તહેવારોની સિઝનમાં હવાઈ ભાડું ડબલ, સામે ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો

  • September 19, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારોની સીઝનમાં હવાઈ મુસાફરીમાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. ટ્રાવેલ પોર્ટલના ડેટા અનુસાર, નવરાત્રિ સિઝન દરમિયાન કેટલાક રૂટ પરના હવાઈ ભાડા ગયા વર્ષની સરખામણીમાં બમણા થઈ ગયા છે. ખાસ વાત એ છે કે પ્રી-કોવિડ વર્ષ ૨૦૧૯ની સરખામણીએ આ વર્ષે હવાઈ ભાડામાં બમણાથી વધુનો વધારો થયો છે. નવરાત્રિના અંતિમ દિવસો દરમિયાન, બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટનું સરેરાશ ભાડું એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આશરે રૂ. ૭,૦૦૦થી વધીને રૂ. ૧૪,૦૦૦થી વધુ થઈ ગયું છે. મુંબઈ-કોલકાતા ફ્લાઈટનું સરેરાશ ભાડું ૫૫ ટકા વધીને રૂ. ૧૨,૦૦૦થી વધુ થઈ ગયું છે. બેંગલુરુ-પટના ફ્લાઈટનું સરેરાશ ભાડું ૨૫ ટકા વધીને ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ થઈ ગયું છે.



દિવાળી દરમિયાન પણ ભાડામાં વધારો

નવેમ્બરના બીજા અઠવાડિયામાં એટલે કે આવનાર દિવાળી દરમિયાન ગયા વર્ષની સરખામણીએ હવાઈ ભાડામાં વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે દિવાળીના અવસર પર ઘણા રૂટ પર ભાડા ૭૦ ટકા મોંઘા થઈ ગયા છે. બેંગલુરુ-મુંબઈ ફ્લાઇટ ૬૭ ટકા મોંઘી થઇ છે, બેંગ્લોર-લખનૌનું ભાડું ૪૧ ટકા વધીને રૂ. ૧૦,૦૦૦થી વધુ થયું છે. તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટનું ભાડું ૫૬ ટકા વધીને રૂ. ૫,૬૦૦થી વધુ થઈ ગયું છે. નિષ્ણાંતો મુજબ આગામી તહેવારોની સિઝન દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં હવાઈ ભાડામાં ૭૨ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ વધારો દિલ્હીથી અમદાવાદ અને દિલ્હીથી શ્રીનગર રૂટનો છે, જેમાં ૮૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.


એડવાન્સ બુકિંગમાં પણ વધારો

આ વર્ષે એડવાન્સ બુકિંગમાં પણ વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે મુસાફરો આ વર્ષે નવરાત્રિ અને દિવાળી બંને માટે ઓછામાં ઓછા ૩૦ દિવસ અગાઉ બુકિંગ કરી રહ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ એડવાન્સ બુકિંગ ૩૦-૩૫ ટકા વધુ છે. આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં મુસાફરીની માંગમાં વધારો થવાની અપેક્ષા છે. જેના મુખ્ય કારણોમાં ગાંધી જયંતિ, નવરાત્રિ, આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ અને દિવાળી અને અન્ય તહેવારોનો સમાવેશ થાય છે.



માંગ કરતાં પુરવઠો ઓછો

રોગચાળા પછી હવાઈ મુસાફરીમાં કમબેક કરવામાં ભારત મોખરે રહ્યું છે. ગો ફર્સ્ટ દ્વારા ફ્લાઇટ્સ સ્થગિત કરવા અને એરક્રાફ્ટની અછતને કારણે માંગ અને પુરવઠામાં અસંતુલન સર્જાયું છે, જેના કારણે ભાડામાં વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૧૯ ના પ્રી-કોવિડ સમયની તુલનામાં ઓગસ્ટમાં સ્થાનિક હવાઈ મુસાફરી ૫.૪ ટકા વધીને ૧૨.૪ મિલિયન થઈ ગઈ છે. જેના કારણે ભાડું ૨૦૧૯ના સ્તર કરતા વધુ મોંઘુ રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application