ભાણવડ તાલુકામાં હજારો એકર જમીનનો કપાસનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે: ઈસુદાન ગઢવી

  • September 02, 2024 10:09 AM 

'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી: ભાણવડ તાલુકાના અલગ અલગ ગામોમાં ફર્યો છું. અહીંયા કપાસ અને મગફળીમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે: સમગ્ર વિસ્તારમાં મોટાભાગે બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે કારણ કે આ તમામ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે


આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવીએ દ્વારકા જિલ્લાના ઢેબર, પાછતર, પારેવડાં ગામ સહિત વિવિધ વિસ્તારોની મુલાકાત કરી, ગ્રામજનો પાસેથી ભારે વરસાદમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો અને અધિકારીઓને ટેલીફોનીક વાતચીત કરીને તાત્કાલિક સમસ્યાનું નિવારણ થાય એ અંગે સૂચનાઓ આપી. ઈસુદાનભાઈ ગઢવીએ આ તમામ વિસ્તારોમાં જોયું કે ખેડૂતોને કપાસ અને મગફળીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખૂબ જ મોટી માત્રામાં જમીનો ધોવાઈ ગઈ છે, રસ્તા ધોવાઈ ગયા છે. ત્યારબાદ આ સમગ્ર ગંભીર પરિસ્થિતિ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, આજે હું ભાણવડ તાલુકાના અલગ અલગ ગામોમાં ફર્યો છું. અહીંયા કપાસ અને મગફળીમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હું હાલ જે તૂટેલા રોડ પર ઉભો છું તે પાછતરથી પારેવડાં ગામ વચ્ચેનો અઢી કિલોમીટરનો રોડ છે અને આ રોડ પર હજુ પણ ખૂબ જ પાણી ભરાયું છે અને રોડ તૂટી ગયો છે જેના કારણે ઘણા લોકો ફસાઈ પણ ગયા છે અને વાહન લઈને કે ચાલીને પણ લોકો આ રસ્તા પરથી એક જગ્યા પરથી બીજી જગ્યાએ જઈ ન શકે તેવી પરિસ્થિતિ છે.


આ ગામમાં ખનીજની એક ખાણ પણ આવેલી છે, પરંતુ સરકારે આ ગામનો કોઈએ વિકાસ કર્યો નથી. આજે અહીંયા કંપનીઓ કમાઈ રહી છે, નેતાઓ કમાઈ રહ્યા છે, અધિકારીઓ કમાઈ રહ્યા છે પરંતુ ફક્ત સામાન્ય નાગરિકો ખૂબ જ કપરી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. આ કઈ રીતનો ન્યાય છે? આજે હું કલેકટર, મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરવા માંગી શકે તમે ગ્રાઉન્ડ ઉપર આવીને આ ગામની સ્થિતિ જુઓ. આજે મને ભાણવડ તાલુકામાં પણ ખૂબ જ ફરિયાદો મળી છે. અધિકારીઓ લોકોને જવાબ નથી આપી રહ્યા. હું તમામ અધિકારીઓને કહેવા માંગીશ કે કોઈ નેતાની બીકથી જો તમે કોઈ જનતાનો કામ ન કર્યું તો આના સમયમાં તમારી બધી હકીકત બહાર લાવવામાં આવશે. 


અહીંયા જે ખનીજની કંપની ચાલે છે તેના પર મને સવાલ થાય છે કે ડુંગરની વચ્ચે આટલી મોટી કંપની કઈ રીતે ચાલે છે? અહીંયા વન વિભાગ શું કરી રહ્યું છે? હું માંગણી કરું છું કે અહીંયા ફરીથી જમીનની માપણી કરવામાં આવે. આ સિવાય અહીંયા જે પણ લોકોને કપાસ, મગફળી, તુવેરદાળ સહિત જે પણ પાકમાં નુકસાન થયું હોય તે તમામનો સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોનું જમીન ધોવાણ થયું છે તેનો પણ તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે. અમારી સરકાર સમક્ષ માગણી છે કે દ્વારકા જિલ્લાને વિશેષ સહાય પેકેજ આપે કારણ કે અહીંયા 35થી 40 ઇંચ વરસાદ પડ્યો છે અને મોટાભાગે બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે કારણ કે આ તમામ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે.


ત્યારબાદ ઈસુદાનભાઈ ગઢવી એક કપાસના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં કપાસનો પાક સંપૂર્ણપાક નાશ પામ્યો હતો. ત્યાં ઈસુદાનભાઈ ગઢવીએ ખેડૂતોને મળીને તેમની વેદના જાણી. અને પોતાની વાત કરતા જણાવ્યું કે, હું મુખ્યમંત્રી, મંત્રી અને કલેક્ટરને કહેવા માંગીશ કે ભાણવડ અને તેની આસપાસ આવેલા ગામોમાં જઈને તમે કપાસના પાકની પરિસ્થિતિ જોઈ લો. આ વિસ્તારના હજારો એકર જમીનનો કપાસનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. માટે સરકારને અમારી અપીલ છે કે જો શક્ય હોય તો આવતીકાલે જ અહીંનો સર્વે કરી દો. આવી જ રીતે મગફળીનો પણ મોટી સંખ્યામાં પાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં 300 વીઘા રીંગણીનો પાક પણ નિષ્ફળ થયો છે.


મારી સરકારને ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ તમામ વિસ્તારનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય પહોંચાડવામાં આવે અને આ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે એનડીઆરએફ અને એસડીઆરએફના રીતે નહીં પરંતુ દર વીઘે ખેડૂતોને 20000 થી 25000ની સહાય આપવામાં આવે. જો સરકાર ખેડૂતોની આ માંગણીને પૂરી નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતના તમામ ખેડૂતો ગાંધીનગર તરફ કુચ કરશે. અને જો ખેડૂતોને તમે સહાય નહીં કરો અને આવી જ પરિસ્થિતિમાં છોડી દેશો તો આવનારા દિવસોમાં ખેડૂતો કોઈપણ ભાજપના નેતાને પોતાના વિસ્તારમાં પ્રવેશ પણ નહીં કરવા દે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application