જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર અંગે સસ્પેન્સ

  • March 14, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાતની ૨૬ માંથી ૨૨ બેઠકના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. બાકી રહેતી ચાર બેઠકોમાં ત્રણ સૌરાષ્ટ્ર્રની છે અને આ ત્રણે ત્રણ બેઠકોમાં ભાજપ કોને ઉમેદવાર જાહેર કરશે તે સવાલ ઠેર ઠેર પુછાય રહ્યો છે ભાજપે અત્યાર સુધી જે ૨૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં ૧૦ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે અને તે જોતાં બાકી રહેતી ચાર બેઠકમાં પણ બે થી ત્રણ વર્તમાન સંસદ સભ્યોને પડતા મૂકી તેના સ્થાને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવે તેવી શકયતા નિહાળવામાં આવે છે.

અમરેલીમાં વર્તમાન સાંસદને રીપીટ કરવામાં ન આવે તો કોને ટિકિટ મળે તેવા સવાલના જવાબમાં સ્થાનિક રાજકારણીઓ હિરેનભાઈ હિરપરા કૌશિકભાઈ વેકરીયા અને મુકેશભાઈ સંઘાણી ના નામ આપી રહ્યા છે. આવો જ સવાલ જૂનાગઢમાં યારે કરવામાં આવે ત્યારે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ને જો ટિકિટ ન મળે તો તેની બદલે ગીતાબેન માલમ, પુષોત્તમભાઈ સોલંકીના પુત્રી દીપુબેન સોલંકીના નામો બોલાઈ રહ્યા છે.

જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને કદાચ રીપીટ નહીં કરાય તેવી વાતોમાં સૌથી મોટું અને એકમાત્ર કારણ એ આપવામાં આવે છે કે ડોકટર ચગની હત્યાનો કેસ ટિકિટ આડે નું મોટું સ્પીડ બ્રેકર છે. જોકે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં એવા સમાચારો પણ વહેતા થઈ રહ્યા છે કે આ મુદ્દે સમાધાન થઈ ગયું છે. બદલાયેલી પરિસ્થિતિ પછી હવે ટિકિટ મળે છે કે નહીં તે જોવાનું રહેશે.

સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા ને ટિકિટ નહીં મળે અને ટિકિટ મળશે તેવું તદ્દન વિરોધાભાસી માનનાર વર્ગ ખૂબ મોટો છે. જો ટિકિટ ન મળે તો મુંજપરાના બદલે કોણ તે સવાલનો નક્કર જવાબ આ મત વિસ્તારમાં મળતો નથી.
ભાજપે ગઈકાલે ગુજરાતના જે ૭ નામ જાહેર કર્યા છે તેમાં સુરતમાં વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનું પતુ કાપીને તેની જગ્યાએ સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલને ટિકિટ આપી છે. ઘણા લોકો આને આશ્વર્યજનક નિર્ણય ગણાવે છે. ભાવનગરમાં ભાજપના રાષ્ટ્ર્રીય ઉપાધ્યક્ષ અને કોળી સમાજના મહિલા આગેવાન ભારતીબેન શિયાળના બદલે પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાની પસંદગી કરી છે.

ભાજપે અત્યાર સુધી જે ૨૨ નામ જાહેર કર્યા છે તેમાં ૧૦ વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. બાકી રહેતા ચાર નામમાં પણ હજુ બે ત્રણની ટિકિટ કપાય તેવું લાગે છે. આ મુજબ ટિકિટમાં ૫૦% નો– રીપીટ થીયરી અપનાવી છે. ત્રણ મહિલા સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે તે જોતા અમરેલી અને જૂનાગઢમાં કદાચ મહિલા ઉમેદવારને લોટરી લાગે તો નવાઈ નહીં એવું રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે. ભાજપના બાકી રહેતા ઉમેદવારોનું છેલ્લું લિસ્ટ આગામી એકાદ બે દિવસમાં જ જાહેર થાય તેવી શકયતા છે અને આ લિસ્ટ જાહેર થશે તે સાથે જ અનુમાનો –અટકળો પર પૂર્ણવિરામ લાગી જશે

ભાજપે ગુજરાતના વધુ સાત નામ જાહેર કર્યા
ભાજપે ગઈકાલે ગુજરાતના સાત સહિત દેશભરના વધુ ૭૨ નામ જાહેર કર્યા છે. તેમાં સુરતમાં મુકેશભાઈ દલાલ ભાવનગરમાં નિમુબેન બાંભણિયા, સાબરકાંઠામાં ભિખુજી ઠાકોર, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, વલસાડમાં ધવલ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ ના નામો જાહેર કર્યા છે. સુરત ભાવનગર સાબરકાંઠા છોટા ઉદયપુર વલસાડમાં વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી નથી. ભાવનગરમાં ભારતીબેન શિયાળ સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવા વલસાડમાં કે.સી.પટેલ અને સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની ટિકિટ કાપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application