મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપ્યો: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે.
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે.
દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષયવસ્તુ સાથે યોજવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી તથા મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રમત-ગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે, 21મી જૂને સવારે 07:00 થી 07:45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 06:30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 06:40 કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે માર્ચ-2024 થી 100 દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યક્રમની છણાવટ કરતા કહ્યું કે, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો અન્વયે યોગોત્સવ-2024 થીમ સાથે 100 થી વધુ કાર્યક્રમો યોજીને કોમન યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન થયું હતું. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200 થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો 22 હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોડ્ર્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દશર્વ્યિો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech