ત્રણ દિવસ પૂર્વે જર્જરિત ધ્વજા જોઈને ગૃહમંત્રી વ્યથિત

  • June 17, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન દ્વારકાધીશને ગૃહ રાજ્યમંત્રી દ્વારા બાવન ગજની ધ્વજા અર્પણ: ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સહિતના જોડાયા

બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા ગઈકાલે શુક્રવારે ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડા પૂર્વે દ્વારકાધીશને ચડાવવામાં આવેલી ધજા ભારે પવનના કારણે ફાટી જતા આ જોઈને ગૃહમંત્રી વ્યથિત થયા હતા અને જો વાવાઝોડાની પરિસ્થિતિ શાંતિ પૂર્ણ રીતે કાબુમાં રહેતો તેમણે ધ્વજા ચડાવવાનો મનોમન સંકલ્પ કર્યો હતો જેની ફળશ્રુતિ સ્વરૂપે તેમણે શુક્રવારે સાંજે દ્વારકાધીશ ને ધ્વજા અર્પણ કરી હતી.
ગૃહમંત્રી સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું. અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું હતું. બાદમાં ભગવાન દ્વારકાધીશને આ ધજા અર્પણ કરાઇ હતી અને આ ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. જે માટે દ્વારકાધીશ મંદિર સુરક્ષાના ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા હોટેલ એસોસિએશનના અગ્રણી નિર્મલભાઈ સમાણી દ્વારા જરૂરી વ્યવસ્થા તથા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું સંકટ ટળતાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર ગત સાંજથી પુન: ધજારોહણ શરૂ થયું છે. આજથી પાંચેય સમયની ધજાઓ ચડાવવામાં આવશે. સાથે સાથે તમામ દર્શનનો સમય પૂર્વવત થઈ જશે.
’બિપરજોય’થી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી જાળવી રાખી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત પર કાયમ સોમનાથ મહાદેવ તેમજ ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમની કૃપાથી શનિવારથી જનજીવન રાબેતામુજબ થઈ જશે.
આ ધાર્મિક કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય વિગેરે સાથે જોડાયા હતા.
**
વાવાઝોડાની અસર પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને ગુરૂવાર અને ત્યારબાદ ગઈકાલે શુક્રવારે મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. સાવચેતીના પગલાં રૂપે કરવામાં આવેલા આ નિર્ણય બાદ ગઈકાલે બપોરથી વાવાઝોડાની પરિસ્થિતિ કાબુમાં જતા તંત્ર દ્વારા આ અંગે હકારાત્મક અભિગમ અપનાવી અને ગઈકાલે શુક્રવારથી દ્વારકાધીશ મંદિરના દર્શન ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, છેલ્લા ચારેક દિવસથી દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું ન હતું અને મંદિરના શિખર પર રહેલી ધ્વજા પણ પવનના કારણે ફાટી ગઈ હતી. જેથી છેલ્લા ચાર દિવસથી દ્વારકા મુકામે રહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધિવત રીતે પૂજન અર્ચન કરી, નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application