છોટુનગરમાં એસ્ટેટ બ્રોકરના મકાનમાંથી રૂ.3.75 લાખની ચોરીમાં ત્રણ શખસો સીસીટીવીમાં દેખાયા

  • September 24, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલી છોટુનગર સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકર વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના- ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત પોણા ચાર લાખની મત્તા ચોરી કરી ગયા હતા. વૃદ્ધ અને તેમના પત્ની જેતપુર દીકરીના ઘરે ગયા હોય તો દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.આ અંગે પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખસો દેખાયા હતાં.જેથી પોલીસે આ ફૂટેજના આધારે તસ્કરોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
છોટુનગર સોસાયટી શેરી નંબર-3 વ્રજરાજ મકાનમાં રહેતા છેલશંકરભાઈ શંભુ શંકરભાઈ રાવલ(ઉ.વ 70) નામના વુધ્ધે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઓમ એસ્ટેટ નામે એરપોર્ટ રોડ પર ઓફિસ રાખી જમીન મકાન લે વેચનો વ્યવસાય કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં દિકરી હાલ જેતપુર સાસરીયે છે જ્યારે એક પુત્ર સુરત અને અન્ય પુત્ર દુબઈ રહે છે. અહીં તેઓ પત્ની ભારતીબેન સાથે રહે છે.
ગત તારીખ 14/9 ના ફરિયાદીના દીકરી પલ્વીબેન રાજકોટ પ્રસંગમાં આવ્યા હોય અને અહીં રોકાયા હતા. બાદમાં બીજા દિવસે તારીખ 15/9 ના ફરિયાદી તેમના પત્ની અને તેમની પુત્રી ત્રણેય જેતપુર ગયા હતા. બાદમાં પતિ-પત્ની અહીં જેતપુરમાં દીકરીના ઘરે રોકાયા હતા. દરમિયાન આજરોજ સવારના પાડોશીનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, તમારા ઘરના મેઇન દરવાજાનો નકુચો અને અંદરના દરવાજાનો નકુચો તૂટેલો છે જેથી ફરિયાદીએ તેમના નાનાભાઈ ભગવતીભાઈને કે જે નાણામટી ચોકમાં રહેતા હોય તેને ઘરે જઈ તપાસ કરવા કહ્યું હતું.
બાદમાં ફરિયાદી તથા તેમના પત્ની પણ અહીં આવી ગયા હતા અને ઘરમાં આવી જોતા સામાન વેરવિખેર પડ્યો હોય ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું. તપાસ કરતા સોનાની પાંચ બંગડી, સોનાની પારાવાળી માળા, સોનાની બે તોલાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીના સાંકડા, સોનાનો દોઢ તોલાનો ચેન તેમજ રોકડ રૂ.5,000 મળી. કુલ રૂપિયા 3.75 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે તેમણે પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.પોલીસે અહીંના સીસીટીવી ફૂટેજ ચકાસતા ત્રણ શખસો નજરે પડયા હતાં.જેથી પોલીસે આ ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application