સૌ.યુનિ.ની જમીન ખાલી કરવાના મામલે શું કાર્યવાહી કરવી? તેનો સોમવારે નિર્ણય

  • July 27, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી 1500 ચોરસ મીટર જેટલી જમીનમાં 11 માળના ફ્લેટ ખડકી દેવાના બિલ્ડરના કારનામા સામે શું કાર્યવાહી થઇ શકે તે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સોમવારે નિર્ણય કરશે.
યુનિવર્સિટી કેમ્પસમાં વર્ગ ચારના ક્વાર્ટર્સ પાસે આવેલ જગ્યામાં યુનિવર્સિટીની માલિકીની અને કબજાની જમીન કપાત કરીને રૈયા રેવન્યુ સર્વે નંબર 23 ના અંતિમ ખંડના જમીન માલિકોને તે ફાળવી દેવામાં આવી છે અને આવા જમીન માલિકો કમ્પાઉન્ડ તોડી બાંધકામ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ આ બાબતે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર લખી ફરિયાદ કરી હોવાથી આ સમગ્ર મામલો અત્યારે ભારે ગરમાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડીયાના અધ્યક્ષ સ્થાને સોમવારે મળનારી આ બેઠકમાં જમીનના ઇસ્યુ ઉપરાંત વીરબાઈમાં મહિલા આર્ટસ એન્ડ કોમ્પ્યુટર કોલેજ, કુવાડવામાં આવેલી આર્યવીર હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી બાયફર્ગેશનની અને સ્થળ ફેરફારની આવેલી અરજીઓ બાબતે નિર્ણય કરવામાં આવશે.
ભૂતકાળમાં એકેડેમી કાઉન્સિલ, બોર્ડ ઓફ સ્પોટ્ર્સ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એસ્ટેટ કમિટીની મીટીંગો મળી હતી. તેમાં થયેલી કાર્યવાહીને આગામી તારીખ 29 ના રોજ સોમવારે મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની સભામાં મૂકવામાં આવી છે. જુદી જુદી કમિટીના નિર્ણયો, ભલામણો અને કાર્યવાહી બાબતે આ મિટિંગમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાં રહેલ ઇનવર્ટરની બેટરી બાયબેક સિસ્ટમથી જેમ પોર્ટલ મારફત ખરીદવામાં આવી હતી. તેને બહાલી આપવામાં આવશે. ઈલેક્ટ્રીક કામના નવા સ્ટાન્ડર્ડ શેડ્યુલ ઓફ રેઈટસને અગાઉના કુલપતિએ મંજૂરી આપી છે તેને સોમવારની બેઠકમાં બહાલી આપવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ લાઇબ્રેરીમાં 250 લિટરનું આરઓ ખરીદવામાં આવ્યુ છે. આ ખરીદી પણ જેમ મારફત થઈ છે અને તેને સોમવારની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં બહાલી આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application