રાજ્યભરમાં ગાજેલા જૂનાગઢના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કરોડોના કૌભાંડના માસ્ટર માઈન્ડ મનાતા કેશોદના સીપીઆઈ હાલ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એક સપ્તાહમાં જ પકડવામાં એટીએસને સફળતા મળી છે. ગઈકાલે અચાનક અમદાવાદના સીજી રોડ પરથી કારમાં ભટ્ટ મળી આવ્યા અને એટીએસએ દબોચી લઈ ધરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડના મુળ સુધી જવા માટે આજે ભટ્ટને રિમાન્ડની માગણી માટે જૂનાગઢની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ પીઆઈ ભટ્ટને જૂનાગઢ લવાતા કોર્ટ આસપાસ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.
કેરળના વેપારી કાર્તિક ભંડારીનું જૂનાગઢ એસઓજીએ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ. ૨૫ લાખની માગણી કરવામાં આવી હતી. જૂનાગઢ દોડી આવેલા આ વેપારીએ એસઓજીના વચેટિયા એએસઆઈ દિપક જાની સમક્ષ ચાર-પાંચ લાખ રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી હતી. જોકે મોટો તોડ કરવા માટે તત્પર આ ટીમે વેપારીને દબાવ્યા હતા. એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલે વહિવટ નહીં થાય તો ઈડી અને ઈન્કમટેક્સને જાણ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. ધમકીને વશ થયા વિના વેપારીએ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયાને રજૂઆત સાથે લેખિત ફરિયાદ કરી હતી અને કરોડોના કાળાચીઠ્ઠા સમાન આ કૌભાંડ ખુલવા પામ્યું હતું. રેન્જ આઈજીની સૂચનાથી અરજીની થયેલી તપાસમાં માસ્ટર માઈન્ડ કેશોદના સીપીઆઈ તરલ ભટ્ટ નિકળ્યા હતા. એક નહીં આવા ૩૩૫ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યાનો અને કરોડોનો કડદો કરવાનો મનસુબો હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રિપુટી સામે જૂનાગઢમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્રણેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટના ખુબ જ ગંભીર અને તલસ્પર્શી તપાસ માગનારી હોવાથી રેન્જ આઈજી ઝાંઝડીયાની રજૂઆતને પગલે ડીજીપી વિકાસ સહાયે આ તપાસ એટીએસને સોંપી હતી.
એટીએસની અલગ અલગ ટીમોએ તપાસ આરંભી હતી. જૂનાગઢમાં પણ ટીમ આવી હતી અને એસઓજીનું તપાસના કામે જરૂરી સાહિત્ય કબજે કર્યું હતું. ત્રિપુટીની શોધખોળ આરંભી હતી. સાત દિવસથી માસ્ટર માઈન્ડ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ હાથ લાગતા ન હતા. દરમિયાન એટીએસને ચોક્કસ માહિતી મળી હતી કે તરલ ભટ્ટ કારમાં અમદાવાદ સીજી રોડ પર છે જેથી ટીમે ત્યાં દોડી જઈ તરલ ભટ્ટને ઝડપી લીધા હતા. સમગ્ર નાટકીય ઘટનાક્રમ બાદ તરલ ભટ્ટની ધરપકડ કરી આજે રિમાન્ડ માટે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
તરલ ભટ્ટ સાયબર ક્રાઈમના ઉંડા અભ્યાસુ અને જાણકાર હોવાથી તેણે વોન્ટેડ પીરિયડ દરમિયાન પોતાની સાથે મોબાઈલ રાખ્યો ન હતો અને પકડાયા બાદ પણ એટીએસને ભટ્ટ પાસેથી મોબાઈલ કે આવું કોઈ અન્ય સાહિત્ય મળ્યું ન હતું. મોબાઈલ કબજે કરવા તેમજ ૩૩૫ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા કઈ રીતે સમગ્ર કૌભાંડ થયું, ત્રિપુટી સિવાય અન્ય કોનો દોરી-સંચાર કે સંડોવણી સહિતના મુદ્દાઓ આધારે આજે તરલ ભટ્ટને એટીએસની ટીમે રિમાન્ડની માગણી સાથે જૂનાગઢની કોર્ટમાં રજૂ કર્યા હતા.
કેસને મજબૂત બનાવવા ફરિયાદીનું કોર્ટ સમક્ષ સ્ટેટમેન્ટ લેવાયું
કરોડોના કૌભાંડ જેવા ગણાતા આ ચકચારી કેસમાં કાચુ ન કપાય જાય કે પૂરતા પુરાવા, દસ્તાવેજો પુખ્તા બને એ તરફે પણ એટીએસએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સમગ્ર કૌભાંડના અરજદાર એવા કેરળના વેપારી કાર્તિક ભંડારીને ફરી અહીં બ બોલાવાયા હતા. એટીએસએ પુછપરછ, સ્ટેટમેન્ટ લીધા બાદ આ વેપારીને કોર્ટ સમક્ષ રજૂ કરી ન્યાયધીશની હાજરીમાં ૧૬૪ મુજબ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું જેથી ભવિષ્યમાં વેપારી કેસ સમયે હાજર રહે કે ન રહે હોસ્ટાઈલ થાય તો પણ કેસની મજબુતાઈ જળવાઈ રહે.
કારની નંબર પ્લેટ ટ્રેસ કરીને ભટ્ટને પકડ્યાનો દાવો
વોન્ટેડ તરલ ભટ્ટ સાત દિવસથી એટીએસની ટીમોને હાથ લાગતા ન હતા. એટીએસને ભટ્ટે ઘુમરે ચડાવી હતી. અમદાવાદ સ્થિત ભટ્ટના રહેણાંક બંગલો ખાતે એટીએસએ તપાસ કરી હતી આમ છતા ત્યાંથી પણ કંઈ એટીએસને ભટ્ટ પકડાય તેવું મળ્યું ન હતું. તરલ ભટ્ટ હાથ લાગ્યા બાદ એટીએસ દ્વારા એવો દાવો કરાયો છે કે ભટ્ટ મોબાઈલ ફોન રાખતા ન હતા તેથી તેમનું લોકેશન ટ્રેસ થતું ન હતું કે મળતા ન હતા. જેથી અન્ય થિયરીથી તપાસ હાથ ધરી ભટ્ટના કારના નંબર ટ્રેસ કરવામાં આવતા હતા. આ કાર અમદાવાદના સીજી રોડ પર હોવાની માહિતીના આધારે ટીમે ત્યાં પહોંચી ભટ્ટને ઝડપી લીધાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ એક એવી પણ વાત છે કે કોલ સેન્ટર સાથે સંકળાયેલો એક શખ્સ ગઈકાલે મહત્વની બ્રાંચમાં ચક્કર કાપતો હતો અને આ ઈસમ ભટ્ટની નજીક હોવાની પણ વાત છે.
સો ચૂહે મારકે... ભટ્ટ વોન્ટેડ પીરિયડ દરમિયાન ધાર્મિક યાત્રાએ નીકળ્યા
બેન્ક એકાઉન્ટો ફ્રીઝ કરીને કાંડ કરવાની માસ્ટરી ધરાવતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે પોતે અમદાવાદ હતા ત્યારે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પણ ૧૦૦૦ જેવા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા જેની તપાસ એસએમસી ચલાવી રહી છે. આ કાંડ બાદ ભટ્ટની સસ્પેન્ડ કરવાને બદલે એવી ચર્ચા છે કે ભટ્ટના છેડા પણ ઉંડા હોવાથી તેમને જૂનાગઢ તબદીલ કરવામાં આવ્યા હતા. હમ નહીં સુધરેંગેની માફક અહીં આવીને પણ ભટ્ટે પોતાની જૂની એમઓ આરંભી દીધી હતી. કેશોદ સીપીઆઈ હોવા છતાં એસઓજીમાં ટાંગ અડાવતા હતા. તેઓના દોરી-સંચારથી એસઓજી દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાતા હતા. આ કૌભાંડ ખુલતા ભટ્ટ અને તેના બે સાગરીતો સમક્ષ પીઆઈ ગોહિલ તથા એએસઆઈ જાની સામે પણ ગુનો નોંધાયો અને ત્રણેય એક સપ્તાહથી પોબારા ભણી ગયા હતા. ગઈકાલે એટીએસના હાથે ઝડપાયેલા ભટ્ટે ટીમ સમક્ષ એવું કથન કર્યું છે કે પોતે ઈન્દોર ગયા હતા ત્યાંથી મહાકાલેશ્ર્વર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા હતા. એક દિવસ શ્રીનાથજી ખાતે દર્શન કર્યા હતા. આ તો એવું થયું કે સો ચૂહે મારકે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech