રાજકોટનાં એક કલાકાર માનતા કે મિત્રોનાં કારણે જ પોતે આગળ વધ્યા છે, પોતાના ઘરનું નામ જ 'મિત્રકૃપા' રાખ્યું

  • August 06, 2023 02:53 PM 

કોઈપણ વ્યક્તિ માટે ઘરનું ઘર બનાવવું એ ખૂબ મોટી વાત હોય છે. અને સામાન્ય રીતે સૌ પોતાના ઘર ઉપર ભગવાનનું કે ઘરના કોઈ સભ્યનું નામ લખવતા હોય છે.  પરંતુ રાજકોટ શહેરનાં એક કલાકારે પોતાના ઘરનું નામ 'મિત્રકૃપા' રાખ્યું છે. મિત્રો માટે અનહદ લાગણી ધરાવતા જાણીતા હાસ્ય કલાકાર હરસુખ કીકાણી સ્પષ્ટ માનતા હતા કે પોતે મિત્રોનાં કારણે જ આગળ વધ્યા છે. એટલે તેમણે વર્ષ 1961માં પ્લોટ લઈને પોતાનું મકાન બનાવ્યા બાદ તેનું નામ 'મિત્રકૃપા રાખ્યું હતું. મિત્રોની માટે ખાસ લાગણી ધરાવતા હરસુખ કિકાણીનાં પુત્રીએ તેમના મિત્ર પ્રેમ વિશે વિગતો જણાવી હતી. 

તેમના પુત્રી ઇલાબેન જણાવે છે કે તેઓ નાટકમાં જેમની સાથે કામ કરતા અથવા આકાશવાણીમાં પણ જેમની સાથે તેઓ હતા તેમની સાથે માત્ર તેઓના  સહકર્મી તરીકેના સંબંધો નહોતા. તમામ સાથે તેઓ લાગણીથી જોડાયેલા હતા. અનેક વખત તેઓ પોતાના નાટકના આખા સ્ટાફને તેમના ઘરે જમાડતા હતા. અનેક વખત તેમને નાટકના સ્ટાફને રાત્રે 1.30-2 વાગ્યે તેમના ઘરે જમાડ્યા છે. તેમના માતા પણ ખૂબ શાંત પ્રકૃતિના અને તેમને ખૂબ સાથ આપતા હતાં. મિત્રો માટે તેઓને એક અલગ જ લાગણી હતી. 

તેમના મિત્રોની વાત કરતા ઇલાબેને કહ્યું કે, ડૉ દસ્તુર, ડૉ રસિકભાઈ શાહ, ડૉ અડાલજા,આકાશવાણીના તે સમયના સ્ટેશન ડાયરેક્ટર ગિજુભાઈ વ્યાસ તેમના ગાઢ મિત્રો હતા. ગીજુભાઈ વ્યાસ ડાયરેક્ટર જનરલ ઓફ દૂરદર્શન થયા બાદ પણ માત્ર તેમના ઘરે એક-એક માસ રોકાવા આવતા હતા. તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યા છે. તેમનું એવું પણ માનવું હતું કે મિત્રોના લીધે જ તેઓ આટલા આગળ વધી શક્યા છે. આ કારણે જ જ્યારે 1961માં તેમણે પ્લોટ લઈને તેમાં ઘર બનાવ્યું ત્યારે તેનું નામ 'મિત્રકૃપા' રાખ્યું હતું. 

હાસ્ય કલાકાર હરસુખ કિકાણીનો પરિચય

સ્વ. હરસુખ કિકાણીનો જન્મ સપ્ટેમ્બર 1913માં રાજકોટમાં જ થયો હતો. ત્રિકોણબાગ બગીચાની સામે તેમના પિતાને રમતગમતના સાધનોની દુકાન હતી. પરંતુ તેમને શેરબજારમાં મોટી ખોટ આવતા મોટી આર્થિક નુકસાની આવી હતી. બાળપણથી જ તેમને અભિનય અને હાસ્યરસમાં રુચિ હતી. જેથી તેમણે તે ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે "સંતૃપ્ત હૃદય" નામના નાટકનું નિર્માણ કર્યું અને પોતે તેમાં ભૂમિકા નિભાવી. પરંતુ તેમાં નફાને બદલે તેમને નુકસાની થઈ હતી. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર તેઓ નાટકો રજૂ કરવા માંડ્યા અને તેમને સફળતા પણ મળવા લાગી. ઉપરાંત તેમણે પોતાના એકલા હાસ્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા એટલે કે અત્યારના જમાના મુજબ કહીએ તો સ્ટેન્ડઅપ કોમેડી ક્ષેત્રમાં તેમને એટલી ખ્યાતિ મળી કે તેમને આફ્રિકાના અનેક દેશોમાંથી કાર્યક્રમ માટે નિમંત્રણ મળવા લાગ્યા, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે અને ત્યાં પણ તેમના શો હાઉસફૂલ રહેતા હતા. તેમની લોકપ્રિયતાને જોઇને બ્રિટિશ કંપની His Master voice રેકર્ડ કંપનીએ તેમને નિમંત્રણ આપ્યું અને તેમના જોક્સ અને હાસ્ય નાટકોની અનેક રેકર્ડસ્ બહાર પાડી. જેણે વેચાણના નવા વિક્રમો સર્જ્યા. આ કંપનીએ તેમને 'ગુજરાત કાઠિયાવાડના ફર્સ્ટ ક્લાસ કોમેડિયન' તરીકે પણ ઓળખ આપી હતી.

વારસદાર ફિલ્મના કારણે રાતોરાત ફિલ્મ જગતમાં છવાયા

સ્વ હરસુખ કિકાણીના પુત્રી ઇલાબેન કિકાણી જણાવે છે કે તેમણે અનેક હાસ્ય નાટકોનું નિર્માણ કર્યું અને પોતે પણ અભિનય કર્યો. તેમનું 'જાગતા રહેજો' નાટક ખૂબ વખણાયું હતું. આ ઉપરાંત તેઓએ ફિલ્મ વારસદારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ અવિસ્મરણીય અભિનય બદલ રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે તે સમયના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં હરસુખ કિકાણીએ શિક્ષિત બેરોજગારની ભૂમિકા ભજવી હતી. બાદમાં 1958માં તેઓ રાજકોટ આકાશવાણીમાં નાટ્ય નિર્માતા તરીકે જોડાયા અને એ સમયના અનેક યુવાનોને રેડિયો નાટક લખતા શીખવ્યું.

પોતાની અવસાન નોંધ પોતે જ લખી

આ કલાકારે મૃત્યુ પહેલા તેમની અવસાન નોંધ જાતે જ લખી રાખી હતી. જેમાં લખ્યું હતું કે, "આજે હું તમારી વચ્ચે નથી.મે તમારી વચ્ચેથી વિદાય લીધી એ તમને ગમ્યું નહિ હોય.મનેય નથી ગમ્યું,પણ તાકિદનો સંદેશો મળ્યો એટલે નાછૂટકે મારે ઉતાવળ કરવી પડી.હું જિંદગી આખી હસ્યો છું.મારા મૃત્યુ પર પણ અત્યારે હસી રહ્યો છું. હું ક્યાં છું તેની મને નથી ખબર પણ જ્યાં છું ત્યાં ખુશખુશાલ છું.મારા અવસાન બદલ તમે બધાએ મારા કુટુંબને આશ્વાસન મોકલાવ્યું તે માટે સૌનો હું ખૂબ આભારી છું." લિ.આપનો હરસુખ કિકાણી

તેમની ગાય અંતિમયાત્રામાં સ્મશાન સુધી આવી

તેમને ગાય રાખવાનો પણ ખૂબ જ શોખ હતો તેમના ઘરના ફળિયામાં ગાયો પણ હતી. ગાયો સાથે પણ તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. ઇલાબેન જણાવે છે કે વર્ષ 1971માં 58 વર્ષની વયે હરસુખ કિકાણીનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. ત્યારે એક ગાય પણ તેમની અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે ગઈ હતી. આ પ્રકારે તેઓ તેમના મિત્રો અને ગાયો સાથે પણ ખાસ લાગણીથી જોડાયેલા હતા. તાજેતરમાં તેમની જન્મ શતાબ્દી નિમિતે આખા રોડનું નામકરણ 'હરસુખ કીકાણી માર્ગ' કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application