હતા અને લગત વિભાગો દ્રારા યુધ્ધના ધોરણે કાબીલેદાદ કામગીરી કરવામાં આવી હતી.




સોશ્યલ મીડિયામાં વીડિયો અને તસવીરો વાયરલ
અહીંના એરપોર્ટ ખાતે રાત્રીના મોસ્કો–ગોવાની ફલાઇટ બોમ્બની આશંકાના પગલે લેન્ડીંગ થતા ભારે સનસનાટી મચી ગઇ હતી અને આ અંગેના મેસેજો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા મોડી રાત સુધી સમાચારો જાણવા ભારે મેસેજ તેમજ ફોનનો મારો જોવા મળ્યો હતો, સોશ્યલ મિડિયામાં ઘટનાક્રમ અંગેના ફોટા અને વિડીયો સમયાંતરે મોડી રાત સુધી વાયરલ થતા રહયા હતા.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application