ચૂંટણી બોન્ડની કાયદેસરતા પર આજે સુપ્રીમ કોર્ટ ફેંસલો આપશે

  • February 15, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટ આજેચૂંટણી બોન્ડ યોજના પર મહત્વનો નિર્ણય આપશે. કોર્ટનો આ નિર્ણય ચૂંટણી બોન્ડ યોજનાની કાનૂની માન્યતાને પડકારતી અરજીઓ પર છે. ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બેન્ચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કેન્દ્ર સરકારે 2018માં બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે તેની રજૂઆત કરવામાં આવી હતી. તેને રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું.

સ્ટેટ બેંકની કેટલીક પસંદગીની શાખાઓમાં ચૂંટણી બોન્ડ ઉપલબ્ધ છે. કોઈપણ નાગરિક, કંપ્ની અથવા સંસ્થા આ બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડ 1000, 10 હજાર, 1 લાખ અને 1 કરોડ રૂપિયા સુધીના હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જે કોઈપણ પક્ષને દાન આપવા માંગે છે તે આ ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે અને રાજકીય પક્ષને આપી શકે છે. ખાસ વાત એ છે કે દાતાએ બોન્ડમાં પોતાનું નામ લખવું પડતું નથી.

જો કે, આ બોન્ડ ફક્ત તે રાજકીય પક્ષો દ્વારા જ મેળવી શકાય છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 29એ હેઠળ નોંધાયેલા છે અને જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં એક ટકાથી વધુ મત મેળવ્યા છે.

કોંગ્રેસ નેતા જયા ઠાકુર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સહિત કુલ ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી બોન્ડની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારો દાવો કરે છે કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવતી અનામી રાજકીય ભંડોળની પારદર્શિતાને અસર કરે છે અને મતદારોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમનો દાવો છે કે આ યોજના હેઠળ શેલ કંપ્નીઓ દ્વારા દાનની મંજૂરી આપવામાં આવી છે.
કોર્ટે ગયા વર્ષે 31 ઓક્ટોબરે તેમના પર સુનાવણી શરૂ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application