પરિણીત મહિલાને ત્યાં જતો હોવાની આશંકાએ યુવકની કરી હતી હત્યા

  • September 12, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર-વેરાવળમાં કારખાનામાં રહેતા ખેડા પંથકના માથરાના મુવાડા ગામના શ્રમિક યુવક ઉપેન્દ્ર રવજીસેનવાની ગતરોજ રાત્રીના મળેલી હત્યા કરાયેલી લાશની ઘટનામાં સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની આશંકાએ પોલીસે હાથ ધરેલી તપાસ બાદ શાપરમાં જ રહેતા જામજોધપુરના સડોદર ગામના વતની સુમિત ભુપતભાઈ પરમાર ઉ.વ.૩૫ની ધરપકડ કરી છે. સુમિતની અગાઉ પરિચયમાં રહેલી મહિલાને ત્યાં ઉપેન્દ્ર જતો હોવાની તેમજ ઘર પાસેથી નીકળવા બાબતે થયેલી તકરારમાં હત્યા થયાનું ખુલ્યું છે.


બનાવની વિગતો મુજબ બે લગ્ન બાદ બન્ને સાથે છૂટાછેડા લઈ અલગ રહેતા નિ:સંતાન ઉપેન્દ્રને શાપર-વેરાવળમાં એકવીટ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં જયાં કામ કરતો ત્યાં થોડે નજીક રહેતી એક મહિલા સાથે પરિચય કેળવાયો હતો. ત્યાં ઉપેન્દ્ર કયારેક જતો હતો. અગાઉ એ મહિલા સાથે આરોપી સુમિતને પણ સંબંધો હતા. જે બાબતે સંભવત બન્ને વચ્ચે તકરાર થતી હશે. સુમિત એ મહિલાના ઘર પાસેથી નીકળતો હોવાથી મરનાર ઉપેન્દ્રએ ત્યાંથી નહીં ચાલવા બાબતે કહ્યું હતું અને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
​​​​​​​
આરોપી સુમિતને જે-તે સમયે મરનારે ગાળો આપી હતી. રસ્તા પરથી ચાલવાની ના કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બનાવની રાત્રે બે દિવસ પૂર્વે તા.૧૦ના ઉપેન્દ્ર મહિલાના ઘરે બેસવા ગયો હાતે. પંદરેક મિનિટ બાદ ત્યાંથી નીકળીને તેની ઓરડી પર જતો હતો. એ દરમિયાન સુમિતે રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકી ઉપેન્દ્રની હત્યા નીપજાવી હતી. હત્યાના બનાવ અંગે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, શાપર-વેરાવળ ઈન્ચાર્જ પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ સહિતની ટીમે ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી રાહે માહિતી આધારે આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસની તપાસમાં સુમિતને અગાઉ જે મહિલા સાથે પરિચય હતો ત્યાં ઉપેન્દ્ર આવતો જતો હતો જે બાબત ઉપરાંત ઉપેન્દ્રએ એ રસ્તેથી નહીં ચાલવાનું કહી ગાળો આપી ઝઘડો કર્યો હોવાથી ખાર રાખી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application