મહિલા પ્રીમિયર લીગની આજથી થશે ધમાકેદાર શરૂઆત, ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સની મેચ

  • March 04, 2023 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે હરમનપ્રીત કૌર (મુંબઈ ઈન્ડિયન્સ)ની ટક્કર બેથ મૂની (ગુજરાત જાયન્ટસ) સામે થશે : મુંબઈના સ્ટેડિયમમાં રમાશે મેચ


વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝન આજથીથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. આ સાથે મહિલા ક્રિકેટના નવા યુગનો પણ ઉદય થશે. .વિમેન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મુંબઈની ટીમનું નેતૃત્વ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર કરશે, જ્યારે ગુજરાતની કમાન વિકેટકીપર બેથ મૂનીના હાથમાં છે.


મુંબઈની આગેવાની હરમનપ્રીત કૌર કરશે તો ગુજરાત ટીમની કમાન વિકેટકિપર બેથ મૂનીના હાથમાં છે. વિમેન્સ પ્રિમીયર લીગ દિગ્ગજ અને સ્થાપિત ખેલાડીઓ સાથે સ્નેહા દીપ્તી અને જાસિયા અખ્તર જેવી ખેલાડીઓ માટે પણ મહત્ત્વની બની રહેશે.


આ ટૂર્નામેન્ટ થકી હરમનપ્રીત, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને શેફાલી વર્મા જેવી ખેલાડીઓને રસાકસીયુક્ત મેચને જીતવાનું હુનર મળી શકે છે. આ ખેલાડીઓથી ભરપૂર ભારતીય ટીમ વૈશ્ર્વિક ટૂર્નામેન્ટના મોટા મુકાબલામાં સંઘર્ષ કરતી જોવા મળી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમ અને 87 ખેલાડી સામેલ છે જેમાં 15 વર્ષની ઉંમરની ખેલાડીને પણ દુનિયાના દિગ્ગજો સાથે રમવા અને ડ્રેસિંગ રૂમ શેયર કરવાની તક મળશે. ટૂર્નામેન્ટમાં બે નોકઆઉટ સહિત 21 મુકાબલા હશે જે મુંબઈના બે સ્ટેડિયમ પર રમાશે.


વિમેન્સ પ્રિમીયર લીગે ક્રિકેટની દુનિયામાં નવો ઉત્સાહ લાવી દીધો છે જેમાં પાંચ ફ્રેન્ચાઈઝી ટીમોને કુલ 4669 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. જેમાં અદાણી ગ્રુપ દ્વારા ગુજરાત ફ્રેન્ચાઈઝીને 1289 કરોડ રૂપિયામાં ખરીદવી પણ સામેલ છે.ખેલાડીઓની હરાજીમાં ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ સૌથી મોંઘી રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ તેને મુંબઈમાં યોજાયેલી હરાજીમાં 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને અપેક્ષા મુજબ તેને કેપ્ટન બનાવ્યો.


મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વાત કરવામાં આવે તો આ લીગની બીજી સૌથી મોંઘી ટીમ છે. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી આ ટીમ પુરુષ ટીમ દ્વારા પાંચ વખત જીતાયેલી આઈપીએલ ટ્રોફીની સફળતાને દોહરાવવા માંગશે. હરમનપ્રીત સાથે આ ટીમમાં ઈંગ્લેન્ડની નેટ સાઈવર બ્રન્ટ અને ફાસ્ટ બોલર ઈસ્સી વોંગ, ન્યુઝીલેન્ડની અમેલિયા કેર, દક્ષિણ આફ્રિકાની ટી-20 વર્લ્ડકપની ફાઈનલીસ્ટ ક્લો ટ્રાયૉન, વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલે મેથ્યુઝ અને ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર હીથર ગ્રાહમ સામેલ છે. સૌથી વધુ 150 ટી-20 આંતરરાષ્ટ્રીય રમનારી હરમનપ્રીતને આશા છે કે આ ટૂર્નામેન્ટ ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયા તેમજ ઈંગ્લેન્ડ વચ્ચેની ખામીઓને સુધારવામાં સફળ થશે.

​​​​​​​

ચેમ્પિયન ઑસ્ટ્રેલિયન બેટર બેથ મૂનીની આગેવાનીવાળી ગુજરાત જાયન્ટસમાં ભારતીય સીતારાઓ હરલીન દેઓલ, સ્નેહ રાણા (વાઈસ કેપ્ટન) અને અનુભવી સુષમા વર્મા સામેલ છે. તેની પાસે ઑસ્ટ્રેલિયા ટી-20 વિશ્ર્વ કપ વિજેતા એશલીગ ગાર્ડનર અને જ્યોર્જિયા વેયરહૈમ, વિન્ડિઝની ડાયેન્ડ્રા ડૉટિન અને ઈંગ્લેન્ડની સૉફિયા ડંકલે જેવી વિદેશી દિગ્ગજ ખેલાડી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ ટીમના મેન્ટોર અને સલાહકાર તરીકે જવાબદારી વહન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application