રંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

  • January 07, 2025 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીને વધુ રંગીન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળૂભાઇ બેરાની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતેથી આ મહોત્સવનો શુભારંભ થશે.


આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોનો જમાવડો જોવા મળશે. ૪૭ દેશોમાંથી ૧૪૩ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ભારતના ૧૧ રાજ્યોમાંથી ૫૨ જેટલા પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતના ૧૧ શહેરોમાંથી ૪૧૭ પતંગબાજો પણ પોતાની કલાનું પ્રદર્શન કરશે.


રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. 


લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.


આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  - ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે અમદાવાદમાં  વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે.


અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૫ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે. 

  

રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  - ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.


આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે.  ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં,  આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે.  આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ,  રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. 


‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને જનભાગીદારીથી જનઉત્સવ તરીકે ઉજવવવાની શરૂ કરેલી પરંપરાને આપણે આગળ ધપાવતા રણોત્સવ, તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તેમજ સોમનાથ અને દ્વારકાના પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસન ઉત્સવ અને દાંડીમાં નેશનલ સોલ્ટ મેમોરીયલ, ગાંધી આશ્રમ વગેરેને ઉત્સવ ઉજવણી અને પ્રવાસન સાથે જોડીને નવો ઉત્સાહ-ઉમંગ-થનગનાટ તથા નવી ચેતના ઉજાગર કરી છે. આવા ઉત્સવોની ઉજવણીની આપણી પરંપરાને કારણે પ્રવાસન વિકસ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application