કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકોને ચેક કરી રહેલા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી લીધો

  • September 25, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસેથી પસાર થનાર વાહન ચાલકો તેમજ લોકોને રોકીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપનારા નકલી પોલીસને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસે એક વ્યક્તિ દ્વારા લોકોને રોકીને ખોટી રીતે ચેક કરવામાં આવી રહ્યા છે, અને પોતે રાજકોટના પોલીસ કર્મચારી હોવાનું જણાવી રહ્યા છે.


જે માહિતીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ મોટા વડાળા ગામના પાટીયા પાસે પહોંચી હતી, જ્યાં એક વ્યક્તિ આવી હરકત કરતાં મળી આવતાં તેનું નામ પૂછ્યું હતું, ત્યારે પોતાનું નામ ધવલસિંહ જાડેજા અને રાજકોટ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હોવાની પોતાની ઓળખ આપી હતી.


જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તેની યુક્તિ પ્રયુક્તિના માધ્યમથી ઊંડાણ પૂર્વકની પૂછપરછ કરતાં અને આઈકાર્ડ માંગતાં પોતે આઈ કાર્ડ આપી શકયો ન હતો, અને આખરે પોતે ખોટી રીતે પોલીસની ઓળખ ઊભી કરતો હોવાની કબુલાત કરી દીધી હતી.અને વધુ પૂછપરછમાં તેણે પોતાનું સાચું નામ સાહિલ રફિકભાઈ બ્લોચ મકરાણી (ઉંમર વર્ષ ૨૨) હોવાનું અને જામજોધપુરમાં ભૂતમેડી વિસ્તારમાં રહેતો હોવાનું કબૂલ્યું હતું.

કાલાવડ ગ્રામ્ય પોલીસે તેની અટકાયત કરી લઇ તેની પાસેથી એક બાઈક અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે, અને તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application