જામનગરના વેપારી સાથે ૫૦ લાખની ઠગાઇ કરનાર બે ઝડપાયા

  • January 15, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકાણના બહાને ૨૫ ટકાની લાલચ દીધી : પશ્ચિમ બંગાળના બે ઠગબાઝ સાયબર ક્રાઇમના સકંજામાં

જામનગરના એક વેપારીને દર મહિને રોકાણના બદલામાં ૨૫ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને ૫૦ લાખની રકમ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે પ્રકરણમાં સાઇબર ક્રાઇમ સેલ ની ટીમે તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવી બે આરોપીઓને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના એક વેપારી ઓન લાઇને ફ્રોડ કરતી ટોળકીની ચૂંગાલમાં ફસાયા હતા, અને એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી દર મહિને ૨૫ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપી હતી, અને ૫૦ લાખથી વધુ ની રકમ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. જે મામલે જામનગરના સાઇબર સેલના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને સાયબર પોલીસની ટીમ સમગ્ર ફરિયાદ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.
સોશિયલ મીડિયાના માધ્યમથી ઊંડાણપૂર્વકની તપાસના આધારે પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવડા શહેર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, ત્યાંથી કલકત્તા શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વિવેક સુશીલ કુમાર કનોરીયા (૩૮), તેમજ કલકત્તાના હાવડા વિસ્તારમાં રહેતા ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા (૪૧) ની અટકાયત કરી લીધી હતી. અને બંનેને જામનગર લઈ આવ્યા પછી ઉપરોકત  ગુનામાં અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓએ ફરિયાદી વેપારી ખાતે વોટ્સએપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ માટેની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, અને ગોલ્ડ, ડાયમંડ તેમજ પ્લાસ્ટિક એમ જુદી જુદી ત્રણ કોમોડીટીમાં ઓપ્શનમાં રોકાણ કરવાની લાલચ આપી દર મહિને ૨૫ ટકા જેટલું રિટર્ન આપવાની જાહેરાતો કરી હતી, અને તે મુજબના નાના નાના ત્રણ પેમેન્ટ કરાવીને ફાયદો કરાવી આપ્યો હતો.
જેથી વેપારી વિશ્વાસ કરી બેઠા હોવાથી વધુ રોકાણના બહાને કુલ ૫૦ લાખથી વધુ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આપી હતી. જે પૈસા મેળવી લીધા હતા, અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી લીધા હતા.
જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું અને પોલીસ ના હાથે તપાસના અંતે બે આરોપીઓ પકડાયા છે. આ પ્રકરણમાં હજુ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે જાણવા માટે કવાયત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application