જામનગર નજીક કનસુમરા ગામના પાટીયા પાસે એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જે અકસ્માત ના બનાવ ને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જામનગરની ટ્રાફિક શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વાન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જયારે ઈજાગ્રસ્ત ને હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર રાજકોટ રોડ પર કનસુમરા ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં નંબર પ્લેટ વગરનું એક મોટરસાઈકલ માર્ગ પર સ્લીપ થઈ ગયું હતું, અને બાઈક ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં માર્ગ પર પડ્યો હોવાથી તે વિસ્તારમાં થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જે અકસ્માતના બનાવની જાણ થતાં જામનગર ની ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ ઇજાગ્રસ્ત યુવાનને અન્ય વાહન મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયારે અકસ્માતગ્રસ્ત મોટરસાયકલને સાઈડમાં ખસેડી લીધા પછી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે બેકાબૂ બનેલી કાર ડિવાઈડર પર ચડી ગઈ
જામનગર નજીક લાલપુર બાયપાસ થી દડીયા તરફ જવાના માર્ગે એક કારના ચાલકે પોતાની મારુતિ આર્ટિગા કાર ના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.
ગઈકાલે મોડી સાંજે આ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્ય કાર ડિવાઈડર પર ચડ્યા પછી થોડે આગળ જઈને અટકી ગઈ હતી. માત્ર કારમાં અને ડિવાઇડરમાં નુકસાની થઈ હતી, પરંતુ કાર ચાલકનો બચાવ થયો હતો. જયારે અન્ય કોઈ વાહન સાથે કાર અથડાઈ ન હોવાથી સંપૂર્ણપણે જાનહાની ટળી હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે, અને કાર ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડના કુંભનાથપરામાં રહેતી પરણીતાનો પોતાના પતિની માનસિક બીમારીના કારણે આપઘાત
બીજા લગ્ન દરમિયાન પોતાના પતિ માનસિક અસ્થિર હોવાથી શારીરિક સુખ આપી શકે તેમ ન હોવાથી અંતિમ પગલું ભરી લીધું
જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથપરા વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. મૃતક ના બીજા લગ્ન હતા, અને તે પતિ માનસિક રીતે અસ્થિર હોવાથી પોતાને શારીરિક સુખ આપી શકે તેમ ન હોવાના કારણે મનમાં લાગી આવતાં આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ધંધુકા ની વતની અને હાલ કાલાવડ ના કુંભનાથપરા વિસ્તારમાં રહેતી સબીસ્તાબેન યાસીનભાઈ ખલીફા નામની ૨૭ વર્ષની પરણીતા એ ગઈકાલે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક ના પિતા સોયબભાઈ ખલીફા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન ના પી.એસ.આઇ. જે.એસ. ગોવાણી બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી કે જેના આ બીજા લગ્ન હતા, અને નવા પતિ કે જે માનસિક અસ્થિર હોવાના કારણે સારીરીક સુખ આપી શકે તેમ ન હોવાથી પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર કરાયું છે. જે અંગે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામજોધપુરના વાલાસણ ગામમાં વીજપોલ ઊભો કરી રહેલા શ્રમિક યુવાનના માથા પર વીજપોલ પડતાં ગંભીર ઇજા થવાથી અપમૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના વાલાસણ ગામમાં વીજપોલ ઉભા કરવાનું કામ કરી રહેલા એક શ્રમિક યુવાન પર અકસ્માતે વિજ પોલ પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ જામજોધપુર પંથકમાં રહીને વિજ પોલ ઉભા કરવાની મજૂરી કરતા રાજકુમાર છત્રસિંહ બારીયા (ઉંમર વર્ષ ૨૭) કે જે ગઈકાલે વાલાસણ ગામમાં વીજપોલ ઉભો કરવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન એક વિજ પોલ તેના માથા પર પડતાં ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગણપતભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
*વિભાપર ગામમાં ગરમીના કારણે છત પર સૂઈ રહેલા એક યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરાયો*
કાલાવડ નાકા બહાર જાહેર શૌચાલયમાંથી એક વેપારીનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
જામનગરમાં સંતોષી માતાજીના મંદિર પાસે પાર્ક કરાયેલું એક સ્કૂટર ચોરી થઈ ગયા ની ફરિયાદ
જામનગર શહેરમાં વાહન ચોર તેમજ મોબાઇલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે. જામનગરમાં સંતોષી માતાજીના મંદિર પાસે પાર્ક કરવામાં આવેલા એક એક્ટિવા સ્કૂટર ની ચોરી થઈ છે. જ્યારે કાલાવડ નાકા બહાર જાહેર શૌચાલયમાં આવેલા એક વેપારીનો મોબાઇલ ફોન ચોરાયો છે. તેમ જ વિભાપરમાં ગરમી ના કારણે છત પર સૂઈ રહેલા એક યુવાનનો નિંદ્રાધીન અવસ્થામાં મોબાઈલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા મહેશ મોહનભાઈ જેઠવા નામના ૪૫ વર્ષના યુવાને ખોડીયાર કોલોની પેટ્રોલ પંપની બાજુમાં પાર્ક કરેલું પોતાનું એકટીવા સ્કૂટર કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક વેપારી કે જેઓ કાલાવડ નાકા બહાર મટન માર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલયમાં ગયા હતા, અને પોતાનો મોબાઈલ ફોન બહાર રાખ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો તેઓનો રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં કરી છે.
આ ઉપરાંત જામનગર તાલુકા ના વિભાપર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળજીભાઈ કાળાભાઈ મકવાણા નામના શ્રમિક યુવાને ગરમીના કારણે પોતે છત પર સૂતો હતો, અને પોતાનો મોબાઈલ બાજુમાં રાખ્યો હતો. જે નિંદ્રાધીન અવસ્થામાં હતો, દરમિયાન કોઈ તસ્કરો તેનો રૂપિયા ૯,૯૫૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જોડીયામાં લિઝ ધારક દ્વારા સામાજિક કાર્યકર સામે મોબાઈલ ફોનમાં લીઝ ના ફોટા પાડી ધાકધમકી આપ્યા ની વળતી ફરિયાદ
જામનગર જિલ્લાના જોડીયામાં લીઝની જગ્યા માં ખનીજ ચોરી ના ફોટા પાડી રહેલા એક યુવાનને માર મારી તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવ્યા પછી લીક ધારક દ્વારા સામાજિક કાર્યકર સામે લિઝના ફોટા પાડી ધાક ધમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક ધ્રોળ તાલુકાના માવાપર ગામમાં રહેતા ગોકળભાઈ વહાણભાઈ વરુ નામના સામાજિક કાર્યકર યુવાને તાજેતરમાં જોડીયા પંથકમાં આવેલી નદીમાંથી ખનીજ ચોરી કરવા અંગેના ફોટા-વિડિયો પાડી ફલાઇંગ સ્ક્વોર્ડને આપ્યા હતા. જે સામાજિક કાર્યકર પર હુમલો કરાયાની તાજેતરમાં જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ત્યારબાદ ગઈકાલે એક લીઝ ધારક મંછાભાઈ મેઘાભાઈ ઝાપડાએ સામાજિક કાર્યકર ગોકળભાઈ વરુ સામે પોતાની લીઝ ના ફોટા પાડ્યા પછી લીઝ બંધ કરાવવાનું કહી ધાક ધમકી આપ્યાની વળતી ફરિયાદ જોડિયા પોલીસ પથકમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech