નોટીસ મળતા જ હાઉસીંગ બોર્ડ રિ-ડેવલોપમેન્ટનો જબરો વિરોધ

  • November 06, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધનાકોલોનીમાં આવેલ એલઆઇજી કેટેગરીના ૩૨૪ ફલેટધારકોને સ્થળાંતરની નોટીસ આપતા વિવાદ વધુ વકર્યો: કાનુની લડાઇ કરાશે તેવી જાહેરાત

સરકાર દ્વારા હાઉસીંગ બોર્ડમાં રહેતા લોકો માટે રિ-ડેવલોપમેન્ટ યોજના અમલમાં મુકી છે ત્યારે જુની સાધનાકોલોનીમાં આવેલ એલઆઇજી કેટેગરીના ૩૨૪ આવાસના ફલેટધારકોને જેવી સ્થળાંતરની નોટીસ પાઠવવામાં આવી એટલે તરત જ ફલેટધારકોની ઇમરજન્સી મીટીંગ મળી હતી અને જરુર પડયે આંદોલન કરી કાનુની લડતના મંડાણ કરાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ સાધનાકોલોની એલ-૧ થી એલ-૨૭ના એલઆઇજીના ૩૨૪ ફલેટધારકોને હાઉસીંગ બોર્ડ તરફથી અવારનવાર નોટીસ અપાય છે, આ નોટીસ મળ્યા બાદ મળેલી એક મીટીંગમાં ફલેટધારક અને દુકાનધારક હીત રક્ષક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં એવું નકકી કર્યુ હતું કે, ૭૫ ટકા ફલેટધારકો રી-ડેવલોપમેન્ટ પ્લાન્ટની મંજુરી આપે તો જ આ યોજના અમલમાં મુકવી, કેટલાક લોકો પાસે દસ્તાવેજ નથી તો અમુક લોકો પાસે માત્ર પાવર ઓફ એટર્ની છે, નાનો વેપારી ફલોરમાં દુકાન ધરાવે છે તેના માટે નવા સંકુલમાં વ્યવસ્થા કરી આપવી અને નવા મકાન બની જાય એટલે તરત જ તમામના દસ્તાવેજ કરી આપવા, જે ફલેટધારકો રહે છે તેની પાસે હાઉસીંગ બોર્ડનું કોઇપણ જાતનું લેણું છે કે નહીં તે અંગે પણ તપાસ કરવી.
એવી વિગતો બહાર આવી છે કે, ૧૯૮૧થી ૧૯૮૩ દરમ્યાન આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે તે જગ્યાના ભાવ માત્ર ૫૦ રુપિયા ફુટના હતાં, અત્યારે ૮ થી ૧૦ હજાર જેટલો ભાવ ચાલે છે એટલે આ એક પ્રકારની ચાલ લઇને ફલેટધારકો પાસેથી કોરા સંમતી પત્રકમાં સહી કરાવી લેવાની વાત થઇ રહી છે, જે લોકોએ સહી કરી છે તેઓને દબાણથી સહી કરાવી છે કે કેમ ? તે અંગે તપાસ કરાવી જોઇએ, નવી સાધનાકોલોનીમાં બાંધકામ થયું ત્યારથી લોકોએ નબળા કામ અંગે ફરિયાદ કરી હતી, આ સરકારે એલઆઇજી ૩૨૪ એટલે કે એલ-૧ થી એલ-૨૭ સુધીના ૩૨૪ ફલેટનું બાંધકામ નબળુ છે તે અંગે સરકારે રિપોર્ટ કરાવો જોઇએ અને ત્યારબાદ રિ-ડેવલોપમેન્ટ પ્રોસીજરની શરુઆત કરવી જોઇએ.
સાધનાકોલોનીના ફલેટધારકો લડત કરવાના મુડમાં છે, તેમને ન્યાય નહીં મળે તો અદાલતના દરવાજા પણ ખટખટાવશે અને જે સમિતિની રચના કરાઇ છે તે પ્રમાણે કામ કરવું, અન્ય સ્થળે આવાસના નિર્માણની જે હીલચાલ થાય છે તેની સામે ફલેટધારકોએ રોષ વ્યકત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application