રાજકોટની અગ્રીમ બેંકોનાં અધિકારીઓ સાથે કલેકટરે યોજી બેઠક, રૂ.10 ના સિક્કાને લઈ કહી આ વાત

  • May 21, 2024 10:58 PM 

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ. ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. ૧૦ ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.


આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂ. ૧૦ નો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિઃસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. તેમજ બેન્ક પણ રૂ. ૧૦ ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરશ્રીએ લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું. 

   

કલેકટરશ્રી એ આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ. ૧૦ ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ. તેમજ કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે.


રૂ. ૧૦ નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરશ્રીએ જણાવી રૂ. ૧૦ ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તે માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યો છે.


આ બેઠકમાં એસ.બી.આઈ. ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહીત અગ્રણી બેંકોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application