શ્રાવણ મહિનો પૂર્ણ થયો છે અને ગઇકાલે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે સોમવતી અમાસે વિશાળ સંખ્યામાં શિવભકતો જુદા જુદા મંદિરોમાં પૂજન, અર્ચન અને દર્શન માટે ઉમટી પડયા હતા ત્યારે આ મંદિરોની ઐતિહાસિક ગરિમા અને ભવ્યતા વિષે ઇતિહાસવિદે માહિતી આપી હતી.
ડો. પ્રધ્યુમ્ન ખાચરે પોરબંદર અને બરડા પંથકના શિવાલયો વિષે માહિતી આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર જિલ્લો નાનો છે અને તેનો જન્મ થયાને પણ હજુ ૨૭ વરસ જ થયા છે. ભારત વર્ષના તમામ ગામમાં મોટે ભાગે શિવાલયો હોય છે પણ તેની સંખ્યા આઘી પાછી હોય. માનવ ભોળા ભાવે ભોળાનાથને પોતાના મનની શાંતિ અને સુખ, સમૃધ્ધિ માટે પૂજતો રહ્યો છે અને નવા નવા મંદિરો બાંધતો રહ્યો છે એ જ અનાદિકાળથી સનાતન ધર્મની પરંપરા તેને જીવાડી આસ્થાવાન બનાવી રહી છે.બરડા પંથકના કેટલાક શિવાલયો વિશિષ્ટ અને પૌરાણિક સમયના જણાય છે. પોરબંદરનું કેદારેશ્ર્વર મહાદેવ પૌરાણિક સંદર્ભમાં સૌથી જુનુ ગણાય છે. લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે મંદિરની સ્થાપના કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામાજીના હાથે થઇ હતી. પછી રાજમાતા પાળીબાએ ર્જીણોધ્ધાર કરી નવું બાંધ્યુ જેનો ગર્ભગૃહના દરવાજા પાસે લેખ છે. પોરબંદર કોર્ટની નજીક આવેલ ગોપનાથ પણ વિખ્યાત અને જાણિતુ છે. સૌથી નવાઇની વાત તો એ જાણવા મળે છે કે માણસને હરેક ઠેકાણે શિવ મળ્યા ત્યાં દેખાયા છે. ભાવસિંહજી હોસ્પિટલ સામે જ ભૂતનાથ મહાદેવ આવેલ છે તે મૂળમાં કેટલો વરસાદ પડયો તે માપવાનો લિંગ આકારનો દંડ હતો એમ નરોત્તમ પલાણ નોંધે છે, પણ દુખિયારા માનવે ઇ.સ. ૧૯૨૨ના મરકીના રોગમાં તેને શિવલિંગ માની અને પૂજા કરી મનની, હૃદયની શાંતિ મેળવી હતી.
આપણા રાજવીઓ તેમના અગ્નિદાહના સ્થળે પણ દેરી કે મંદિર બંધાવી શિવલિંગ પધરાવતા એવી કાઠિયાવાડમાં રાજવી પરંપરા રહી છે. એ પરંપરા મુજબ નહી પણ બીજી રીતે પણ પોરબંદરમાં જેઠવા શાસકોને નામે ભાણજીના નામે ભાણેશ્ર્વર, વિકમાતજી ઉર્ફે ભોજરાજી પરથી ભોજેશ્ર્વર, ભાવસિંહજી પરથી ભાવેશ્ર્વર, નટવરસિંહજી પરથી નટવરેશ્ર્વર મહાદેવના મંદિરો વિદ્યમાન છે.
પોરબંદર શહેરમાં નવા જૂના તથા નાના મોટા શિવમંદિરોની સંખ્યા ૫૦થી વધારે થવા જણાય છે. બરડા પંથકમાં ઘુમલીનું નવલખા મંદિર એ શિવાલય હતું. આ વિસ્તારમાં હજારેક વર્ષ જૂના શિવમંદિરો પણ ઉભા છે. જેમકે બિલનાથ, કુછડીના ખીમેશ્ર્વર, ગાંધવેશ્ર્વર બાલવા, દંતેશ્ર્વર દાત્રાણા, શૈલેશ્ર્વર ઘુમલી, છાયાનું ધીંગેશ્ર્વર, ભાણવડનું ઇન્દ્રેશ્ર્વર તથા ભાણનાથ, મિયાણીનું પંચાયતન શિવાલય, વિસાવાડાનું સિધ્ધેશ્ર્વર, ભવનેશ્ર્વરમાં ભવનેશ્ર્વર, ખીમેશ્ર્વર મંદિરના સમૂહમાં ખીમેશ્ર્વર, ચુડેશ્ર્વર, દુધેશ્ર્વર અને ધીંગેશ્ર્વર છે. કાંટેલામાં મહાકાલેશ્ર્વર બિરાજમાન છે. રાણાવાવની જાંબુવાન ગુફામાં પાણી ટપકી કેલ્શિયમ એકઠું થાય તેના શિવલિંગ આકારના કુદરતી આકાર બંધાય છે જેને લોકો આદરભાવથી પૂજે છે. જાંબુવાનની ગુફામાં જાંબુકેશ્ર્વર મહાદેવ છે. રાણપુરનું ધીંગેશ્ર્વરનું લિંગ એ મૂળમાં બૌધ્ધ સ્તુપ હતો પણ લોકોએ તેને ધીંગેશ્ર્વર નામ આપી પોતાના હાથે જ આસ્થા સ્થાપી અને ફળ પણ પ્રાપ્ત કરવા માંડયા. રાણપુરનું ધીગેશ્ર્વરનું લીંગ મૂળ સ્તૂપ હોવાથી બે માણસ સામસામા બથ ભીડે ત્યારે માંડ હાથ પહોંચી શકે એટલા મોટા ઘેરાવાનું છે, તેની ઉંચાઇ પાંચ ફૂટ આસપાસની છે. ઇતિહાસ કે સ્થાપત્યનું ઉંડુ જ્ઞાન ન હોવાથી આવું પણ કયાંક કયાંક બનવા પામ્યુ છે. હા, પણ માણસ તો બસ શ્રધ્ધાથી લીંગ માનીને પૂજે છે.
જૂનાગઢના વિખ્યાત હોનહાર દીવાન અમરજીની યાદમાં કુતિયાણા પાસે દેવડામાં અમરેશ્ર્વર મહાદેવનું મંદિર બંધાયેલુ છે જેની હાલત હવે સુધારવાની જર છે. ગોકર્ણનું ગોકર્ણેશ્ર્વર પ્રાચીન કથા ધરાવતુ મંદિર છે. કેટલાક શિવમંદિરો સાથે ચિત્રવિચિત્ર કથાઓ જોડાયેલી છે. ખીમેશ્ર્વરના મંદિર સમૂહમાં એક મંદિરની ચાંદની રાતે પૂજા કરવાનો મહિમા હોવાથી તથા દૂધનો અભિષેક કરાતો હોવાથી તેને દૂધેશ્ર્વર કહી દીધા.
કિલેશ્ર્વર એ ચાંપરાજવાળાની રાજધાનીનું શહેર હતુ. પણ મુસ્લિમોએ તેનો નાશ કર્યો. કિલેશ્ર્વર પડતર હાલતમાં હતું.જેનો જામ રણજીતસિંહજીએ ઇ.સ. ૧૯૧૩-૧૪માં ર્જીણોધ્ધાર કરાવ્યો. જામ રણજીતસિંહજીએ સ્ટેટ એન્જિીનીયર ફૂલચંદભાઇ ડાયાભાઇ પારેખની દેખરેખ નીચે તેનો ર્જીણોધ્ધાર કર્યો અને મંદિર તોડનાર ધર્મના જ કોન્ટ્રાકટર વોરા મહમદ અમીજીએ ફરી બાંધ્યુ. એ સમયે મેમણ કોન્ટ્રાકટર હતા તે મંદિરો બાંધવાનું કામ રાખતા હતા. આવા કેટલાક કિસ્સા કાઠિયાવાડમાં જોવા મળે છે. જેમકે વડીયા પાસે ઢુંઢીયા પીપળીયાનું ખોડેશ્ર્વર મહાદેવનું મંદિર મેમણ આદમજી કરીમએ બાંધ્યુ હતુ. કિલેશ્ર્વરની સાથે વિશાળ બગીચો અને ડુંગર પર ખેંગાર વિલાસ બંગલો બંધાવ્યો હતો. ચોમાસામાં તો કિલેશ્ર્વર પ્રવાસીને પંચગીની ગયા હોય તેવો અહેસાસ કરાવે છે.
ધીંગેશ્ર્વરથી આગળ ચકલા ડુંગરમાં ટપકેશ્ર્વર મહાદેવ એક ભેખડમાં આવેલ જેમા સતત પાણી લિંગ પર ટપકે છે. અલાઉદીન ખીલજી દેવળો તોડતો અહીં બિલેશ્ર્વરના મંદિરે આવ્યો ત્યારે તેને ખૂબ મુશ્કેલી અને નુકશાન થતા મંદિર તોડયા વિના પાછો વળી ગયેલ. બરડા પંથકના આ શિવમંદિરોમાં કેટલાક મંદિર હજાર વર્ષનું આયુષ્ય વટાવી ગયા છે. જો કે તેમાં આજે પૂજાપાઠ થતા નથી માત્ર એ યુગનું સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્ય બતાવતા ઉભા છે. આપણા આજના સ્થપતિઓએ એક પથ્થરમાં બીજો પથ્થર જોડી પ્રાચીન લોક સિસ્ટમથી જે મંદિરો બનાવતા એ પ્રથા પુન: શ કરવાની તાતી જરિયાત છે. તો આપણો વારસો અને જ્ઞાનવિજ્ઞાનને જાળવી રાખેલા ગણાઇશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech