જિલ્લા પંચાયતે ઓપન હાઉસ યોજી પોસ્ટિંગ આપ્યા પછી ઓર્ડર બદલી ગયા

  • November 09, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં અને ગ્રામ્ય કક્ષાએ ક્લાર્ક અને તલાટીઓની ખાલી રહેલી સંખ્યાબંધ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે 50 જેટલા ક્લાર્ક અને 200 જેટલા તલાટીઓની ફાળવણી કરી છે. ડિટેઈલ પોસ્ટિંગમાં કોઈ ગરબડ ન થાય અને કર્મચારીને તે ઈચ્છે તે સ્થળે કામ કરવાની તક મળે તે માટે જિલ્લા પંચાયત દ્વારા ઓપ્ન હાઉસ યોજવામાં આવ્યું હતું અને મેરીટ મુજબ સ્થળ અને બ્રાન્ચની પસંદગી ઉમેદવારોએ જે મુજબ કરી હતી તે મુજબના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

ઓપ્ન હાઉસમાં પારદર્શક રીતે કામગીરી કરવામાં આવી છે તેવા દાવા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લા પંચાયતમાં એવી ચચર્એિ જોર પકડ્યું છે કે આમાંથી અમુક ઓર્ડરમાં ફેરફાર થઈ ગયો છે. ઓપ્ન હાઉસમાં મેરીટ મુજબ બ્રાન્ચ માગનારને તે મળી નથી અને આવી બ્રાન્ચમાં જૂના કર્મચારીઓને સેટ કરી દેવામાં આવ્યા છે.

રાહુલ નામના એક કર્મચારીએ બાંધકામ શાખામાં પોસ્ટિંગ માટે ઈચ્છા દર્શાવી હતી. તેની આ માંગણી ઓપ્ન હાઉસમાં મંજૂર રહી હતી. પરંતુ જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે હિસાબી શાખામાં તેની નિમણૂક થઈ હોવાનું ખુલવા પામ્યું છે. બાંધકામ શાખામાં જગ્યા નથી અને તેથી હિસાબી શાખામાં પોસ્ટિંગ અપાયું છે તેવા જવાબો અત્યારે આપવામાં આવે છે. પરંતુ જો બાંધકામ શાખામાં જગ્યા ન હોય તો હિસાબી શાખામાં ફરજ બજાવતા અન્ય એક કર્મચારીની હિસાબી શાખામાંથી શા માટે બાંધકામ શાખામાં બદલી કરવામાં આવી છે? તેવા સવાલનો કોઈ નક્કર જવાબ આપતું નથી.

ડીડીઓ કહે છે માત્ર શાખા બદલાઈ છે
હુકમો બદલાઈ ગયા હોવાની વાત સાથે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહમત થતા નથી. આ બાબતે તેમનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હિસાબી શાખામાં વધુ જગ્યા ખાલી હોવાના કારણે વહીવટી શાખામાંથી અમુકને હિસાબી શાખામાં મૂકવામાં આવ્યા છે. પરંતુ આવા કિસ્સાઓ ની સંખ્યા માત્ર બે ચાર છે. આમ છતાં આ સિવાય બીજું કશું ખોટું થયું નથીને તેની હું તપાસ કરીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application