ટ્રમ્પે ફરી ભારત પર ટેરીફ લાદવાનો કક્કો ઘુટ્યો

  • February 22, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરા મિજાજના દર્શન કરાવ્યા છે અને એકવાર ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પણ ભારત પર એ જ ટેરિફ લાદશે જેવો ભારત અમેરિકન માલ પર લાદે છે


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ નીતિમાં આમૂલ ફેરફારો કરી રહ્યા છે. આક્રમક વેપાર નીતિ અપનાવતા, ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેઓ કોઈપણ દેશ પર એ જ ટેરિફ લાદશે જેવો તે દેશ અમેરિકન માલ પર લાદે છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. પરંતુ તેમણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનો સમયગાળો પૂરો થવાનો છે.

બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા. ત્યારબાદ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટેરિફ અંગે ચર્ચા થઈ. ભારતે અમેરિકાથી આયાત થતી અમેરિકન વ્હિસ્કી જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડી દીધો હતો. ભારતે સુપર અમેરિકન બાઇક હાર્લી ડેવિડસન પર પણ ટેરિફ ઘટાડ્યો હતો. પછી એવું લાગતું હતું કે ટ્રમ્પની કડક ટેરિફ નીતિથી ભારતને રાહત મળશે.પરંતુ એવું થયું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આપણે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લગાવવાના છીએ - તેઓ અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, અમે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરીશું. પછી ભલે તે કંપની હોય કે દેશ, જેમ કે ચીન અને ભારત. અમે ન્યાયી બનવા માંગીએ છીએ, તેથી યુનાઇટેડ સ્ટેટ્સ પણ એ જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે.


ભારતમાં ટેરિફ માળખું સૌથી ઊંચું હોવાનો ટ્રમ્પનો પુનરોચ્ચાર

અમેરિકન રાષ્ટ્રપતિએ એ પણ ખુલાસો કર્યો કે તેઓ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જ ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં કોરોના રોગચાળો આવી ગયો. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ભારતમાં ટેરિફ માળખું સૌથી વધુ છે અને આ દેશમાં વ્યવસાય કરવો મુશ્કેલ છે.ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે, "પરંપરાગત રીતે, ભારત આ યાદીમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો છે જે ખરેખર ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરસાયકલ વેચી શક્યું ન હતું કારણ કે ટેક્સ ખૂબ ઊંચા હતા, ત્યારે ટેરિફ ખૂબ ઊંચા હતા અને હાર્લીને ત્યાં ઉત્પાદન કરવાની ફરજ પડી હતી.


સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રત્નોનું ભારત મોટું નિકાસકાર

ભારત અમેરિકામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રત્નો અને ઝવેરાત અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે. જો અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ઊંચા ટેરિફ લાદે છે, તો અમેરિકાના બજારમાં આ ઉત્પાદનોની કિંમત વધશે, જેના કારણે તેમની માંગ ઘટી શકે છે.નાણાકીય વર્ષ 2023-24માં અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર હતું, જે કુલ નિકાસના લગભગ 17.7% જેટલું હતું. ટેરિફ વધારાને કારણે ભારતીય નિકાસમાં 3-3.5%નો ઘટાડો થવાનો અંદાજ છે. આનાથી ખાસ કરીને યુએસ બજાર પર નિર્ભર નાના અને મધ્યમ ઉદ્યોગો ને નુકસાન થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application