સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં પુરૂષો કરતા મહિલાઓએ કર્યુ વધુ મતદાન

  • February 17, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયામાં નગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે સવારથી મતદાન શાંતિ પૂર્ણ રીતે ચાલુ થયું હતું બાદમાં વોર્ડ નંબર એકમાં જીન વિસ્તારમાં બુથ નંબર ૨ માં ઇવીએમમાં ક્ષતિ સર્જાઈ હતી. જેમાં એક સ્વીચ ચાલતી ન હોય તુરંત ત્યાંના અધિકારી દ્વારા બીજું ઇવીએમ લગાડવામાં આવ્યું હતું. બાદમાં ત્યાં પણ શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલુ થઈ ગયું હતું. કુલ ૭ વોર્ડ માટે ૯૮ ઉમેદવારો મેદાને હતા. જેમાં ભાજપના ૧૪ ,આપના ૨૮, કોંગ્રેસના ૨૮ અને  પાર્ટી ના ૨૮ એમ કુલ ૯૮ ઉમેદવારો મેદાને હતા. હાલ તમામ ૯૮ ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થઈ ગયું છે. કુલ ૭ વોર્ડના ૩૦ મતદાન મથકો હતા જેમાં ૧૩ મથકો સંવેદનશીલ હતા. જ્યાં પણ શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું હતું.


એક બે બુથ ઉપર પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો વચે સામાન્ય તું તું મે મે જોવા મળી હતી. જે પોલીસ દ્વારા સમાજાવટથી પતાવી દેવાઈ હતી. બાકી ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. કુલ મતદારો ૨૭૨૭૦ હતા. જેમાંથી ૫૫૮૫ પુરુષો અને ૭૯૫૩ સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્ત્રીઓ મતદાનમાં વધુ જાગૃત હોવાનું જણાયું હતું. દ્વારકા જિલ્લાની ત્રણ નગર પાલિકામાંથી સૌથી વધુ મતદારો પણ સલાયામાં જ હતા. જેમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. મતદાનમાં થોડી મતદારોને મૂંઝવણ ઊભી થઈ હતી જેમાં ચાર ઉમેદવારોને પસંદ કરી અને પછી રજીસ્ટર કરવાનું હોય છે તેમાં ઘણા અભણ મતદારોએ થોડી ભૂલો કરી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. તેમજ અમુક મતદારોએ એક ને એક સ્વીચ ૪ વાર દબાવી અને પછી રજીસ્ટર કર્યો હોવાનો પણ લોક મુખે કહેવાઈ રહ્યું હતું. જેથી ઘણું ક્રોસ વોટિંગ અને ન ધારેલા ઉમેદવારોને એનો ફાયદો કે ગેર ફાયદો થશે એવું લાગી રહ્યું છે. તેમજ એક નંબરના વોર્ડમાં ઉમેદવારીની સંખ્યા ૧૬ હોઈ એમાં બે ઇવીએમ હતા જેમાં પણ થોડી મતદારોને મૂંઝવણ ઊભી થઈ હોવાનું લાગી રહ્યું છે. સલાયાના લોકો માં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય મતદાનમાં ધાર્યું પરિણામ આવશે નહીં એવું પણ જણાઈ રહ્યું છે.આવી ભૂલોનું કે ને ફાયદો અને કેને નુકશાન જસે એ તો રિઝલ્ટ આવ્યા બાદ જ કહી શકાશે.


બંદોબસ્ત અને વ્યવસ્થા

ખંભાળિયાના નવા મુકાયેલા ડીવાયએસપી માનસાત્તા સાહેબ તેમજ સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ રાણા સાહેબ તેમજ સ્ટાફ  દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ન હતો. શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. તેમજ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી કરમટા સાહેબ તેમજ મામલતદાર વરુ સાહેબ દ્વારા શાંતિ પૂર્ણ રીતે અને કોઈ તકલીફ વગર વધુમાં વધુ મતદાન થાય એ માટે જીણવટ પૂર્વક વ્યવસ્થા ગોઠવી હતી.


લોકોમુખે ચર્ચા

સલાયામાં હાલ દરેક ચોક અને લતામાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યાં પક્ષની સરકાર બનશે ?તેમજ અમુક લોકોના કહેવા મુજબ કોંગ્રેસ અને આપને સીટો વધુ મળશે! તેમજ ઘણા લોકોના મતે ખીચડી સરકાર બને એવું પણ કહેવામાં આવી રહ્યું છે! ભાજપ પણ પોતાની એક નંબરના વોર્ડની ચાર બેઠકો તેમજ અન્ય બે ત્રણ બેઠકો જીતશે એવું દાવો કરી રહ્યું છે! નવી પાર્ટી  પણ પોતાની જીત થશે એવું કહી રહી છે! સાચી હકીકત તો પરિણામ આવ્યા બાદ જ નક્કી થશે! દર વખત કરતા આ વખતે  મતદાન ઓછું થયું છે.જેથી પરિણામ કઈ બાજુ આવશે એ કહેવું હાલ મુશ્કેલ જણાઈ રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application