મહારાષ્ટ્રમાં કારમાં પરાજય પછી ઉદ્ધવ ઠાકરેનું ભવિષ્ય ખતમ થઈ ગયું?

  • November 25, 2024 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં ભાજપ્ની આગેવાની હેઠળના ગઠબંધન ’મહાયુતિ’એ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. રાજ્યની કુલ 288 વિધાનસભા બેઠકોનાં પરિણામો પ્રમાણે મહાયુતિ ગઠબંધન 230 જીત્યું છે, જ્યારે ’મહારાષ્ટ્ર વિકાસ અઘાડી’નો આંકડો 50 પર સમેટાઈ ગયો છે. પરિણામોમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના બહુ ખરાબ રીતે હારી ગઈ છે.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની અવિભાજિત શિવસેના ભાજપ્ના નેતૃત્વ હેઠળના એનડીએનો હિસ્સો હતી. તે સમયે શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 56 બેઠકો જીતી હતી. પક્ષમાં વિભાજન થવા છતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 2024ની લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ રાજ્યની કુલ 48 લોકસભા બેઠકોમાંથી નવ બેઠકો જીતી લીધી હતી. ચૂંટણી અગાઉ એવી અટકળો કરવામાં આવતી હતી કે મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં ઉદ્ધવ ઠાકરે મોટા ખેલાડી તરીકે ઊભરી આવશે, પરંતુ આ પરિણામોએ તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની રાજનીતિનો અંત આવી જવાનો છે? ઉદ્ધવની શિવસેનાનું ભવિષ્ય શું છે? શું તેમણે શિવસૈનિકોના ’સેનાપતિ’નો તાજ ગુમાવ્યો છે? આ પરાજય પાછળનું સૌથી મોટું કારણ શું છે? 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણને હંમેશા માટે બદલી નાખ્યું.
રાજ્યમાં એવી રાજકીય ઉથલપાથલ મચી ગઈ કે ઘણા નેતાઓએ પોતાના રાજકીય પક્ષો પણ બદલી નાખ્યા. તે વખતે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે સરકાર ચલાવવા તૈયાર ન હતા. ભાજપમાં બેચેની વધી જતા પાર્ટીએ એનસીપીના અજિત પવાર સાથે સરકાર બનાવી અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા. જોકે, આ સરકાર 80 કલાકથી વધુ ટકી શકી નહીં. ભાજપ સાથેના દાયકાઓ લાંબા જોડાણને છોડીને ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ટેકા સાથે રાજ્યમાં સરકાર બનાવી.
લગભગ અઢી વર્ષ પછી એટલે કે જૂન 2022માં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ રાજકીય ઉથલપાથલ મચાવી દીધી. ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ એકનાથ શિંદેએ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લીધા અને શિવસેના પર પોતાનો દાવો રજૂ કર્યો.
શિવસેનામાં બે ભાગલા પડ્યા બાદ એકનાથ શિંદે ભાજપ્ના ટેકાથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં, થોડા દિવસો પછી એનસીપીમાં ભાગલા પડ્યા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપ્ની આગેવાની હેઠળની ’મહાયુતિ’ સરકારમાં સામેલ થયા. એટલું જ નહીં, જ્યારે અસલી શિવસેના પર નિર્ણયનો સમય આવ્યો ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર અને ચૂંટણી પંચે એકનાથ શિંદેના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો. હવે શિવસેના પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક પણ એકનાથ શિંદે પાસે છે. જોકે, આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે જેના પર હજુ સુધી નિર્ણય નથી આવ્યો.
2024ની વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 95 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી અત્યારે તો માત્ર 18 જ જીતતા દેખાય છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો ઉદ્ધવ ઠાકરે માટે અંતિમ નિર્ણય નથી. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી દરમિયાન વારંવાર કહ્યું હતું કે આ વખતે જનતા અસલી અને નકલી શિવસેના વચ્ચે નિર્ણય લેશે. એવું લાગે છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાએ ઉદ્ધવની શિવસેનાને બદલે એકનાથ શિંદેની શિવસેનાને પસંદ કરી છે. મુંબઈ એ શિવસેનાનો ગઢ રહ્યું છે. તેમાં લગભગ 36 વિધાનસભા બેઠકો આવે છે. આ ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન કરવા છતાં ઉદ્ધવ ઠાકરે પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યા છે. તેઓ અહીં એક ડઝનથી વધુ બેઠકો પર આગળ છે.
છેલ્લા બે દાયકાથી શિવસેના મુંબઈથી થાણે, કલ્યાણ, કોંકણ અને મરાઠવાડા જેવા પ્રદેશોમાં ફેલાઈ ગઈ હતી, પરંતુ આ વખતે પાર્ટીને આ વિસ્તારોમાં નુકસાન થયું છે. ઉદ્ધવ ઠાકરેની ઇમેજ મહારાષ્ટ્રના કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત ન હતી, પરંતુ પરિણામો બાદ તેમની સમગ્ર મહારાષ્ટ્રવ્યાપી ઈમેજને નુકસાન થયું છે.
એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનશે તો ઉદ્ધવ ઠાકરેનું રાજકારણ ખતમ થઈ જશે. પરંતુ મુખ્યમંત્રીપદ નહીં હોય તો શિંદે પાસે પહેલાં જેવી શક્તિ નહીં હોય, જેના કારણે શિવસૈનિકો નારાજ થઈ શકે છે અને ઉદ્ધવ ઠાકરે તરફ પાછા ફરી શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મહાયુતિની સરકારમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે? શું એકનાથ શિંદે પર ફરીથી ભરોસો મૂકવામાં આવશે? પરિણામો પછી મતદારોનો આભાર વ્યક્ત કરતા એકનાથ શિંદેએ કહ્યું, જે રીતે અમે સાથે ચૂંટણી લડ્યા હતા, તેવી જ રીતે ત્રણેય પક્ષો સાથે બેસીને નિર્ણય લેશે. જો ભાજપ ’ઉપયોગ કરો અને ફેંકો’ નીતિ હેઠળ એકનાથ શિંદેને કદ પ્રમાણે વેતરી નાખશે તો શિવસૈનિકો નારાજ થશે.
શિવસૈનિકોનો મિજાજ એવો છે કે એકવાર ટોચ પર પહોંચ્યા પછી તેઓ નીચે જવા નથી માંગતા. તેઓ ઇચ્છે છે કે ખુરશી એકનાથ પાસે રહે, જ્યારે ભાજપ બાંધછોડ કરે છે. તેમાં ફડણવીસ મુખ્ય મંત્રી પછી નાયબ મુખ્યમંત્રી પણ બની શકે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમય હતો જ્યારે શિવસેના પોતાના પ્રભાવ માટે જાણીતી હતી. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા. પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ રિમોટ કંટ્રોલથી 1995માં રચાયેલી શિવસેના-ભાજપ્ની ગઠબંધન સરકાર ચલાવતા હતા. સ્પષ્ટવક્તા તરીકેની છાપ અને કટ્ટર હિન્દુત્વની રાજનીતિને કારણે તેઓ માત્ર મુંબઈ સુધી જ નહીં, પરંતુ મહારાષ્ટ્રની બહાર પણ લોકપ્રિય બન્યા હતા. પરંતુ વર્ષ 2019માં ભાજપ્નો સાથ છોડ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીનો હાથ પકડ્યો અને પોતાની શિવસેનાની કટ્ટર હિંદુત્વની છબીને બદલવાનો પ્રયાસ કર્યો જ્યાં એક સમયે ’મુસ્લિમ મતોની પરવા’ નહોતી કરાતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરે જ્યારે ચેમ્બુરની મુસ્લિમ વસાહતમાં પહોંચ્યા, ત્યારે તેમણે કહ્યું હતું કે, હું કદાચ પહેલીવાર તમારી પાસે આવ્યો છું, કારણ કે આપણી વચ્ચે એક દિવાલ હતી. અમે એકબીજા સાથે લડતા હતા. આ છબીના કારણે તેમના જે હિંદુત્વના મત હતા તે અનેક ભાગમાં વહેંચાઈ ગયા. મહારાષ્ટ્રમાં હિંદુત્વના વોટ ઉદ્ધવ ઠાકરેની શિવસેના, ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરે વચ્ચે વહેંચાઈ ગયા. ઉદ્ધવે હિંદુત્વનો જે ઝંડો ઉપાડ્યો હતો, તેનો રંગ થોડો ઊતરી ગયો. તેનું થોડું નુકસાન તેમને થયું છે. જોકે, કોંગ્રેસ પાસે જવાના કારણે તેમને મુસ્લિમ મત પણ મળ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ 119 ઉમેદવારોને મેદાનમાં ઉતાયર્િ હતા જ્યારે તેમના પુત્ર પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. આ માત્ર મરાઠી ઓળખ અને હિંદુત્વના નામે મત કાપવા માટે કરવામાં આવ્યું હતું. માહિમ વિધાનસભા સીટ પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવાર મહેશ સાવંતે રાજ ઠાકરેના પુત્ર અમિત રાજ ઠાકરેને હરાવ્યા છે. સ્થિતિ એવી છે કે તેઓ ત્રીજા નંબરે આવી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application