બે દિવસ પુષ્યનક્ષત્ર, પીળી ધાતુની ખરીદીનો સૂર્યોદય

  • November 04, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજથી બે દિવસ પુષ્ય નક્ષત્રનું શુભ મુહૂર્ત શરૂ થતા ની સાથે જ પીળી ધાતુની ખરીદીનો પણ સૂર્યોદય થયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં લગાતાર ઉછાળો આવ્યો છે તેમ છતાં સોનાની માંગ વધી રહી છે. આજે અને આવતીકાલે બંને દિવસ પુષ્ય નક્ષત્રનો યોગ જે દુર્લભ ગણાય છે તે આવતો હોવાથી જે ગ્રાહકો સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા હતા તેમને આજથી ખરીદીના શ્રી ગણેશ શરૂ કરતાં શહેરની સોની બજારમાં પુષ્ય ખરીદી યોગ નો પ્રારંભ થતાં બજારમાં નવી રોનક આવી છે.
તમામ ક્ષેત્રમાં દિવાળીનો માહોલ જોવાય રહ્યો છે ખાસ કરીને લોકલ ફોર વોકલ ને આ વખતે પ્રાધાન્ય મળી રહ્યો છે અને દિવાળીના દિવસો હવે નજીક આવી રહ્યા હોય બજારમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને આજે અને આવતીકાલે બંને દિવસ પીળી ધાતુ માટે નું વણજોયું મુહૂર્ત ગણાતું હોવાથી લોકોએ ખાસ કરીને જેમના ઘરે પ્રસંગ નિર્ધિરિત થયો છે તે ગ્રાહકોએ દાગીનાના ઓર્ડરો બુક કરાવવાનું આજના દિવસે યોગ્ય માન્યું હતું અને સોનાના દાગીનાની ખરીદી સાથે શુકનવંતું મુરત પણ સાચવી લીધું છે.


આજથી લઈને દિવાળી કરવા સુધી શહેરની સોની બજારમાં આવેલા જ્વેલરી સંગઠનો દ્વારા દાગીનાની ખરીદીમાં ખાસ ઓફર પણ મૂકવામાં આવી હોવાથી ગ્રાહકો આ તક ગુમાવવા માગતા નથી. ઝવેરીઓ એ જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવારને લઈને ખાસ પરંપરાગત થીમ બેઇઝ જ્વેલરી બનાવવામાં આવી છે જેમાં આ વખતે મોતી, કુંદન, ડાયમંડની જ્વેલરી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.


આ ઉપરાંત દિવાળી પછી તરત જ લગ્ન ની સિઝન શરૂ થતી હોવાથી અત્યારે દિવાળીના તહેવારમાં શુકનવંતી ખરીદી સાથે લગ્ન ગાળાના ઓર્ડરો પણ બુક કરવામાં આવતા હોવાથી બ્રાઇડલ જ્વેલરી ની માંગ વધારે રહે છે જેમાં હવે આજની યુવતીઓ પરંપરાગત અને ભારેખમ જ્વેલરી ની સાથે એન્ટિક જ્વેલરી માં લાઈટ વેટ ડિઝાઇન પસંદ કરતી હોવાથી એ મુજબની જ્વેલરી તૈયાર કરવામાં આવી છે.


અલગ અલગ ડિઝાઇન સાથે ઇયરિંગ, નેકલેસ ઉપરાંત આ વખતે હાથના બ્રેસલેટ, રીંગ સાથેના બ્રેસલેટ, પગના પંજા, હાથના પંજા, કંદોરો તેમાં પણ કંદોરા સાથે હાર પહેરી શકાય તે મુજબની આકર્ષિત ડિઝાઇન ની જ્વેલરી ની માંગ વધારે છે.જ્વેલર્સના જણાવ્યા મુજબ જ્વેલરીની સાથે આ શુભવંતા મુહૂર્ત પર ગ્રાહકો દ્વારા ફાઈન ગોલ્ડ સિક્કાની પણ ડિમાન્ડ સારી રહે છે. જેમાં સોનાના સિક્કા, લગડી ,ગીની તેમના બજેટ મુજબ તૈયાર કરાવે છે. આ ઉપરાંત રોઝ ગોલ્ડ, રિયલ ડાયમંડ,સી.ઝેડ અને પર્લ ની જવેલરી પણ લોકો ખરીદે છે.

પુષ્યનક્ષત્ર યોગ અને પીળી ધાતુ વચ્ચે શાસ્ત્રોકત મુજબ સંયોગ હોવાના લીધે હાલમાં શનિ રવિ સાથે ધનતેરસે પણ સોની બજારમાં લક્ષ્મીજી વરસે તેવા નિદેશ મળી રહ્યા છે. સોનામાં લોકોએ સારું રિટર્ન મેળવ્યું છે અને બીજી તરફ સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાની માંગ હોવાથી લોકો સોના ની ખરીદી માટે આકર્ષિત થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application