શહેરમાં રુા.૪ કરોડના ખર્ચે રીનોવેશન થનાર ટાઉનહોલ છ માસમાં પૂર્ણ

  • May 22, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી પુસબેક ચેર, સ્ટેજ રિનોવેશન, લાઇટીંગ, સાઉન્ડ સિસ્ટમ, એલઇડી સ્ક્રીન, પ્રોજેકટર, આર્ટ ગેલેરી, સેન્ટ્રલી એસી, ફુડ કોર્ટ રિનોવેશન, વીઆઇપી રુમ રિનોવેશન સહિતના સિવીલ કામો છ મહીનામાં પુરા કરાશે: બીઆઇએસજી સાથે સીધું જોડાણ

જામનગર કોર્પોેરેશન દ્વારા શહેરના વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે, નવા કમિશ્નર દિનેશ મોદીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રોજેકટ ગતિ પકડી રહ્યા છે, નાટ્ય કલાકારો અને લોકો માટે ઉપયોગી એવો શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલને રીનોવેશન કરવાની કામગીરી શરુ થઇ ચૂકી છે, જેની પાછળ રુા. ૪ કરોડનો ખર્ચ થશે, આ કામગીરી લગભગ ઓકટોબર મહિનામાં પૂરી થઇ જશે, ટાઉનહોલને નવા વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ટાઉનહોલની સામે રહેલા ફૂવારાની હાલત ખૂબ જ ખરાબ થઇ રહી છે, તેની સામે તંત્રએ જોવું જોઇએ, હાલમાં રુા. ૧૯૬ કરોડના ખર્ચે ફલાઇ ઓવરબ્રીજ, રુા. ૧૩ કરોડના ખર્ચે ઢીંચડા રોડ ખાતે હોસ્પિટલ, રુા. ૬પ કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ચોકડી પાસેનો બ્રીજ અને હવે હાપા પાસેનો ઓવરબ્રીજનું કામ શરુ થઇ જશે, ત્રણ દરવાજા રેસ્ટોરેશન, ભૂજિયો કોઠો, જનરલ બોર્ડનું બિલ્ડીંગ અને રીંગરોડનું કામ શરુ થઇ રહ્યું છે, ભૂજિયા કોઠાનું કામ પૂર્ણતાના આરે છે, ત્યારે ધીરે ધીરે શહેરની કાયાપલટ થઇ રહી છે, સ્ટે. કમિટીએ જામનગર સુધીની રુા. ૧ર૧ કરોડની પાઇપલાઇનને પણ મંજુરી આપી દીધી છે, ત્યારે હવે ટાઉનહોલ ઝડપથી થાય તે માટે નગરવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
આખા ટાઉનહોલમાં અવનવી સુવિધા મુકવામાં આવશે, નવી પુસબેક ચેર મુકવામાં આવશે, આમ નગરજનોને વધુ એક નવલું નઝરાણું મળી રહેશે.
જામનગરમાં શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલમાં આવેલી તમામ ખુરશીઓ રિનોવેટ કરાશે, એટલું જ નહીં પ્રથમ બે હરોળની રો પુસબેક ચેર લગાવાશે, સ્ટેજનું પણ રિનોવેશન કરાશે અને સ્ટેજમાં આધુનિક લાઇટીંગ તેમજ સાઉન્ડ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. નવા પડદા, નવા બેર્ટનસ, ૧૨*૮ની એલઇડી સ્ક્રીન, અદ્યતન પ્રોજેકટર, ટુ વે વેબ કેમેરા, સેલર આર્ટ ગેલેરીમાં રિનોવેશન, સેન્ટ્રલ એર ક્ધડીસનર, પાર્કિંગ એરીયામાં પેવીંગ બ્લોક, એલઇડી લાઇટ પણ પાર્કિંગ એરિયામાં ગોઠવાશે, તેમજ સ્ટેજ લાઇટીંગ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, ન્યુ બેટરન્સ, નવા પડદા, પ્રોજેકટર, સેન્ટ્રલ એસી, કલર વર્કસ, ટોયલેટ બ્લોક રીનોવેશન અને અન્ય સીવીલ વર્ક કરવામાં આવશે અને તે માટે હજુ વધુ ઝડપી કામ કરવાની જરુર છે, તેમ લોકોને કહેવું છે ત્યારે મ્યુ.કમિશ્નર દિનેશ એન. મોદીના માર્ગદર્શન હેઠળ ડીએમસી ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગ શાખાના નાયબ ઇજનેર રાજીવ જાની સહિતની ટીમે હવે ટાઉનહોલને રિનોવેશન કરવાની કામગીરી શરુ થઇ ચૂકી છે અને લગભગ ઓકટોબર માસમાં નવા વાઘા પહેરાવીને ટાઉનહોલને લોકો સમક્ષ મૂકવામાં આવશે.
સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ આ કામ ઝડપથી શરુ થાય તે માટે તનતોડ પ્રયત્ન કર્યા છે, કમિટીમાં પાસ થઇ ગયા બાદ હવે ટાઉનહોલ રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, એટલું જ નહીં આગામી સમયમાં તળાવની પાળે કે જયાં પહેલા બાલ્કનજી બારી વાળી જગ્યા તરીકે ઓળખાતી હતી તે જગ્યાએ અદ્યતન સાયન્સ સીટી પણ શરુ કરવામાં આવશે.
આ ઉપરાંત ફુડ કોર્ટને પણ રિનોવેશન કરાશે, એલ્યુમીનીયમ સેકટરવાળી અદ્યતન બારીઓ મુકાશે, આખા ટાઉનહોલને નવા કલર કામ કરાશે, ઉપરાંત ગ્રીન રુમ રિનોવેશન, ટોયલેટ બ્લોક, વીઆઇપી રુમ રિનોવેશન અને અન્ય સિવીલ વર્ક પણ કરવામાં આવશે. પ્રોજેકટ પ્લાનીંગના વડા રાજીવ જાનીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે, આવતા અઠવાડીયાથી જ લોકો માટે ટાઉનહોલ બંધ કરી દેવામાં આવશે.
જામનગરમાં ભાજપનું શાસન આવ્યા બાદ અનેક વિકાસના કામો થયા છે, કેટલાક કામો નાણાના અભાવે અટકી પણ ગયા છે, હજુ હેડ કવાર્ટર પાસેનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મહાપ્રભુજીની બેઠક પાસેનો ટાગોર હોલ પણ ઝડપથી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, રાજકોટના હેમુ ગઢવી હોલની જેમ ટાઉનહોલ ફરીથી નવા વાઘા પહેરશે ત્યારે લોકોની સુવિધામાં વધારો થશે અને સ્ટેજ પ્રોગ્રામ કરતા કલાકારોને પણ વધુ અનુકુળતા રહેશે. ટાઉનહોલ ઝડપથી થાય તે માટે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, ડે. મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.
**
ટાઉનહોલની સામેનો ફુવારો ક્યારે શરુ થશે ?
ટાઉનહોલની સામે લૂટારુ ટોળકી અડીંગો જમાવી બેઠી છે, ફુવારાની પાઇપલાઇનના લગભગ મોટાભાગના પાર્ટસ ચોરાઇ ગયા છે, હવે ગ્રીલ ચોરવાની કામગીરી શરુ થઇ ચૂકી છે, ત્યારે અગાઉ એસ્ટેટ શાખા અને પૂર્વ કમિશ્નરને પણ આ ટોળકી સામે પગલા લેવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી, અધૂરામાં પુ‚ં હોય હાલમાં ટાઉનહોલ રીનોવેશનની કામગીરી ચાલુ છે, ત્યારે ટાઉનહોલની અંદરથી પણ કેટલોક માલસામાન આ ટોળકી ચોરી ગઇ છે, છતાં પણ કોર્પોરેશનના મંધાતાઓ જિલ્લા પોલીસ વડાને શા માટે કહેતા નથી ? તે અંગે પ્રશ્ર્ન છે, હવે તો આ લૂંટારુ ટોળકીથી લોકો પણ કંટાળી ગયા છે, શહેરની મઘ્યમાં ટાઉનહોલ છે, આ વિસ્તારમાં જ ફૂવારો બનશે, એ હવે શાસક પક્ષના લોકોને કદાચ દેખાતો નહીં હોય, જે હોય તે હવે તાત્કાલિક અસરથી આ ટોળકીને ભગાડવી જોઇએ અને ટાઉનહોલના ફુવારાને પણ રીપેરીંગ કરીને ચાલુ કરવો જોઇએ, તેમ શહેરીજનોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application