જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં ચોરી કૌભાંડ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ, જ્યાં પરીક્ષામાં ચોરી થતી'તી ત્યાનાં CCTV ફુટેજ ગાયબ

  • May 09, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અને જામનગરના નાધેડીમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં તાજેતરમાં જ ચાર વિદ્યાર્થીઓને અલગ રૂમમાં પેપર દેવાનો વિવાદ વકર્યો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ સભ્યોની કમિટીએ કુલપતિને બંધ કવરમાં રિપોર્ટ આપી દીધો છે પરંતુ આ અંગે સરકારે પણ ઉચ્ચ શિક્ષણના અધિકારીઓની ટીમ જામનગર મોકલી આ સમગ્ર ઘટનાની તપાસ કરાવી હતી. 



જેમાં 4 મેના જ્યારે આ સમગ્ર ગે૨૨ીતિ બહાર આવી તે સમયના સીસીટીવી ફૂટેજ જ કોલેજ સંચાલકોએ ગુમ કરી દીધાનું જાણવા મળ્યું છે. સરકારની ટીમે આ માટે ફૂટેજ લેવા એક્સપર્ટ પણ બોલાવ્યા હતા જેમણે પણ સિસ્ટમ તપાસતા કોઈએ ચેડાં કર્યાનું કહ્યું હતું અને ફૂટેજ કવર નહીં કરી શકવાનું જણાવ્યું હતું. 



સોમવારે જ્યારે કુલપતિએ નીમેલી ત્રણ સભ્યોની કમિટીએ બંધ કવરમાં નાધેડીની ઘટનાનો રિપોર્ટ કુલપતિને આપ્યો છે. આગામી બે દિવસમાં સિન્ડિકેટની મિટિંગ બોલાવાશે અને આ કોલેજની ગેરરીતિ સામે કાર્યવાહીનો ફેંસલો કરાશે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે દિવસે ત્રણ સભ્યની કમિટી બનાવી જામનગર તપાસ માટે મોકલ્યા એ જ દિવસે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાંથી પણ એક કમિટી જામનગર તપાસ માટે મોકલી હતી. તપાસ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવી હતી. આ કોલેજ સંચાલકે 4 તારીખના સીસીટીવીને ફૂટેજ ગુમ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. 


મોટાભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કમિટીને બદલે શું સરકારની કમિટી જે રિપોર્ટ આપશે તેના આધારે નાઘેડીની કોલેજ સામે પગલાં લેવામાં આવશે. 


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ સોમવારે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં કોલેજના આચાર્ય, બ્લોક સુપરવાઈઝરની બેદ૨કારી હોવાનું જણાય છે, તેમની સામે પણ પગલાં લેશે. બે દિવસમાં સિન્ડિકેટ બોલાવી કાર્યવાહી કરીશું. કોલેજ કસૂરવાર હશે તો તેનું જોડાણ તાત્કાલિક અસરથી રદ કરી તેના વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં સમાવીશું.


જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં બિલાડીને જ દૂધનું રખોપુ અપાયું છે તેમ જામનગરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્રસ્ટી જ ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી હોય ત્યારે આ સમગ્ર તપાસને ગેરમાર્ગે દોરી અને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ હોય તેવુ પણ શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application