ચાલીને જતા પરપ્રાંતિય યુવાનને તોતિંગ ટોરસના ચાલકે અડફેટે લેતા મૃત્યુ

  • October 04, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


________________________________________________________________________


આરંભડામાં ડમ્પીંગ સાઈટ એરીયાનો બનાવ: કર્જ વધી જતા ભાડથરના આધેડે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી: બાઈક સ્લીપ થતા પટકાયેલા કલ્યાણપુર તાલુકાના યુવાનનું મૃત્યુ


ઓરિસ્સા રાજ્યના કટક જિલ્લાના ફકીરપુર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહેતો સંગ્રામ પ્રદીપકુમાર દાસ નામનો 21 વર્ષનો યુવાન મીઠાપુર નજીકના આરંભડા સીમ વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપનીના કેમ્પમાં ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં આવેલા કાચા રોડ પરથી ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે આ માર્ગ પર સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 01 ડીવી 2893 નંબરના એક ડમ્પર ટ્રકના ચાલકે સંગ્રામ દાસને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખામાં રહેતા જયપ્રકાશ રામલાલ ત્રિપાઠીની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટોરસ ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


જ્યારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે ખેડૂતો પાસેથી તૈયાર પાક લઈને વેપારીને કમિશનથી આપવાનું કામ કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડને છેલ્લા કેટલાક સમયથી વેપારી તરફથી મળવાની રકમ ન મળતા તેમના પર મોટી રકમનો આર્થિક બોજો થઈ ગયો હતો. આનાથી વ્યથિત રહેતા ભાયાભાઈએ ગઈકાલે મંગળવારે પોતાની વાડીએ ઝેરી દવાના ટીકડા ગળી જતા તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ હમીરભાઈ જગાભાઈ ચાવડાએ અહીં પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જ્યારે કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા કિરીટવન ભુવનવન ગોસ્વામી નામના 32 વર્ષના યુવાન ગત તા.  1 ના રોજ રાત્રિના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ અંકિતગર રમેશગર રામદતીએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application