વાંકાનેર: ૫૦૦ વર્ષ પુરાણું યાત્રાધામ સ્વયંભુ જડેશ્વર મહાદેવનો અનોખો ઇતિહાસ

  • August 08, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા વધુ જુનું સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં જડેશ્ર્વર દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. જેથી જયોતિલિગથી પણ વિશેષ મહત્વ આ મંદિરમાં બિરાજતા જડેશ્ર્વર દાદાનું છે તેમ શંકાને કોઇ સ્થાન નથી.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે ૩ કી.મી. દૂર જડેશ્ર્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઇક અલગ છે. જડેશ્ર્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્ર્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ઇતિહાસમાં એવુ લખાયેલું છે કે, જામનગરના રાજા જામરાવળ પૂર્વ જન્મમાં તેઓ અરણીટીંબા ગામમાં ભરવાડ હતાં અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો.
જોકે, સોનીની એક ગાય પુષ્કળ દૂધ આપતી હતી પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન હતી. જેથી ભરવાડ ગાયને દોહી લેતા હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ કયાં જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃધ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઇ અદ્રશ્ય દેવ હોવા જોઇએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતું તેવું જડેશ્ર્વર મહાદેવ મંદિરના મહતં રતિભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.
જડેશ્ર્વર દાદાની સ્થાપના થયા બાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે જતા હતાં તે સમયે સોની ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને કમળપૂજા કરે તીક્ષણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખીને કમળપૂજા કરી હતી ત્યારે તેનું માથું મહાદેવને અથડાઇને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. જોકે, મહાદેવ ભરવાડની શ્રધ્ધાથી પ્રસન્ન થયા હતાં અને ભરવાડનો બીજો જન્મ જામ રાવળ તરીકે થયો હતો.
પરંતુ અરણીનું વૃક્ષ ભગવાન ભરવાડની ખોપરીમાંથી ઉગ્યુ હોવાથી જયારે જયારે પવનથી તે વૃક્ષ હલે એ સમયે જામ રાવળને માથામાં દુ:ખાવો થતો હતો. જેથી રાજાને અરણીનું તે વૃક્ષ કાપવા કહ્યું હતું અને ત્યારબાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતાં. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને ૫૦ રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મંદિરને મોકલવામાં આવે છે. એટલું જ નહીં જયાં ભગવાન ભરવાડનું માથુ પડયુ હતું ત્યા હાલમાં રફાળેશ્ર્વર મહાદેવનું મંદિર છે અને કોઇપણ વ્યકિતને માથાનો દુ:ખાવો હોય તો માનતા રાખીને ત્યાં નાળિયેર મુકી જાય તો તેને માથાના દુ:ખાવામાંથી મુકિત મળે છે તેવું આ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે.
દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જયોતિલિગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષેાથી સાક્ષાત બિરજમાન છે જોકે, આ બાર પૈકી પહેલું જયોતિલિગ સૌરાષ્ટ્ર્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્ર્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું. દર વર્ષે શ્રાવસ માસના બીજા સોમવારે જડેશ્ર્વર મહાદેવનો પ્રાગટય દિવસ હોવાથી પ્રાગોટત્સવની ઉજવણી કરવામાં આવે છે.
અહીં એક ગૌશાળા છે જેમાં હાલમાં ૨૦૦ જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને ગૌશાળામાં ગૌવંશોનો નિભાવ કરવા માટે ગૌશાળા પાસે આવકોનો કોઇ ક્રોત નથી પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવભકતો તરફથી મળતા દાનની રકમ તેમજ મંદિરની વાર્ષિક આવકમાંથી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે તેવું લઘુમહતં જીતુભાઇ રતિલાલજી ત્રિવેદીએ જણાવ્યું છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાત અને દેશના અન્ય રાજયોમાંથી ભૂદેવો દાદાની સેવાપૂજા કરવા માટે આવતા હોય છે. તેઓના માટે રહેવા, જમવા સહિતની સુવિધા ત્યાં દાતાના સહયોગથી કરવામાં આવેલ છે અને કુદરતી સાૈંદર્ય વચ્ચે વાંકાનેર નજીક રતન ટેકરી ઉપર જડેશ્ર્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં શિવજીના દર્શનની સાથોસાથ કુદરતી સાૈંદર્યનો લાભ લેવા માટે શ્રાવણ માસમાં લાખો લોકો આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application