ગીર સોમનાથ પંથકમાં વર્લ્ડકપનો ક્રિકેટ સટ્ટો રમતા છ શખસ ઝડપાયા

  • November 10, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ પંથકમાં મોટાપાયે સટ્ટો રમાતો હોવાની ચર્ચા વચ્ચે એલસીબીએ એક મેચ ઉપર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સુરત અડાજણના મોટા બુકી પાસે ફોન ઉપર અત્રેના છએક લોકો સટ્ટો રમતા હોવાનું સામે આવ્યુ છે. જેના આધારે પોલીસે સુરતના બુકી સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.


આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે ભારત-સાઉથ આફ્રિકાના મેચ ઉપર એક શખ્સ મોબાઈલ ઉપર સટ્ટો રમી રહ્યા અંગે એલસીબીના નરેન્દ્ર કછોટ, લાલજીભાઈ બાંભણીયાને મળેલ બાતમીના આધારે સુત્રાપાડા પંથકમાં દરોડો પાડી મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા વિહાર બાજીયા નામના શખ્સ પાસેથી મોબાઈલ લઈ તપાસ કરતા તેમાં વોટસએપ એપ્લીકેશનમાંથી સીરીયલ નંબર, કોડ, પાર્ટી નેઇમ, ડીઆર, બેલેન્સ સહિતની વિગતોનો સ્કીનશોર્ટ ફોટોકોપીમાં લખેલ વિગતો જોવા મળેલ હતી. જે અંગે પૂછપરછ કરતા હાલ રમાઈ રહેલ વર્લ્ડકપ ક્રીકેટ મેચમાં લાઈનથી ક્રીકેટ સટ્ટાનો જુગાર રમવા કમીશનથી ગ્રાહકો મેળવેલ જે ગ્રાહકોના હીસાબ કીતાબની વિગત હોવાનુ જણાવેલ હતુ. 
​​​​​​​
વધુમાં ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં હારજીત, સેસન ઓવર અને રનફેરનો સટ્ટો રમાવા માટે મોબાઇલ ફોનના લાઈનના નંબરો સુરતના અડાજણ રહેતા બુકી રાજન કકકડ પાસેથી મેળવી અત્રેના (૧) ભુપત બારડ રહે. અમરાપુર (૨) જયદીપ રહે.તાલાલા (૩) રણશીભાઇ રહે. રામપરા (૪) કનકભાઇ રહે.ઘંટીયા (૫) ધર્મેન્દ્રભાઇ રહે. તાલાળા (૬) શૈલેષભાઇ રૂપારેલીયા રહે. તાલાલા વાળાને આપેલ હોવાનું જણાવતા તેની અટક કરી હતી. ઉપરોક્ત વિગતોના આધારે સુરતના બુકી રાજન કક્કડ સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી તમામની અટકાયત કરવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application