જામનગરમાં પ્રથમ વખત તાપમાન ૧૫.૮ ડીગ્રી: ઠંડીનો ચમકારો

  • December 09, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના ગામડાઓમાં ઠંડીની અસરથી લોકોએ ગરમ કપડા પહેરવાના શરુ કર્યા: હજુ બે દિવસ વાદળીયું વાતાવરણ રહેશે

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ સાંજથી સમગ્ર હાલારમાં ઠંડીનું આંશીક મોજુ ફરીવળ્યું છે, ગઇકાલ સાંજથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, આજે વહેલી સવારે પણ તાપમાન સિઝનમાં પ્રથમ વખત ૧૬ ડીગ્રી નજીક એટલે કે ૧૫.૮ ડીગ્રી થઇ જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને કારણે વાદળા પણ બંધાયા હોય ઠંડી પડવાની શકયતા હતી અને ગઇકાલ બપોર બાદ ઠંડો પવન ફુંકાયો હતો, જો કે હજુ બે દિવસ વાદળીયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં કયાંક છુટા-છવાયા ઝાપટા પડે તેવી પણ શકયતા છે ત્યારે હજુ પણ ખેડુત ચિંતીત છે.
શિયાળુ પાકમાં જીરુ, ઘઉં, ચણા, ધાણાનું મવલખ વાવેતર થયું છે, જો માવઠુ થાય તો ખેડુતોને બિયારણના  રુપિયા પણ નહીં નિકળે, બીજી તરફ કપાસ પણ તૈયાર થઇ રહ્યો છે ત્યારે જો વરસાદ થાય તો કપાસ પણ પલળી જશે અને ખેડુતોએ જે આશા રાખી છે તે ઠગારી નિવડશે અને માવઠાને કારણે ખેડુતોનું આર્થિક બજેટ પણ ખોરવાઇ જશે, સરકાર ચિંતીત હોવાનો દાવો કરે છે, પરંતુ ખેડુતોને તો આખરે નુકશાની જ સહન કરવી પડે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્રને પણ એલર્ટ કરાયું છે, માર્કેટીંગ યાર્ડના સંચાલકોને પણ માવઠુ થાય તો પારોઠના પગલા લેવા સુચના આપી દેવામાં આવી છે.
જયારે-જયારે માવઠુ કે અન્ય આફતો આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરીશું તેવી જાહેરાત કરી દેવામાં આવે છે પરંતુ વાસ્તવીકતા કાંઇક અલગ હોય છે, કેટલાક ગામડાઓમાં સર્વે પણ થતો નથી જેને કારણે પુરતી રકમ પણ મળતી નથી. સરકારે આ બાબતે ખ્યાલ રાખવો જોઇએ અને જિલ્લા કલેકટર તથા ડીડીઓએ કોઇ સર્વે વગર રહી ન જાય તેવી સુચનાવી આપવી જોઇએ.
ઠંડીને કારણે તાપમાનમાં વધ-ઘટ થયા કરે છે અને આજે તાપમાન ૧૫.૮ ડીગ્રી છે પરંતુ પવનની ઝડપ સારી છે તેથી સવારથી જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૫.૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી રહ્યું હતું,  હવામાં ભેજ ૭૨ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરમાં ગઇકાલે સાંજે પણ તેજ ગતિએ પવન ફુંકાયો હતો, એટલું જ નહીં પવનની ગતિ ધીમે-ધીમે ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી, લોકોએ સ્વેટર અને મફલર બહાર કાઢયા હતાં, હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application