ઈઝરાયેલ માટે વધુ એક મોટા શસ્ત્ર સોદાને અમેરિકાએ આપી મંજૂરી

  • September 13, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઊભું છે. વિશ્વભરમાં ચાલી રહેલા વિરોધ છતાં ઈઝરાયેલને અમેરિકા તરફથી સતત સૈન્ય સહાય મળી રહી છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈઝરાયેલને 165 મિલિયન ડોલર (લગભગ 1384 કરોડ રૂપિયા)ના શસ્ત્ર સોદાને મંજૂરી આપી છે. જોકે  ઈઝરાયેલને આ હથિયારોની ડિલિવરી 2027 સુધીમાં થશે.


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે માહિતી આપતા કહ્યું કે અમેરિકાએ હેવી-ડ્યુટી ટેન્ક ટ્રેલર્સ માટે ઇઝરાયેલને $165 મિલિયનના શસ્ત્રો વેચવાના કરારને મંજૂરી આપી છે. તેમાં સ્પેર પાર્ટ્સ અને રિપેર પાર્ટ્સ તેમજ ટૂલકીટ, ટેક્નિકલ અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થશે. જો કે આ હથિયારો 2027 પહેલા પહોંચાડવામાં આવે તેવી શક્યતા નથી.


રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગાઝા અને ઈઝરાયેલ મોટો મુદ્દો


બાઇડેન પ્રશાસને આ કરારને એવા સમયે મંજૂરી આપી છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 2 મહિનાથી ઓછો સમય બાકી છે. આ સિવાય મંગળવારે યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ઈઝરાયેલનો મુદ્દો પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો બે વર્ષમાં ઈઝરાયેલનો સફાયો થઈ જશે. ટ્રમ્પે હેરિસ પર ઈઝરાયેલને નફરત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.


અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગાઝા યુદ્ધનો મુદ્દો ખૂબ મહત્વનો છે અને અમેરિકામાં યહૂદી મતદારો પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બાઇડેન વહીવટીતંત્ર દ્વારા ઇઝરાયેલને હથિયારો વેચવાના સોદાને મંજૂરી આપવાથી ચૂંટણી પર અસર પડી શકે છે. જો કે પેલેસ્ટાઈન સમર્થકો સતત ઈઝરાયેલને શસ્ત્ર સપ્લાય પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે, ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન દરમિયાન પણ મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન સમર્થકોએ ઈઝરાયેલને આપવામાં આવતી સૈન્ય સહાય સામે વિરોધ દર્શાવ્યો હતો પરંતુ ઈઝરાયેલને લઈને બાઇડેન વહીવટીતંત્રના નિર્ણયમાં કોઈ ફેરફાર થયો નથી.


અમેરિકા ઈઝરાયેલને F-15 ફાઈટર એરક્રાફ્ટ પણ આપશે


આ પહેલા પણ અમેરિકાએ ઈઝરાયેલ માટે 20 બિલિયન ડોલરના શસ્ત્રોના સોદાને મંજૂરી આપી હતી. આ કરાર હેઠળ અમેરિકા ઈઝરાયેલને F-15 ફાઈટર એરક્રાફ્ટ પણ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલને આ તમામ હથિયારો થોડા વર્ષો પછી જ મળી શકશે, તેથી ઈઝરાયેલની સૈન્ય ક્ષમતામાં કોઈ વધારો થશે નહીં અને ગાઝામાં હમાસ વિરુદ્ધ 11 મહિના સુધી ચાલેલા યુદ્ધ પર પણ તેની કોઈ અસર નહીં થાય.


એક તરફ બાઇડેન પ્રશાસન ઈઝરાયલ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે તો બીજી તરફ ગાઝામાં થયેલા મોતને કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા અમેરિકન ધારાશાસ્ત્રીઓ અને જનતાએ ઇઝરાયેલને સૈન્ય સમર્થન બંધ કરવાની માંગ કરી છે. તેથી સંતુલન બનાવવા માટે, અમેરિકાએ ઇઝરાયેલને 2 હજાર પાઉન્ડ બોમ્બની ડિલિવરી અટકાવી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application