વેરાવળમાં વ્યાજખોરીમાં કંપની મેનેજરને આપઘાતની ફરજ પાડનારા બે મિત્રો પકડાયા

  • November 28, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાં રઘુવંશી યુવકએ મિત્રતાના ભાવે બે મિત્રોના તેના ધંધા માટે ૯૨ લાખની આર્થીક મદદ કરેલ જે પરત આવેલ નહીં બાદમાં તે રકમ કઢાવવા અન્ય એક પરિચીત યુવકએ વધુ ૫૨ લાખની રકમ પડાવી લીધી હતી. આ બંન્નેની દોઢ કરોડની રકમ પરત ન આવતા આર્થિક ભીંસમાં આવતા વ્યાજખોર પાસેથી ૧૨ લાખની રકમ લીધેલ જેનું વ્યાજ ભરવામાં રઘુવંશી યુવક વધુ ભીંસમાં આવી જતા એક મહિના પૂર્વે આપઘાત કરી લીધેલ હતો. આ મામલે મૃતક યુવકની પત્નીની ફરીયાદના આધારે એક વ્યાજખોરો સહિત ચાર શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


મિત્રને કરેલ મદદના બદલામાં વિશ્વાસઘાત થયાના ચકચારી પ્રકરણમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં રહેતા અને ઓપો કંપનીના મેનેજર પીયૂષભાઈ પટેલીયાએ સાતેક વર્ષ પૂર્વે કોન્ટ્રાકટરનું કામ કરતા તેના મિત્રો નરેન્દ્ર ઉર્ફે જગો મુરબીયા અને ભાવેશ ઉર્ફે ડિસ્કો મુરબીયાને સોમનાથના પ્રોજેકટના કામ માટે પૈસાની જરૂરીયાત થતા રૂ.૯૨ લાખની રકમ તેના સગા સંબંધીઓ પાસેથી લઈને એક વર્ષમાં પરત કરવાના વાયદા સાથે અપાવી મદદ કરી હતી. જે રકમ લાંબા સમયથી સુધી પરત કરી ન હતી. 
બાદમાં તે બંન્ને સાથે કામ કરતા ઉપેન રમેશભાઈ વઢવાણા રહે. રાજકોટ વાળાને પીયૂષભાઈ પાસે મોકલી તેઓના પૈસા બંન્ને પાસેથી કઢાવી આપશે તેવો વિશ્વાસ અપાવીને વધુ ‚ા.૫૨ લાખની રકમ માંગતા તેઓને સંબંધીઓ પાસેથી અપાવી હતી. આ ત્રણેય શખ્સોને મિત્રતાના નાતે મદદ તરીકે અપાવેલ ‚ા.૧.૪૪ કરોડની રકમ પરત આપવાના બદલે ખોટા વાયદાઓ કરીને સમય પસાર કરી રહ્યા હોવાથી પિયુષભાઈ આર્થિક ભીંસમાં આવી ગયા હતા.


બાદમાં સંબંધીઓને પૈસા પરત કરવા જુદી જુદી લોનો લીધેલ અને મુકેશ ઉર્ફે મુન્ના પટેલીયા પાસેથી ઉંચા વ્યાજે રૂ.૧૨ લાખની રકમ લઈને ચુકવી હતી. પીયૂષભાઈના પગાર અને ધંધાની આવક મુન્નો પઠાણી ઉઘરાણી કરી દર મહિને લઈ જતો હતો અને તેને આપેલ ચેકોમાં ખોટી રકમ ભરી ચેક રીટર્ન કરાવી કોર્ટ કેસ કરવાની ધમકીઓ આપતો હતો. જેના લીધે પીયૂષભાઈ આર્થિક ભીંસમાં આવી જતા સતત ટેંશન રહેતા હતા. દરમ્યાન એક માસ પૂર્વે સુસાઈડ નોટ લખીને પીયૂષભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે સુસાઈડ નોટમાં લખેલ કે, પોતે આ પગલું બીજાને સેવારૂપે આપાવેલ રૂપિયાનું વ્યાજ ભરીને થાકી જવાના લીધે ભરેલ હોવાનું લખ્યુ હતુ.આ મામલે પોલીસે નરેન્દ્રભાઈ ઉર્ફે જગો મુરબીયા, ભાવેશ ઉર્ફે ડિસ્કો મુરબીયા બંન્ને રહે.પ્ર.પાટણ, ઉપેન રમેશ વઢવાણા રહે.રાજકોટ, મુકેશ ઉર્ફે મુન્નો પટેલીયા રહે.વેરાવળ વાળા સામે આઇપીસી ૩૦૬, ૧૧૪, નાણાં ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application