રાજકોટ નોકરી કૌભાંડમાં મોટો ખુલાસો : લોકરક્ષકમાં બનાવટી નિમણૂક પત્રથી નોકરી કૌભાંડ

  • August 23, 2023 01:58 PM 

જસદણના શિવરાજપુર ગામનો યુવાન લોકરક્ષક તરીકેનો નકલી ઓર્ડર લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો, આથી તેના માસાએ સેટિંગ કરાવવાનું કહી 4 લાખ પડાવ્યા હતા. બાદમાં માસાએ બોગસ કોલ લેટર આપતા પોલીસ કમિશનર કચેરીમાં હાજર થયો હતો. જોકે, પોલીસે નકલી નિમણૂકપત્ર સાથે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ આવા 28 બોગસ કોલ લેટર બનાવ્યાનું ખુલ્યું છે.

LRD બોગસ કોલ લેટર મામલે રાજકોટના DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પ્રદfપ મકવાણા હાજર થઈ અને કોલ લેટર આપ્યો હતો. પ્રદીપના માસા દ્વારા આ બોગસ અપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ચારથી પાંચ લાખ રૂપિયા વસુલાત કરતો હતો. 28 જેટલા અપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હોવાનું સામે આવ્યું છે. 18, 19 અને 21 તારીખના હાજર થવા જવાનો હતો. પ્રદીપ મકવાણાનો ટેસ્ટ હતો. જો સફળ થયા હોત તો અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હોત. સુરેન્દ્રનગરના ચોટીલાના બે શખસો માસ્ટર માઈન્ડ છે. અપોઇન્ટમેન્ટ લેટર ચોટીલાથી તૈયાર કરાયો હતો. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેર રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર મહમદશકીલ ભીખુભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં બિનહથિયારી, હથિયારી લોકરક્ષક વર્ગ-3માં ભરતી માટે, લોકરક્ષક ભરતી બોર્ડ 2021 દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના પત્ર ક્રમાંક બી/એચસીપીસી 1/1622/ LRD 6009/168/23, તા.13.01.2023થી રાજકોટ શહેરમાં કુલ 332 ઉમેદવાર ફાળવવામાં આવ્યા છે.

ગત 19 ઓગસ્ટ 2023ના રોજ 12 વાગ્યા આસપાસ પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ શહેરમાં જસદણના શિવરાજપુરના વતની પ્રદિપ ભરતભાઈ મકવાણા આવી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2021માં લેવાયેલી લોકરક્ષક ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતે બિન હથિયાર લોકરક્ષક તરીકે નિમણુક પત્ર ક્રમાંક: શીટ 1 લોકરક્ષક નિમણૂક/856/2023 તા.01.06.2023થી પસંદગી પામેલ હોવાનુ જણાવ્યું હતું. પોલીસ કમિશનર રાજકોટ શહેરની સહીવાળો નિમણૂક પત્ર રજૂ કરતા સિનિયર અધિકારીઓનુ ધ્યાન દોરતા મળેલ સુચના અનુસાર પોલીસ કમિશનર કચેરીએ શીટ શાખામાં રેકર્ડ આધારીત તપાસણી કરાવી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.

માહિતી મુજબ ક્રમાંક શીટ-1/લોકરક્ષક/નિમણૂક/856/2023 તા.25.02.2023 આધારે મેહુલકુમાર ભરતભાઇ તરબુંડિયા નામના ઉમેદવારની પસંદગી થઈ હોય અને તે હાલમાં પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ શહેરમાં ટ્રેનિંગમાં હોય જેથી આ પ્રદિપ મકવાણા જે નિમણૂક હુકમ સાથે હાજર થવા આવ્યો હતો. આશંકાસ્પદ જણાય આવેલ છે. જેથી આ અંગે રેકર્ડ આધારિત તપાસ તેમજ પ્રદિપ ભરતભાઈ મકવાણા પાસેથી જાણવા મળેલ માહિતીના આધારે હકિકત જણાઇ આવેલ કે, પ્રદિપે પોલીસ ખાતામાં લોકરક્ષક ભરતી 2021ની સ્પર્ધાત્મક પરીક્ષાનુ ફોર્મ ભર્યું હતું. જેમા પોતે શારીરીક ક્ષમતા કસોટીમાં ફેલ થયો છે

આ અંગે તેના માસા ભાવેશભાઈ ગોબરભાઈ ચાવડાને જાણ કરતા તેમણે તેમના ભાઈ બાલાભાઈને લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટિંગ હોય 4 લાખ રૂપિયામાં લોકરક્ષક ભરતી 2021માં સેટિંગ કરાવી નોકરી અપાવી દેવાની વાત કરી હતી. જેથી પ્રદિપે તેના પિતા ભરતભાઈ સાથે આ સંબંધે વાતચીત કરી નિમણૂકપત્ર મેળવવા 2 લાખ રૂપિયા એડવાન્સ પેટે પોતાના માસા ભાવેશને આપ્યા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી માસા ભાવેશ અને તેમના ભાઈ બાલાએ પ્રદિપ તથા તેના પિતા ભરતભાઈને પ્રદિપનો લોકરક્ષક તરીકે પસંદ થઈ ગયાનો નિમણૂકપત્ર બતાવી બાકીના 2 લાખ એમ કુલ 4 લાખ રૂપિયા લઈ અને ઓર્ડર ટપાલથી આવશે તેવું જણાવ્યું હતું
​​​​​​​

આ પછી ગત તા.25.07.2023ના રોજ ટપાલથી લોકરક્ષક તરીકે પસંદગી પામી રાજકોટ શહેર ખાતે નિમણૂક મળ્યા અંગેનો એ જ નિમણૂકપત્ર મળેલ અને તા.09.08.2023ના રોજ મોબાઈલ નંબર પરથી એક મહિલાએ “ગાંધીનગર LRD ભવનથી બોલું છું અને તા.19.08.2023ના રોજ તમારે રાજકોટ શહેર ખાતે પોલીસમાં હાજર થવાનુ છે” તેમ જણાવ્યું હતું. જેથી તા.19.08.2023ના રોજ રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાજર થવા આવ્યો હતો.

પ્રદિપ મકવાણા પોતે પોલીસ લોકરક્ષકની સ્પર્ધાત્મક પરીક્ષામાં નિયત ધારાધોરણ મુજબ પરીક્ષા પાસ કરી ન હોવાનું જાણતા હોવા છતાં તેના માસા ભાવેશ તથા તેના ભાઈ બાલાએ પોલીસ લોકરક્ષક તરીકેનો બનાવટી નિમણૂક હુકમ આપ્યો હતો. તેના બદલામાં પ્રદિપ અને તેના પિતા ભરતભાઈ મકવાણા પાસેથી 4 લાખ રૂપિયા લઈ ગેરકાયદેસર બનાવટી નિમણૂક હુકમ આધારે પ્રદિપ રાજકોટ શહેર પોલીસમાં લોકરક્ષક તરીકે હાજર કરવા પ્રયત્ન કર્યો હતો. આ તમામ આરોપી અને તપાસમાં ખુલે તેઓએ ગુનાહિત કાવતરૂ રચી લોકરક્ષકની નિમણૂકનો બનાવટી હુકમ બનાવી કબજામાં રાખી બનાવટી હોવાનુ જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે પોલીસ વિભાગમાં નિમણૂક અપાવવા અને મેળવવા આ તમામ આરોપીઓએ ગંભીર ગુનો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application