મને એલસીબી પોલીસે બેફામ માર માર્યો, ફરિયાદ કોઈ લેતું નથીઃ પોરબંદરના યુવાનનો આક્ષેપ, હોસ્પિટલમાં દાખલ

  • March 04, 2025 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો એક યુવાન તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ થયો છે અને તેની ફરિયાદ કોઇ લેતું નહીં હોવાથી આ મુદ્દો મહેર સમાજના આગેવાનો સુધી પહોંચતા અગ્રણીઓ વિશાળ સંખ્યામાં  હોસ્પિટલે  દોડી ગયા હતા. ત્યારબાદ આ મુદ્દે કમલાબાગ પોલીસ મથક ખાતે ‚બે લેખિત રજૂઆત કરીને ગુનો નોંધવા માંગ કરી હતી. અને જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો હાઇકોર્ટ સુધી જવાની પણ ચીમકી મહેર અગ્રણીઓએ આપી છે.


યુવાનની રજૂઆત
છાયા-રતનપર રોડ પર નવાપરામાં રહેતા કરણ જયમલભાઇ ઓડેદરા નામના ૨૭ વર્ષના યુવાને પોરબંદરના જિલ્લા પોલીસવડા સહિત કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેકટરને લેખિત ફરિયાદ અરજી કરીને જણાવ્યુ છે કે ૨૭ ફેબ્રુઆરીએ તે છાયાના મેઇન રોડ પરથી ઘરે જતો હતો ત્યારે એક સ્કૂટરચાલકે ઓવરટેક કરીને બ્રેક મારતા કરણ પડતા-પડતા  બચી ગયો હતો અને એ વ્યક્તિ સાથે ગાળાગાળી થઇ હતી. ત્યારબાદ એ વ્યક્તિએ પોતે એલ.સી.બી. ઓફિસમાં કામ કરતો અજય હોવાનું જણાવ્યુ હતુ અને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા સાથે ફોનમાં વાત કરાવી હતી. ત્યારબાદ તેમણે કરેલા ફરિયાદ અરજીમા કરેલા આક્ષેપ પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા અને અજાણ્યા માણસો સ્કૂટરમાં વચ્ચે બેસાડીને છાયા પોલીસ ચોકીએ લઇ ગયા હતા અને ત્યાં તેમના આક્ષેપ પ્રમાણે ઇન્સ્પેકટર કાંબરીયા પણ આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓએ આડેધડ માર માર્યો હતો. 


ત્યારબાદ એલ.સી.બી.ની ઓફિસે લઇ જઇ ત્યાં પણ માર મારતા પાંચ જેટલા મલ્ટીપલ ફ્રેકચર થયા છે અને તા. ૨૮-૨થી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ છે અને તેમ છતાં પોલીસ કર્મચારીઓ વિ‚ધ્ધ ફરિયાદ લેવામાં આવી નથી તેમ જણાવીને જો આ મુદ્ે કાર્યવાહી નહી થાય તો નાછૂટકે કોર્ટમાં અને જ‚ર પડયે હાઇકોર્ટમાં પણ જવાની ફરજ પડશે તેવી ચેતવણી આપી હતી અને પોરબંદરના કમલાબાગ પોલીસમથક ખાતે ‚બ‚ આવેદન આપવા માટે મહેર સુપ્રીમ કાઉન્સીલના આગેવાન અરજનભાઇ ખીસ્તરીયા, મહેર શક્તિસેનાના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, માજી સૈનિક સંગઠનના પ્રમુખ લાખણસીભાઇ ઓડેદરા ઉપરાંત વિશાળ સંખ્યામાં આગેવાનો દોડી ગયા હતા અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટરનો જવાબ
પોલીસ અધિકારી સામે આ પ્રકારના ગંભીર આક્ષેપ થયા છે ત્યારે આ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાને  પૂછતા તેમણે એવુ જણાવ્યુ હતુ કે પોલીસનો મોરલ ડાઉન કરવાનો આ પ્રયાસ છે. અમારી ઓફિસના કર્મચારી અજયભાઇ જે તે સમયે છાયામાંથી નીકળ્યા ત્યારે આ કરણ જયમલ ઓડેદરાએ  તેનું બાઇક રોકાવીને મોબાઇલ ઝૂંટવી લીધો હતો તથા માથાકૂટ પણ કરી હતી. બાઇકની ચાવી ઝૂંટવી લીધી હતી ત્યારબાદ જાતિ વિષે પણ ટીપ્પણી કરી હતી. અજયે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે તે એલ.સી.બી. ઓફિસમાં કામ કરે છે આમ છતાં  તેની સાથે માથાકૂટ ઉગ્ર બનાવી હતી અને ત્યારબાદ ફોનમાં ઇન્સ્પેકટર કાંબરીયા સાથે વાત કરાવતા તેમની સાથે પણ નશાની હાલતમાં ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવ્યું હતું. 


ઇન્સ્પેકટરે વધુમાં જણાવ્યુ હતુ કે કોઇપણ નિર્દોષ વ્યક્તિને અટકાવીને આ રીતે હેરાન કરવાની કોઇપણ વૃત્તિ કરે તો કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે સ્વાભાવિક રીતે જ અમે અમારી ફરજના ભાગ‚પે જે કાંઇપણ કર્યુ તેમાં પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત હોય તેવુ જણાઇ રહ્યુ છે કારણકે અમે છાયા વિસ્તારમાં તપાસ કરી ત્યારે એવુ પણ જાણવા મળ્યુ છે કે આ કરણ ઓડેદરા સામે અનેક આક્ષેપો થયા છે. એટલું જ નહીં પણ મારામારીના ત્રણ ગુન્હા, જુગારના ત્રણ ગુન્હા અને પ્રોહીબીશનનો એક ગુન્હો મળી કુલ સાત જેટલા ગુન્હાઓ તેની સામે નોંધાઇ ચૂકયા છે અને જે તે સમયે અમે તેની અટકાયત કરી ત્યારે સેમ્પલ લેવાતા આલ્કોહોલ પણ તેના સેમ્પલમાં મળી આવ્યો હતો. તેથી એ નશામાં હતો ત્યારે પોલીસની કાર્યદક્ષતા ઘટાડવા માટે થઇને આ પ્રકારના આક્ષેપ થયાનું જણાવ્યુ છે. આમ, પોરબંદરના છાયામાં રહેતા યુવાન દ્વારા પોલીસ સામે ગંભીર આક્ષેપ થયા છે તો સામેપક્ષે પોલીસે પણ તેની સ્પષ્ટતા કરી છે તેથી હવે જે કંઇપણ તપાસ થશે તેના આધારે આગળની વિગતો બહાર આવશે તેમ જણાઇ રહ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application